Breaking News

‘દિવ્ય કલા શક્તિ મહોત્સવ’

દિવ્યાંગતામાં ક્ષમતાના દર્શન’ સૂત્ર સાથે આયોજિત દિવ્ય કલા શક્તિ મહોત્સવમાં દિવ્યાંગ કલાકારોની આંતરિક ક્ષમતા અને પ્રતિભા પ્રદર્શિત થઈ
*
દિવ્યાંગજનોને ડાન્સ, સિંગિંગ, ક્રિયેટિવ આર્ટ સહિતની સ્પેશિયલ ટેલેન્ટ પ્રદર્શિત કરવાની તક મળી

કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) અમદાવાદ દ્વારા વસ્ત્રાલના ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજયમંત્રી શ્રી એ. નારાયણસ્વામીની અધ્યક્ષતામાં ‘દિવ્ય કલા શક્તિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે કેન્દ્રિય રાજયમંત્રી શ્રી એ. નારાયણસ્વામીએ કહ્યું કે, દિવ્ય કલા શક્તિ મહોત્સવ’ જેવા કાર્યક્રમો દિવ્યાંગજનોને આગળ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલું જ નહિ દિવ્યાંગોને પોતાની ટેલેન્ટને દેખાડવાની તક પણ મળે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ થકી સમાજના દિવ્યાંગો માટે અનેક દિવ્યાંગલક્ષી યોજનાઓ થકી તેઓને અનેક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગોના વિકાસને લઈને કટિબદ્ધ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી એ. નારાયણસ્વામીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં આ પ્રકારના સી.આર.સી સેન્ટર થકી અનેક દિવ્યાંગોને સહાય પહોંચાડવામાં આવી રહી છે અને સમાજમાં આગળ લાવવા માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના દિવ્યાંગજનોએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે એ ખુબ જ સહરાનીય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) અમદાવાદના ડાયરેક્ટર શ્રી અજિતસિંહે કહ્યું કે, ‘દિવ્યાંગતામાં ક્ષમતાના દર્શન’ સૂત્ર સાથે આયોજીત કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોને આંતરિક ક્ષમતા અને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો ડાન્સ, સિંગિંગ, ક્રિએટિવ આર્ટ સહિતની સ્પેશિયલ ટેલેન્ટને પ્રદર્શિત કરી હતી. એટલું જ નહિ ટોપ ૧૦૦ ટેલેન્ટને રોકડ પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા દરેક રાજ્યમાં એક કંપોઝિટ રિઝનલ સેન્ટર ફોર રિહેબિલિટેશન સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી (CRC) શરૂ કરાયું છે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલું CRC સેન્ટર આવું જ એક સેન્ટર છે, જેમાં દિવ્યાંગજનો માટે વિવિધ સુવિધાઓ જેમકે, સ્પેશિયલ એજ્યુકેશન સેવા, મનોવૈજ્ઞાનિક સેવા, વાણી તથા શ્રવણ અર્થેની સેવાઓ, બેરા ટેસ્ટ, વ્યાવસાયિક ઉપચાર સેવા, પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક સેવાઓ, ફિઝિયોથેરાપી સેવાઓ, ઓક્યુપેશન થેરાપી, તાલીમ વગેરેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ શ્રી રાજેશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તેમજ તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: