ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે ગુજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં
મોટી સંખ્યામાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણ જોડાયા હતા. ગુજરાતના રાજ્યપાલ અને
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં કોચરબ આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ અને
અધ્યાપકો દ્વારા સામૂહિક રેંટિયો કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના યોજીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 75 મા નિર્વાણ
દિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌની સાથે બેસીને
રેંટિયો કાંત્યો હતો.
આ શ્રદ્ધાંજલિ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ સાઉથ આફ્રિકાથી
ભારત આવીને તેમના વિચારોને જનમાનસ સુધી લઈ જવા માટે એક કેન્દ્ર સ્થાપવાના ભાગરૂપે સત્યાગ્રહ આશ્રમ,
કોચરબ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
ગુરુકુળ અને આશ્રમ આધારિત શિક્ષણ સંસ્થાઓ બનાવવાના ગાંધીજીના વિચાર અંગે વાત કરતાં તેમણે
જણાવ્યું હતું કે, આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીજી ભારતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતે
ગયા હતા. આવી જ એક શૈક્ષણિક સંસ્થા હરિદ્વારમાં આવેલું સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા સ્થાપિત ગુરુકુળ, કાંગળી
હતું. અહીંના વિદ્યાર્થીઓ દિવસે મજૂરી કરીને રાત્રે અભ્યાસ કરતા હતા. દિવસે મજૂરી કર્યા બાદનું મહેનતાણું તેઓ
ગાંધીજીના આફ્રિકામાં ચાલતા સત્યાગ્રહમાં મદદ માટે મોકલતા હતા. ગુરુકુળ, કાંગળીના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ
મૂલ્યો અને સંસ્કારોથી પ્રભાવિત થઈને ગાંધીજીને દેશભરમાં આવાસીય વિદ્યાલયો અને ગુરુકુળ પરંપરા અને
છાત્રાવાસ પરંપરા આધારિત આશ્રમ વિદ્યાલયો સ્થાપવાની પ્રેરણા મળી હતી. યુવા મસ્તિષ્ક વિશેષ સંસ્કારોના
વાતાવરણમાં રહે તો તેમની માનસિકતા સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી બનાવી શકાય એમ પૂજ્ય બાપુનું માનવું હતું
એમ તેમણે ઉમેર્યું હતું.
ગાંધીજીના જીવનમૂલ્યો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બાપુનું જીવન ભારતીય મૂલ્યથી પરિપૂર્ણ
હતું. મહર્ષિ પતંજલિના યોગશાસ્ત્રના મૂળ આધાર એવા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ગાંધીજીએ
અપનાવ્યા હતા. ઉચ્ચ વિચાર મૂલ્યોને વ્યવહારિક રૂપ આપવા માટે જ તેમણે આશ્રમ બનાવ્યા હતા. ‘મેરા જીવન હી
મેરા સંદેશ હે’ – એ પૂજ્ય બાપુનું સૂત્ર હતું. બાપુનું જીવન ખરેખર એક સંદેશ સમાન જ હતું એમ તેમણે ઉમેર્યું હતું.
વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવનમૂલ્યોમાંથી કેવી રીતે શીખવું જોઈએ એ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું
હતું કે, આશ્રમમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીએ પૂજ્ય બાપુનું જીવનદર્શન વાંચીને એકાંતમાં ગહન ચિંતન કરવું
જોઈએ , બાપુના વિચારોના મૂળમાં જવું જોઈએ, તેઓના સત્યાગ્રહ વિશે વાંચીને સત્યાગ્રહોમાંથી પ્રેરણા મેળવવી
જોઈએ, બાપુ દ્વારા કહેવાયેલા એક એક શબ્દ પર ગહન ચિંતન કરીને બાપુએ આદરેલા માનવ કલ્યાણના મિશન
વિશે જાણવું જોઈએ અને તેનો અભ્યાસ કરવો જોઈએ.
બાપુની સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બાપુ જાણતા હતા કે અંગ્રેજોએ
દેશને કંગાળ કરેલો અને દેશને આઝાદી અપાવીને સમૃદ્ધિના માર્ગે વાળવા માટે દેશને સ્વદેશી તરફ વાળવો પડશે
તથા દેશમાં ઉદભવતા છૂતાછૂત, ઊંચનીચ, જાતિવાદ અને અન્ય સામાજિક દૂષણો દૂર કરવા પડશે. મનુષ્ય સાચા
અર્થમાં મનુષ્ય બને અને સર્વ પ્રાણીમાત્રમાં પોતાની આત્માના દર્શન કરે તથા બીજાના સુખમાં પોતાનું સુખ જુએ તે
પ્રકારનો સમાજ બનાવવા માટે ગાંધીજીએ સત્ય અને અહિંસાના રસ્તા દુનિયાને બતાવ્યા હતા તથા સૌને સદાચાર,
ઈમાનદારી અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો.
વધુમાં વાત કરતાં કુલપતિ અને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના વિચારોનું ચિંતન મહાવ્રત
છે. જે પવિત્રતા માણસના મનમાં છે, તેને વાણી અને કર્મમાં લાવીને તે સમાજનું ભલું કરી શકે છે. જ્યારે દરેક મનુષ્ય
બીજાનો વિચાર કરશે ત્યારે સમાજ ઉન્નત બનશે એવું બાપુનું માનવું હતું. સૌ પોતે સુરક્ષિત રહે તથા પોતાને કોઈ
હાનિ ન પહોચાડે એવું ચાહે છે, એ જ રીતે પોતે પણ બીજાને સુરક્ષિતતાનો અહેસાસ કરાવવો જોઈએ તેમણે ઉમેર્યું
હતું.
પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપતા તેમણે ઉમેર્યું હતું કે , બાપુનો આ 75 મો નિર્વાણ દિવસ છે. આ પવિત્ર
ધરા બાપુના પદચિન્હોથી પાવન થયેલી છે. આવી પવિત્ર ધરા પરથી આજે આપણે સૌ એવો દૃઢ નિશ્ચય કરીએ કે,
બાપુનું જીવનદર્શન ભણીએ અને જીવનમાં ઉતારીએ તથા જનમાનસ સુધી પહોંચાડીએ એ જ આજના પ્રસંગે
બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક ડો. ભરતભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું
હતું કે, સત્યાગ્રહ આશ્રમ, કોચરબ એ એક ઐતિહાસિક વિરાસત છે. અહીં બાપુના અસ્તિત્વનો અહેસાસ થાય છે
અને બાપુના જીવનમૂલ્યોની પ્રેરણા મળે છે . ઈ. સ. ૧૯૧૫ માં અહીંયાથી જ પૂજ્ય બાપુએ નઈ તાલીમની
શરુઆત કરાવી હતી, જે બાદમાં આગળ જતાં ગુજરાત વિદ્યાપીઠ બની.
આ શ્રધાંજલિ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટ, ગુજરાત વિદ્યાપીઠના
ટ્રસ્ટીમંડળના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ પટેલ,
અધ્યાપકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.