વલસાડ તા. ૨૩ ઓક્ટોબર
વલસાડ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ, તાલુકા પંચાયત – ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી (વ્યાજની રકમ) રૂ. ૩૫ લાખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૩-૨૪) રૂ. ૩૦ લાખ મળી કુલ રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે ધરમપુરમાં તાલુકા પંચાયતની બાજુમાં નિર્માણ થનાર નવીન લાઇબ્રેરી ભવનનું સોમવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતનો વિકાસ કેવી રીતે થાય, ગુજરાતના યુવાનો કેવી રીતે કાર્યક્ષમ બને, કેવી રીતે રોજગારી મળે એ માટે અનેક પ્રયત્નો કર્યા. જેના માટે ગુજરાતમાં ઉદ્યોગકારો રોકાણ કરી ઉદ્યોગો શરૂ કરે તો લોકોને રોજગારી મળે તે માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, ત્યારબાદ કોઈ પણ બાળક શાળામાં પ્રવેશ વિના વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી, ત્યારબાદ શાળામાં કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે એ માટે ગુણોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ નામના મેળવે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી ઝળહળતી સફળતા મેળવે તે માટે કપરાડા અને વલસાડ બાદ હવે ધરમપુરમાં ત્રીજી લાઇબ્રેરી બનવા જઈ રહી છે, જે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સર્વે સભ્યો અભિનંદનને પાત્ર છે.
સામાન્ય પણે દરેકને બે- પાંચ લાખના રસ્તા બનાવવામાં રસ હોય પણ વલસાડ જિલ્લામાં નાની નાની ગ્રાંટ ભેગી કરી રૂ. ૧ કરોડ ૧૫ લાખના ખર્ચે લાઈબ્રેરી બની રહી છે. એક ફળિયાનો રસ્તો બને એના કરતાં સમગ્ર વિસ્તાર કે તાલુકા અને જિલ્લાના દરેકે દરેક વ્યક્તિને સામૂહિક ફાયદો થાય એવા કામ કરશું તો મને ચોક્કસ ખાતરી છે કે, આપણે આપણા જિલ્લાના વિકાસમાં સૌથી સારો ફાળો આપી શકીશું. શિક્ષિત થવાથી જ રોજગારી મળે છે, આ લાઈબ્રેરી બનવાથી આપણા યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગ્રેસર રહેશે. વધુમાં મંત્રીશ્રીએ ધરમપુરના આદિવાસી સમાજ માટે જીવાદોરી સમાન ગણાતી સ્ટેટ હોસ્પિટલ વિશે કહ્યું કે, આ હોસ્પિટલ ગરીબો માટેની છે, તેનો લાભ તમામ લોકોને મળી રહે તે માટે હોસ્પિટલને લગતા જે કંઈ પણ પ્રશ્ન હોય તે તાત્કાલિક ઉકેલવામાં આવશે, જેથી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધા મળી રહે.
સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૧૪ પહેલા મોબાઈલ નેટવર્ક ન હતું, જેને ધ્યાને લઈ ડાંગ જિલ્લામાં ૧૯૨ મોબાઈલ ટાવરની મંજૂરી મળતા આ ટાવરો ઉભા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, ધરમપુર નગરપાલિકાની લાઇબ્રેરીમાં જ્યારે પણ જવાનું થાય ત્યારે એક પણ ખુરશી ખાલી જોવા મળતી નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને શાળા-કોલેજના બાળકો માટે લાઇબ્રેરીની ખૂબ આવશ્યકતા હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અથાક પ્રયત્નથી વધુ એક લાઇબ્રેરી પ્રાપ્ત થવા જઈ રહી છે. જેમાં સોલાર રૂફ ટોપ, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા, પીવાના પાણીની સુવિધા, સ્ત્રી-પુરૂષ માટે અલગ વોશરૂમ અને જરૂરી ફર્નિચર સાથે અદ્યતન લાઈબ્રેરી બનશે. ગડી, ગિરનારા, જામગભાણ અને હનુમતમાળ આશ્રમશાળામાં ભૌતિક સુવિધાનો અભાવ હતો જે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું ધ્યાન દોરતા તેમણે તુરંત બાળકો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, ધરમપુર તાલુકા મથકે નવીન લાઈબ્રેરી ભવન બનવાથી અંતરિયાળ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, સિનિયર સીટીઝનોને વાંચન માટેની સુંદર સગવડ મળશે. આ સિવાય ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપતા પુસ્તકો વાંચન માટે મળશે. નવનિર્મિત વલસાડની લાઈબ્રેરીમાં રોજના ૫૦૦ કરતા વધુ વાંચકો અને તા. ૧૪ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ અત્યાર સુધીમાં ૩૩૦૦ કરતા વધુ વાંચકોએ લાભ લીધો છે. જ્યારે કપરાડાની લાઈબ્રેરીમાં રોજ ૩૫૦ કરતા વધુ વાંચકો અને તા. ૧૬ જુલાઈના રોજ લોકાર્પણ થયા બાદ આજદિન સુધીમાં ૬૪૦૦ વાંચકોએ લાભ લીધો છે. હવે ધરમપુરમાં લાઈબ્રેરી બનવાથી શિક્ષણમાં સુધારાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી શકાશે.આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ માહલા, ગાંધીનગર સ્થિત ગ્રંથપાલ નિયામક ડો.પી.કે.ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, ધરમપુર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી સહિત આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયસિંહ પરમારે કર્યું હતું. જ્યારે આભારવિધિ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર એ.એસ.પટેલે કરી હતી.
-૦૦૦-