પુરસ્કાર વિજેતાઓએ લોકો અને ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (એનડબલ્યુએસ)ની મુલાકાત લેવા અને સશસ્ત્ર દળોના વીરતાપૂર્ણ કાર્યો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો આગ્રહ કર્યો
નવી દિલ્હી, તા. 29-03-2022
પદ્મ પુરસ્કાર 2022ના વિજેતાઓની બીજી બેચે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (એનડબલ્યુએસ)નું ભ્રમણ કર્યુ. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 28 માર્ચ, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક અલંકરણ સમારોહ-2માં વર્ષ 2022 માટે 2 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 54 પદ્મ શ્રી પુરસ્કાર પ્રદાન કર્યા. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેનારાઓમાં પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્તકર્તા ડો. પ્રભા અત્રે સામેલ હતા, જેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં શહીદ થયેલા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે પદ્મ શ્રી વિજેતા પોલેન્ડના પ્રો. (ડો.) મારિયા ક્રિજ્સટોફ બાયરસ્કી, થાઈલેન્ડના ડો. ચિરપત પ્રપંડવિદ્યા, શ્રીમતી બસંતી દેવી, શ્રી ઘનેશ્વર ઈંગટી, ગુરૂ ટુલ્કુ રિનપોછે, ડો. (પ્રો.) હરમોહિંદર સિંહ બેદી, સદગુરૂ બ્રહ્મેશાનંદ આચાર્ય સ્વામીજી અને શ્રી અબ્દુલ ખાદર ઈમામસબ નદકત્તિન પણ સામેલ હતા.
જ્યારે પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી, તેમને સૈન્યકર્મીઓ દ્વારા સશસ્ત્ર દળોના વીરતાપૂર્ણ કાર્યો વિશે જાણકારી આપવામાં આવી. પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતનું આયોજન કરવા માટે સરકારની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે આ સ્મારક દેશભક્તિ, કર્તવ્ય પ્રત્યે સમર્પણ, સાહસ અને સૈનિકોના બલિદાનના મૂલ્યોનો પ્રસાર કરે છે. તેમણે લોકો અને ખાસ કરીને યુવાનોને અનુરોધ કર્યો કે તેઓ આ સ્મારકની મુલાકાત લે અને સૈનિકોની વીરતાની કહાનીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરે.
પદ્મ વિભૂષણ વિજેતા ડો. પ્રભા અત્રે, એક પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય ગાયિકા છે. તેમણે કહ્યું કે અમારા માટે અહીં આવવું અને પોતાના સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરવો અમારા માટે મોટા સન્માનની વાત છે. અમને વાસ્તવમાં એમના પર ગર્વ છે, કેમકે તેઓ આપણી રક્ષા કરી રહ્યા છે અને આપણા રાષ્ટ્રને આગળ લઈ જઈ રહ્યા છે.
પદ્મ ભૂષણ વિજેતા શ્રી દેવેન્દ્ર ઝાઝરિયા, શ્રી સચ્ચિદાનંદ સ્વામી અને પદ્મ શ્રી વિજેતા સરદાર જગજીત સિંહ દર્દી, શ્રી કાજી સિંહ અને પંડિત રામ દયાળ શર્મા સહિત પદ્મ પુરસ્કાર 2022ની પ્રથમ બેચના વિજેતાઓએ 22 માર્ચ, 2022ના રોજ આ પ્રતિષ્ઠિત સ્મારકની મુલાકાત લીધી હતી.