ગુરુકુલ પરંપરા અને વૈદિક શિક્ષણ વ્યવસ્થા ભારતવર્ષની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાત ગુરુકુલ સભા, સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક, ગુરુકુલ સુપા ખાતે શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ઋષિ-કૃષિ સંમેલન પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલ સુપાના શતાબ્દિ મહોત્સવની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં અંગ્રેજો અને મોગલોએ ગુરુકુલમાં દાન અને સહાય બંધ કરી ભારતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ દેશભરમાં વેદોનો પ્રચાર કર્યો હતો. અને આર્યસમાજની સ્થાપના કરી હતી. સ્વામી દયાનંદજીના શિષ્ય સ્વામી શ્રધ્ધાનંદ સરસ્વતીજીએ સૌ પ્રથમ કાંગડી, હરિદ્વારમાં ગુરુકુલની સ્થાપના કરી બાળકોને સંસ્કારિત જીવન જીવવાનું નિર્માણ, ભણવામાં તેજસ્વી બને તેવું શિક્ષણ આપ્યું હતું.

ભૂતકાળમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવી મહાન વિભૂતિઓએ પણ નવસારીના ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ સુપામાં ભારતીય સંસ્કૃતિ અનુસાર શિક્ષણ આપવામાં આવે છે. સારા સમાજ નિમાર્ણ માટે ગુરુકુલનું શિક્ષણ ખૂબ જ મહત્વનું છે.
વધુમાં રાજયપાલશ્રીએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી કરવા ખાસ અનુરોધ કર્યો હતો.જેથી જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય અને સ્વસ્થ સમાજનો વિકાસ થાય.


રાજયપાલશ્રીના હસ્તે દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. રાજયપાલશ્રીએ પણ ગુરુકુલ સુપાના વિકાસ અર્થે રૂા.૫ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ગુરુકુલ સુપાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડાહયાભાઇ પટેલ, સુરતના ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઇ પટેલ, શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, શ્રી લવજીભાઇ બાદશાહ, શ્રી ભાવેશભાઇ પટેલ, શ્રી પ્રેમચંદભાઇ લાલવાણી, જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ સહિત અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.