અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘મહિલા દિન’ની
વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી. જેમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, “આપણાં સૌ માટે
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ મહાન ઉત્સવ છે. આપણે આપણી દીકરીઓને
સમાજમાં આવતા પરિવર્તનો સાથે પરિચિત કરાવવા જોઈએ અને એ જ દર્શાવતી સુંદર નૃત્ય
નાટિકા અહી પ્રદર્શિત કરી છે તે માટે હું બી.એ.પી.એસ સંસ્થાનો આભાર માનું છું. કારણકે આ
નાટિકા સમગ્ર ભારતભરમાં જાગૃતિ લાવવા માટે કરવી જોઈએ જેથી આપણે આપણી
દીકરીઓને બચાવી શકીશું. એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રીમતી આનંદીબેને કહ્યું હતું કે, ૩૩,૦૦૦ સ્વયંસેવક બહેનો આ પ્રમુખસ્વામી મહારાજ
નગરમાં સેવા કરી રહ્યા છે અને મહિલાઓની તાકાતને માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ સમજી
શક્યા છે. પ્રમુખસ્વામી મહારાજે લાખો બાળ બાલિકાઓને સેવા કરાવતા કરાવતા ઉચ્ચ જીવન
જીવવાના પાઠ અને મૂલ્યો શીખવ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે નાતજાત ઊંચનીચ ના ભેદભાવ વગર નાનામાં નાના માણસના
ઘરે પણ પધરામણી કરી છે. જ્યારે મુખ્યમંત્રીના નાતે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા
સારંગપુર ગઈ હતી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પોતાનો પહેરેલો હાર મારા સુધી મોકલાવી
સ્વાગત કરેલું અને એ હાર મે આજે પણ સાચવીને રાખ્યો છે. કારણકે પ્રમુખસ્વામી
મહારાજનો પ્રેમ અને લાગણી અકલ્પનીય હતા. અહીં હાજર મહિલાઓને સંબોધતા તેમણે કહ્યું
હતું કે, ગર્ભાશયના અથવા સ્તન કેન્સરથી જ્યારે ઘરની સ્ત્રીનું અકાળે અવસાન થાય ત્યારે
આખું ઘર નોધારું થઈ જાય છે માટે ૯ થી ૧૪ વર્ષની દીકરીઓને ૬ મહિનાના અંતરે ૨
વેક્સિન એચપીની જરૂર આપજો જેથી તેઓ કેન્સરથી બચી શકે. સ્તન કેન્સરથી બચવા માટે
યોગ એ ઉત્તમ ઉપાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સફળ સાબિત થયું છે અને પ્રમુખસ્વામી
મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક યોગશિબિરનું આયોજન પણ થયું છે.બાળકો દ્વારા સંચાલન
કરવામાં આવતી બાળકો માટેની બાળનગરી જોઈને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે તેવું મને
દ્રઢપણે મનાય છે. “ઘર નું આંગણું ઉત્તમ હોવું જોઈએ” તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી
મહારાજનગરનું આંગણું છે.”
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે,“આ સુંદર
નગરીના દર્શન કરીને તમામ દૃશ્યો મારા અંતરમાં ઉતરી ગયા છે.”વસુધૈવ કુટુમ્બકમ”
ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે જે ઉત્તમ એન્ડ શ્રેષ્ઠ ભારતના
નિર્માણમાં અનોખું યોગદાન આપશે. પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતા અને સ્વચ્છતામાં
સ્વયંસેવક બહેનોનું અનોખું યોગદાન જોવા મળે છે માટે સાચા અર્થમાં પ્રમુખસ્વામી મહારાજે
મહિલા સશક્તિકરણનું કાર્ય કર્યું છે એવું હું દ્રઢપણે માનું છું. દીકરી એ બે ઘરને સાચવતી હોય
છે એ રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ સ્વયંસેવક બહેનો બધાને સાચવી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા મંદિરોમાંથી ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળે છે.”
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે,“આ
પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અને પ્રબંધન એ ભવિષ્યના ઉજ્જવળ ભારતનું
ઉદાહરણ છે. આજે વિદેશથી આવતા રાજકીય મહેમાનો દિલ્હી અક્ષરધામ મંદિરની મુલાકાત
અચૂક લે છે જે ભારતીય સંસ્કૃતિ , સંસ્કારો , સભ્યતા , સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ છે અને
તેના દર્શન કરીને ખૂબ જ અભિભૂત થઈ જાય છે.પ્રમુખસ્વામી મહારાજે ઊંચનીચ અથવા
નાતજાતના ભેદભાવ વગર દરેક લોકોને અપનાવ્યા છે અને સમાજ સેવાનાં કાર્યો કર્યા છે.
ભારતીય લોકો મહેનતુ હોય છે અને ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે અને તેઓ દુનિયાના કોઈ
પણ ખૂણે જાય છે ત્યારે ત્યાં જઈને પણ સંસ્કૃતિ જીવિત રાખે છે અને તેનો શ્રેય બી. એ.પી.એસ
સ્વામિનારાયણ સંસ્થાને જાય છે કારણકે વિશ્વભરમાં અનેક મંદિરોના નિર્માણ દ્વારા તે ભારતીય
સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય આપે છે જે ભારતીયોનો પરિચય છે.પ્રમુખસ્વામી મહારાજે
બતાવેલા આદર્શો અને મૂલ્યોનું પાલન કરીશું તો સાચા અર્થમાં સમાજ સેવા કરી શકીશું.”
આજે મહિલા દિવસની ઉજવણીમાં લોકસભા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, કેન્યા
રિપબ્લિકના સેકન્ડ લેડી પાદરી ડૉ. ડોર્કાસ રિગાથી, એડેલ્ફી યુનિવર્સિટીના પ્રોફેસર અને
માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેન્ના હી-સન કિમ, લોકપાલ સમિતિના ન્યાયિક સભ્ય
શ્રીમતી જસ્ટિસ અભિલાષાબેન કુમારી,ઓરોવીલ ફાઉન્ડેશનના સેક્રેટરી અને ચિંતક, વૈજ્ઞાનિક,
IAS ડો. જયંતી રવિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.