Breaking News

દિનદયાળ પોર્ટ કંડલાએ ૧૨૭.૧૦ મિલિ.મેટ્રિક ટન માલસામાનની હેરફેરનો સર્જ્યો વિક્રમ

કોરોના કાળ અને યુદ્ધના સંકટ વચ્ચે પણ દેશના વ્યાપારની આર્થિક ગતિવિધિમાં દીનદયાળ પોર્ટનું મહત્વનું યોગદાન

વર્ષ દરમ્યાન ૩૧૫૧ જહાજો લાંગર્યા, વાડીનાર પોર્ટને ડ્રાય ડોક તરીકે વિકસાવાશે

નવી દિલ્હી, તા. 06-04-2022

વૈશ્વિક ક્ષેત્રે કોરોના અને યુદ્ધના ઘેરાયેલા સંકટ વચ્ચે પણ દેશમાં દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે હરણફાળ છે. દેશના મહાબંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ આયાતનિકાસ ક્ષેત્રે ૧૨૭.૧૦ મિલિયન મેટ્રિક ટન માલ સામાનની દરિયાઈ માર્ગે હેરફેર કરીને અત્યાર સુધી દરિયાઈ વ્યાપારમાં સૌથી વધુ માલ સામાનની હેરફેર કરવાનો નવો જ વિક્રમ રચ્યો છે. ૫૯મા રાષ્ટ્રીય વહાણવટા દિવસની શુભેચ્છાઓ આપતાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે. મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ૧૨૭.૧૦ મિલિ.મેટ્રિક ટન માલ સામાનની હેરફેર કરાઈ છે. જે દેશના મહાબંદરોમાં અત્યાર સુધીની સર્વાધિક માલસામાનની હેરફેર છે. આ નાણાકીય વર્ષ દરમ્યાન કંડલા મધ્યે ૩૧૫૧ વહાણો લાંગર્યા હતા. દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે થયેલી હરણફાળને પગલે દીનદયાળ પોર્ટ કંડલાની નાણાકીય આવકમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ માં ઓપરેટિંગ આવક ૧૭૧૭.૯૫ કરોડ હતી જે ૨૦૨૧-૨૨ માં વધીને ૧૮૨૪.૮૯ કરોડ નોંધાઈ છે. જે પાછલા વર્ષ કરતાં ૧૦૬.૯૪ કરોડનો વધારો દર્શાવે છે. અહીં લિકવિડ કાર્ગો, ડ્રાય કાર્ગો તેમ જ કન્ટેનર કાર્ગો માટે પૂરતી સુવિધાઓ છે.  

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાર્યરત કરાયેલ સાગરમાલા યોજના અંતર્ગત દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા આયાત નિકાસકારોની સુવિધા માટે સુગઠિત માળખાકીય સવલતો ઉપલબ્ધ છે. તેમ જ સાગરમાલા યોજના અંતર્ગત વર્તમાન અને આવનારા સમયને ધ્યાને લઈને પોર્ટ ઓથોરિટી દ્વારા સતત આયોજનબદ્ધ નિર્ણયો સાથે વિકાસ કાર્યો કરાઈ રહ્યા છે. ચેરમેન એસ.કે. મહેતાએ આપેલી વધુ માહિતી અનુસાર અત્યારે ઘઉં, ખાંડ, ચોખાની નિકાસ વધી હોઈ તેને ઝડપભેર નિકાસ માટે પ્રાધાન્ય અપાય છે. ખાતર તેમ જ કોલસાના આયાતકારો ની સુવિધા અર્થે કન્વેયર બેલ્ટની સુવિધા વિકસાવાઈ રહી છે. કંડલા મધ્યે રો રો સર્વિસ શરૂ કરાશે જે વિશાળકાય પ્રોજેક્ટના માલ સામાનની હેરફેર કરી શકશે. તેમ જ જૂના તુણા બંદરને પુનર્જીવિત કરી વિકસાવવાનું આયોજન છે. પોર્ટની અંદર રેલ્વે નેટવર્કને વિકસાવાઈ રહ્યું છે. ફાઈવ-જી નેટવર્કનો પાયલોટ પ્રોજેક્ટ બંદરે શરૂ થઈ રહ્યો છે, દેશમાં આવું નેટવર્ક ધરાવનાર આ પ્રથમ મહાબંદર હશે.  ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિજિટલ ક્રાંતિ વ્યાપારની સુવિધાઓ વધારશે. લિકવીડ કાર્ગોની હેરફેર માટેની સુવિધા ધરાવતા વાડીનાર મધ્યે ડ્રાય કાર્ગો હેરફેર થઈ શકે તેવું આયોજન છે. પોર્ટના વાઇસ ચેરમેન નંદિશ શુક્લા, અધિકારીઓ સી. હરિશ્ચંદ્રન, વાય.કે. સિંઘ, પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ પૂરક વિગતો આપી હતી.

SD/GPJD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post