“ભારતની G20ની અધ્યક્ષતાનું ધ્યેય સૂત્ર, ‘વસુધૈવ કુટુંબકમ્’ – ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ પોતાની રીતે જ વૈશ્વિક પર્યટન માટેનું સૂત્ર બની શકે છે”
નવી દિલ્હી, તા.21-06-2023
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલી G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ અતુલ્ય ભારતની ભાવના જગાવવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, પર્યટન મંત્રીઓ ભલે વૈશ્વિક સ્તરે બે ટ્રિલિયન ડૉલરથી વધુના મૂલ્યનું ક્ષેત્ર સંભાળી રહ્યા હોય તેમ છતાં તેમને પોતાને ભાગ્યે જ પર્યટક બનવાની તક મળે છે. ભારતના મુખ્ય પર્યટન આકર્ષણોમાંના એક એવા ગોવામાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવોને તેમની ગંભીર ચર્ચાઓમાંથી થોડો સમય કાઢીને ગોવાના કુદરતી સૌંદર્ય અને તેની આધ્યાત્મિક બાજુને જોવા અને જાણવાનો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પર્યટન પ્રત્યે ભારતનો અભિગમ પ્રાચીન સંસ્કૃત શ્લોક ‘અતિથિ દેવો ભવ’ પર આધારિત છે જેનો અર્થ થાય છે કે, ‘અતિથિ દેવ છે’. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પર્યટન મતલબ માત્ર જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા પૂરતી સિમિત બાબત નથી પરંતુ તે એક ઓતપ્રોત કરી દેનારો અનુભવ છે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, “સંગીત હોય કે ખાદ્ય-પાન, કળા હોય કે સંસ્કૃતિ, ભારતની વિવિધતા ખરેખર જાજરમાન છે”. તેમણે કહ્યું હતું કે, ” હિમાલયના ઊંચા શિખરોથી માંડીને ગાઢ જંગલો, સૂકા રણથી લઇને સુંદર દરિયાકિનારા સુધી, સાહસિક રમતોથી લઇને મેડિટેશન એકાંત સુધી, ભારત પાસે સૌના માટે કંઇક છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત તેની G-20ની અધ્યક્ષતા દરમિયાન સમગ્ર દેશમાં 100 વિવિધ સ્થળોએ લગભગ 200 બેઠકોનું આયોજન કરી રહ્યું છે અને દરેક અનુભવને બીજા કરતા અલગ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “જેઓ આ બેઠકો માટે પહેલેથી જ ભારતની મુલાકાત લઇ ચૂક્યા તેવા તમારા કોઇ મિત્રોને પૂછશો, તો મને ખાતરી છે કે કોઇપણ બે અનુભવો એકસરખા રહ્યા હતા તેમન નહીં કહે”.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પર્યટન ક્ષેત્રે ભારતના પ્રયાસો પર્યટન માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાની સાથે જ તેના સમૃદ્ધ વારસાનું જતન કરવા પર કેન્દ્રિત છે. ભારત વિશ્વના દરેક મોટા ધર્મના તીર્થયાત્રીઓને આકર્ષે છે તે વાતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક પર્યટનના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, મુખ્ય આધ્યાત્મિક કેન્દ્રો પૈકીના એક એવા શાશ્વત શહેર વારાણસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવ્યું હોવાથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે અને આજે આ શહેરની મુલાકાત લેનારા પર્યટકોનો આંકડો 70 મિલિયન સુધી પહોંચી ગયો છે. તેમણે એ બાબત પણ રેખાંકિત કરી હતી કે, ભારત પર્યટનના નવાં આકર્ષણોનો વિકાસ કરી રહ્યું છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ આપ્યું હતું, જેનું ઉદ્ઘાટન કરાયા પછી માત્ર એક વર્ષમાં જ લગભગ 2.7 મિલિયન પ્રવાસીઓ આ સ્થળે આવવા માટે આકર્ષિત થયા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષમાં અમે દેશમાં પર્યટનની સમગ્ર ઇકોસિસ્ટમ વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે “પરિવહન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને આતિથ્ય ક્ષેત્ર સુધી તેમજ કૌશલ્ય વિકાસ સુધી, અને અમારી વિઝા વ્યવસ્થામાં પણ, અમે પર્યટન ક્ષેત્રને અમારા સુધારાના કેન્દ્રબિંદુ તરીકે રાખ્યું છે”. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, અન્ય ક્ષેત્રોની સરખામણીમાં આતિથ્ય ક્ષેત્રમાં વધુ મહિલાઓ અને યુવાનોને રોજગારી આપવાની સાથે જ તેમાં રોજગારી સર્જન, સામાજિક સમાવેશ અને આર્થિક પ્રગતિની મોટી સંભાવનાઓ રહેલી છે. ભારત દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો ઝડપથી સિદ્ધ કરવા માટે પર્યટન ક્ષેત્રની પ્રાસંગિકતાને પણ ઓળખી રહ્યું છે એ બાબતે પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરીહતી.
પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, ગ્રીન ટુરીઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય વિકાસ, પર્યટન MSME અને ડેસ્ટીનેશન મેનેજમેન્ટના એકબીજા સાથે જોડાયેલ પ્રાથમિકતાનાં પાંચ ક્ષેત્રો ભારત તેમજ ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ આવિષ્કારને આગળ ધપાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઑગમેન્ટેડ રિયાલિટી જેવી ઉભરતી ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું અને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારત, પોતાના દેશમાં બોલાતી વિવિધ ભાષાઓનો વાસ્તવિક સમયમાં અનુવાદ થઇ શકે તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ કામ કરી રહ્યું છે. સરકારો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વિદ્વાનો વચ્ચેનો સહયોગ પર્યટન ક્ષેત્રમાં આવા ટેકનોલોજીકલ અમલીકરણને વેગ આપી શકે છે તે બાબતે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ પર્યટન સાથે જોડાયેલી કંપનીઓ માટે વ્યાપાર સંબંધિત નિયમો હળવા કરવા અને તેમની નાણાકીય સુલભતમાં વધારો કરવા તેમજ કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવામાં મદદ કરવા સાથે મળીને કામ કરવાનું પણ સૂચન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આતંકવાદ જુદા પાડે, પરંતુ પર્યટન એકજૂથ કરે છે”. તેમણે જણાવ્યું હતું કે, પર્યટનમાં જીવનનાં તમામ ક્ષેત્રના લોકોને એક કરવાનું સામર્થ્ય છે, જેનાથી એક સુમેળપૂર્ણ સમાજનું નિર્માણ થાય છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે, UNWTO સાથે ભાગીદારીમાં G-20 પર્યટન ડૅશબોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે શ્રેષ્ઠ આચરણો, કેસ સ્ટડીઝ અને પ્રેરક ગાથાઓને એકસાથે લાવતું આ પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ હશે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચર્ચાવિચારણા અને ‘ગોવા રોડમેપ’ના કારણે પર્યટનની પરિવર્તનકારી તાકાતને સાકાર કરવા માટેના સામૂહિક પ્રયાસોમાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતની G20ની અધ્યક્ષતાનું ધ્યેય સૂત્ર, ‘વસુધૈવ કુટુંબકમ્’ – ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ પોતાની રીતે જ વૈશ્વિક પર્યટન માટેનું સૂત્ર બની શકે છે”.
પ્રધાનમંત્રીએ ગોવામાં આગામી સમયમાં યોજાઇ રહેલા સાઓ જોઆઓ મહોત્સવ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ભારત તહેવારોની ભૂમિ છે. આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવોને લોકશાહીની જનેતામાં લોકશાહીના પર્વના સાક્ષી બનવાનો અનુરોધ કર્યો હતો, જેમાં લગભગ એક અબજ મતદારો એક મહિનાથી વધુ સમય માટે ભાગ લેશે અને લોકશાહીનાં મૂલ્યોમાં તેમની અડગ શ્રદ્ધાની પુનઃપુષ્ટિ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દસ લાખથી વધુ મતદાન મથકો સાથે, આ પર્વની વિવિધતાના સાક્ષી બનવા માટે તમને સ્થળોની કોઇ અછત નહીં વર્તાય.” તેમણે લોકશાહીના પર્વ દરમિયાન ભારતની મુલાકાત લેવાનું સૌને નિમંત્રણ આપીને તેમના સંબોધનનું સમાપન કર્યું હતું.