શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIRની મુલાકાતે
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ્સિટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
મુખ્ય સચિવશ્રી-મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી-મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા
ફેઝ-૧નું ૯૫ ટકા પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ-ગ્લોબલ ઇકો સિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા સજ્જ થતું ધોલેરા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટ્મેન્ટ રિજિયનની મુલાકાત લઇને આ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટસિટીમાં નિર્માણાધિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની ગતિવિધીઓ પ્રત્યક્ષ નિહાળી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોલેરાને વર્લ્ડક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું મોડલ બનાવવાનું જે વિઝન વિકસાવ્યું છે તેને અનુરૂપ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ઝડપથી વિકસાવાઇ રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે આ ધોલેરા SIRની સ્થળ મુલાકાત લઈને ફેઝ-૧ ના ૨૨.૫૪ ચોરસ કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-૧નું ૯૫ ટકાથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થયું છે તેની વિશદ જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ૨૨ ગામોને અને ૯૨૦ ચો.કિમીના વિસ્તારને આવરી લેવાયા છે.
એટલું જ નહીં, આ વેલ પ્લાન્ડ સિટીમાં વર્લ્ડ ક્લાસ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. ડેડીકેટેડ અંડર ગ્રાઉન્ડ સર્વિસ કોરીડોર સાથે ૭૨ કિલોમીટરનું મજબૂત ઇન્ટર્નલ રોડ નેટવર્ક, ૧૫૦ MLD પાણી પુરવઠો જેવી સગવડ સાથે સ્કિલ્ડ અને સેમી સ્કીલ્ડ મળી વિશાળ રોજગારીની તકો ઊભી કરવામાં પણ આ સ્માર્ટ્સિટી મદદરૂપ બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફેઝ-૧ એક્ટીવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પ્રસ્તુત થયેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું કે, ધોલેરા અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ લેન્ડ પાર્સલ સાથે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો એન્સિલરીઝ, ફાર્માસ્યુટિકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, રેન્યુએબલ એનર્જી તથા આઇ.ટી. અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના ઉદ્યોગો માટે પણ સાનુકૂળ લોકેશન છે.
મુખ્યમંત્રીશ્રીએ સેમીકંડક્ટર અને ડિસ્પ્લે ફેસેલિટીઝ તથા ગ્રીન હાઈડ્રોજન જેવા નવા ક્ષેત્રોના ઉદ્યોગો માટે પણ ધોલેરામાં રહેલી વિપુલ સંભાવનાઓ અંગેની જાણકારી મેળવી હતી.
ધોલેરા વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના ક્લસ્ટર વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બન્યું છે અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પ્રોજેક્ટ સાકાર કરવામાં ઇનિશ્યેટીવ લઈ રહ્યું છે, તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રેરિત કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીની ધોલેરા પ્રોજેક્ટની સ્થળ મુલાકાત દરમિયાન તેમને જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના આપેલા આહવાનમાં ધોલેરા SIR વિશ્વ કક્ષાના ઉદ્યોગોની પ્રેઝન્સ સાથે ઝડપથી સજ્જ બને તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે આ મુલાકાતમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, સલાહકાર શ્રી એસ.એસ રાઠૌર, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તથા ધોલેરા SIRના સીઈઓ સુપ્રીત ગુલાટી અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.