Breaking News


કોઠી-બંગલાનું નિર્માણ કરતાં પહેલાં પોતાના બાળકોનું નિર્માણ કરો.

આંતરરાષ્ટ્રીય જાટ સંસદના ૧૦મા અધિવેશનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનીપ્રેરક ઉપસ્થિતિ

શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી અભિયાનમાં આપણે સૌ સહભાગી થઈએ : જાટ સમાજના આગેવાન ચૌધરી રામસિંઘ

સમાજમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર યુવાનો અને મહાનુભાવોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન

==================================================================================================================

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય જાટ સંસદના ૧૦ મા અધિવેશનમાં ભાગ લેવા દુનિયાભરમાંથી પધારેલા જાટ પરિવારોને સંબોધતાં કહ્યું કે, દુનિયાને પોતાની બનાવતાં શીખો અને તમે દુનિયાના બનતાં શીખો. જીવન જીવવાની આ જ સાચી પદ્ધતિ છે. કોઠી-બંગલાનું નિર્માણ કરતાં પહેલાં પોતાના બાળકોનું નિર્માણ કરો. બાળકોને સારું શિક્ષણ આપશો તો સમાજની દશા અને દિશા સુધરશે.

અમદાવાદના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદ દ્વારા આયોજિત અધિવેશનમાં જાટ, આંજણા જાટ, ચૌધરી, જાટ શીખ, અને વિશ્નોઇ જાટ સમાજના પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશની સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરાના જતન માટે ૨૦,૦૦૦ જાટ ખેડૂતોના સૈન્ય સાથે મોગલ સલ્તનત સામે બહાદુરીપૂર્વક લડીને જાન ન્યોછાવર કરનાર ગોકુલા જાટ, મોગલો સામે ૮૦ લડાઈ જીતનાર વીર મહારાજા સૂરજમલ અને દરેક લડાઈમાં યુદ્ધ મેદાનમાં તેમની સાથે રહેલા મહારાણી કિશોરી, અંગ્રેજ કાળમાં ભારતને ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયત્ન કરનાર મહારાજા મહેન્દ્ર પ્રતાપ, રાજા નાહરસિંહ, ચૌધરી છોટુરામ જેવા મહાપુરુષો જાટ સમાજ માટે ગરિમાપૂર્ણ ઈતિહાસ મૂકીને ગયા છે. જાટ સમાજ સદીઓથી રાષ્ટ્રવાદી વિચારસરણી વાળો રહ્યો છે. સરહદ પર જઈને દેશવાસીઓની સુરક્ષા સંભાળી છે. ખેલ જગતમાં પણ જાટ સમાજે દેશનું ગૌરવ વધાર્યું છે. દુનિયામાં જાટની પ્રશંસા તેમના ગુણોને કારણે થઈ રહી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભવિષ્યની ચિંતા કરવાનો આ સમય છે. આવનારી પેઢી સંસ્કારી, ગુણવાન, પરોપકારી, જીતેન્દ્રિય, માતા-પિતાનું સન્માન કરનારી અને કુળનું ગૌરવ વધારનારી થાય એ જરૂરી છે. સમાજની સાચી પૂંજી તેની આવનારી પેઢી છે. સંતાનો વ્યસનોથી દૂર રહે એવું વાતાવરણ સર્જવા તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી હતી. બાળકોને સંસ્કારવાન બનાવો, ભારતીય જીવન મૂલ્યો, પરંપરા અને શિક્ષણથી દીક્ષિત કરીને તેને દુનિયા સામે મુકો. બાળકોને યોગ્ય દિશા આપો. બાળકોને ખૂબ ભણાવીને તેમને આઈએએસ અને આઇપીએસ બનાવો અને પ્રાકૃતિક ખેતી જ કરો એમ પણ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

આ પ્રસંગે ચૌધરી રામસિંઘ કૂલ્હરીએ જણાવ્યું હતું કે, આજે આંતરરાષ્ટ્રીય જાટ સંસદનો મુખ્ય ઉદ્દેશ સમુદાય અને સમાજના વિકાસ અને એકતાનો છે. આપણે સૌ એકજૂથ થઈને સારા નાગરિક બનીએ. પોતે પણ શિક્ષણ મેળવી અને આપણા સમુદાયની સાથે અન્યને પણ શિક્ષણ મેળવવા માટે સહાયરૂપ થઈએ, જેથી સમાજને વધુ સબળ અને મજબૂત બનાવી શકાય. ૧૦૦ ટીમ એક લીડરનું સર્જન  કરી શકતી નથી પરંતુ એક નેતા સો ટીમનું સર્જન કરી શકે છે તેમ તેઓએ કહ્યું હતું.

આ પ્રસંગે શ્રી રમણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જાટ સંસદના અધિવેશનમાં આજે મહિલાઓ અને બહેનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે, જેનો ખૂબ આનંદની વાત છે. હવે મહિલાઓ પણ સમાજના વિકાસમાં ભાગીદારી નોંધાવી રહી છે, જેથી સમાજ અને સમુદાયનો વિકાસ થઈ રહ્યો છે, જે જાટ સમાજના વિકાસનું એક મહત્ત્વ ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં વસતા આંજણા ચૌધરી, આંજણા જાટ અને આંજણા પટેલ તથા જાટ એક જ મૂળના છે. આજે આંતરરાષ્ટ્રીય જાટ સંસદમાં ગુજરાતના આંજણા ચૌધરી આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સમાજમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાનો અને મહાનુભાવોનું સન્માન કરાયું હતું.

આ અધિવેશનમાં વિશ્વ આંજણા જાટ સંમેલનના અધ્યક્ષ શ્રી રમણભાઈ ચૌધરી, આગેવાન શ્રી ચૌધરી રામસિંહ કુલ્હરી, ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી પી. જે. ચૌધરી, જાટ સમાજના અભિનેતા શ્રી બિન્દર દનૌદા, સુપ્રસિદ્ધ ગાયકો શ્રી કેડી અને શ્રી અભિષેક ચાહર, યુવા ઉદ્યોગપતિ શ્રી દીપ સિહાગ તથા આંતરરાષ્ટ્રીય જાટ સંસદના સંયોજકો શ્રી રામાવતાર પલસાનિયા અને શ્રી પરમેશ્વર કલવાનિયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: