Breaking News

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ,ડૉ‌ પ્રદ્યુમ્ન વાઝા, ડૉ. મહેન્દ્ર પાડલિયા સહિત કર્મયોગીઓ- વિદ્યાર્થીઓએ વિવેકાનંદજીને અર્પી ભાવાંજલિ

12-1

દરેક કાર્ય નાના માણસ અને રાષ્ટ્ર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને કરીએ એ જ સ્વામી વિવેકાનંદજીને આજે તેમના જન્મ દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે તેમ, આજે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા ‘સ્વામી વિવેકાનંદજી’ની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ,ડૉ‌ પ્રદ્યુમ્ન વાઝા,ડૉ. મહેન્દ્ર પાડલિયાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વામી વિવેકાનંદજીનો વિશેષ પરિચય આપતાં કહ્યું હતું કે, યુવાનો માટે સ્વામી વિવેકાનંદ હંમેશા આદર્શ રહ્યા છે. માતા-પિતા પોતાના સંતાનમાં સ્વામી વિવેકાનંદ જેવું વ્યક્તિત્વ ઝંખતા હોય છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો જીવનમાં આત્મસાત કરવાથી વ્યક્તિત્વનો અનેરો વિકાસ થાય છે.

અધ્યક્ષશ્રીએ સ્વામી વિવેકાનંદની જન્મભૂમિ કોલકત્તા ખાતેના તેમના ઘરની મુલાકાતના અનુભવો વિશે કહ્યું હતું કે, તેમની જન્મભૂમિ પર પગ મૂકવાથી જ અદભૂત આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો હતો. નરેન્દ્ર નામ ધરાવતા સ્વામી વિવેકાનંદ બાળપણથી મેઘાવી યાદશક્તિ અને કંઈક નવું કરવાની ઈચ્છાશક્તિ ધરાવતા હતા. તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સાથેના પરિચય બાદ તેમને
આત્મ સાક્ષાત્કાર થયો હતો. નાની ઉંમરમાં જ સ્વામી વિવેકાનંદે દેશને સમજવા-જાણવા માટે ભારત ભ્રમણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ ગુજરાતમાં માંડવી અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થાનો પર રોકાણ કરીને ગરીબો એટલે કે,દરિદ્ર નારાયણની સેવા, અસ્પૃશ્યતા- વર્ણભેદ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજા-મહારાજાઓ સાથે વિચાર- વિમર્શ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ભારતને પુનઃવિશ્વ ગુરુના સ્થાને પર પ્રસ્થાપિત કરવા માટે આધ્યાત્મિક અને તત્વજ્ઞાન જરૂરી છે જેને ભારતના યુવાનોએ આત્મસાત કરવું પડશે. અમેરિકાના શિકાગોમાં ધર્મ પરિષદ વખતે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ સંબોધનનો પ્રારંભ મારા પ્રિય ભાઈઓ અને બહેનોથી કર્યો હતો ત્યારે ભારતના સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય સમગ્ર વિશ્વને થયો હતો.

સ્વામી વિવેકાનંદજીના ધ્યેય મંત્ર ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ આ મંત્ર સાથે કાર્ય કરતા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે તેવું આ દિવસે શ્રી ચૌધરીએ સૌ યુવાનોને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના સચિવ શ્રી ડી. એમ.પટેલ,સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતા,શ્રી ચેતન પંડ્યા,કર્મયોગીઓ તેમજ રાજકોટની શ્રી યુનિવર્સલ સ્કૂલ, પંચમહાલના શહેરા તાલુકાના બાહી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવેકાનંદજીને પુષ્પ અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: