Breaking News

અમૃતકાળની આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું સશક્તીકરણ થયું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ
…………..


:: કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ ::
 ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત એ પ્રથમ પસંદગી છે
 વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારત આજે વિશ્વમિત્ર તરીકે ઉભર્યું છે
 શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટ્રક્ચરલ રિફોર્મ કર્યું છે આ રિફોર્મથી પરફોર્મ અને પરફોર્મથી ઇકોનોમી ટ્રાન્સફોર્મ કરાઈ રહી છે
 આરોગ્ય અને શિક્ષણ બંને ક્ષેત્રોમાં દેશમાં અમલી બનાવેલી પોલીસીને પગલે વિશ્વમાં ભારત શૈક્ષણિક હબ બનશે

…………….
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 દેશ અને દુનિયા માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ – સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ :

 વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને સાકાર કરશે
 સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ જેવાં ઉભરતાં સેક્ટર્સ માટે ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યુચર

 MSME ઉદ્યોગો એ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન – વાઈબ્રન્ટ સમિટથી MSME ઉદ્યોગોને ઉત્તરોત્તર નવું બળ મળે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું : જમ્મુ –કાશ્મીર‘નું પ્રતિનિધિત્વ સમિટની મોટી સફળતા : કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતુ કે, અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તીકરણ પણ થયું છે. વર્ષ ૨૦૦૩માં પ્રથમ સમિટ યોજાઈ હતી, આજે તેમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એક અર્થમાં જોઇએ તો આ એક યુગ પરિવર્તનની શરૂઆત છે. આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત ૧૧મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોપ ૩માં સ્થાન પામશે એ નિશ્ચિત છે. ભારતની અધ્યક્ષતામાં જી -૨૦ યોજાઈ, તેમાં ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો મંત્ર હતો. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત વિશ્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આજે ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું કે, સ્વામી વિવેકાનંદના સામર્થ્ય અને સંકલ્પને સાકાર કરીને ભારત આજે વિશ્વમાં અનેક નવા આયામો સાથે આત્મવિશ્વાસપૂર્વક ઊભરી રહ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા અને ઇનોવેશનના પ્લેટફોર્મ તરીકે પુરવાર થયું છે, એટલું જ નહીં ગુજરાતે વૈશ્વિક રોકાણોને પરિણામલક્ષી રીતે ધરતી પર ઉતાર્યાં છે. ગુજરાતની આ સફળ સમિટના આયોજનનું દેશનાં અનેક રાજ્યો અનુકરણ કરી રહ્યાં છે. આ પથ પર ચાલતા વિવિધ રાજ્યો અને તેના પગલે દેશ નવા સીમાચિહ્નો સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંપન્ન થયેલી સમિટને સફળ ગણાવતા શ્રી શાહે કહ્યું કે, આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ૪ રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ કન્ટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે, એ જ રીતે ધોલેરા સર (SIR)ની શરૂઆત થઈ ત્યારે ટીકાકારો ટીકા કરતા હતા પરંતુ આજે પરિણામ આપણી સામે છે. માંડલ બેચરાજી આજે ઓટો હબ તરીકે ઉભર્યું છે તો દહેજમાં પેટ્રોકેમિકલ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, વડોદરામાં બાયો ટેકનોલોજી પાર્કના નિર્માણના પગલે ગુજરાતમાં રોકાણોની સંભાવના વધી છે.

શ્રી શાહે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટ્રકચરલ રિફોર્મ અપનાવ્યું છે. આ રિફોર્મથી પર્ફોર્મ વધ્યું છે અને તેના પગલે ઇકોનોમીમાં ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. વિશ્વના નકશામાં ડાર્ક સ્પોટ ગણાતું રાજ્ય આજે વાઇબ્રન્ટ સ્પોટ તરીકે ઓળખાવા લાગ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત શાસન, શાંતિપૂર્ણ વાતાવરણ અને પારદર્શક શાસનના પરિણામે આજે ગુજરાત વિશ્વ આખા માટે ઇન્વેસ્ટર ચોઈસ બન્યું છે. એક સમયે દેશમાં પોલિસી પેરાલિસીસની બુમરાણ હતી, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક નવી સુદ્રઢ પોલિસી બનાવવામાં આવી છે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ફ્યુચરિસ્ટિક ઇકોનોમીમાં દેશ આજે અગ્રેસર છે. સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બાયોફ્યુઅલ જેવાં નવાં ઊભરતાં ક્ષેત્રોમાં ભારત આજે પાયોનિયર બન્યું છે. ગુજરાતમાં આ પોલિસીને પરિણામલક્ષી અને જમીન પર ઉતારવાનું શ્રેય ગુજરાતની રાજ્ય સરકારને જાય છે.

આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ એમ બંને ક્ષેત્રોમાં ભારત અગ્રેસર બને તેવી પોલિસી બની છે તેના પગલે ભારત વિશ્વનું શિક્ષણ હબ બનવા સમર્થ બન્યું છે. આ જ રીતે ઈલેક્ટ્રિક વિહિકલ, ગ્રીન રોડ સ્ટ્રેટેજી ક્ષેત્રે પણ આપણે અગ્રેસર છીએ. ગ્રીન હાઈડ્રોજન મિશન પણ આપણે આગળ વધારી રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં એક સમયે ૯ બિલિયન ડોલરનું રોકાણ હતું જે ૨૦૪૦ સુધીમાં ૪૦ બિલિયન ડોલર સુધી પહોંચવાના પ્રયાસો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ :

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીના સમાપન અવસરે ગૌરવસહ કહ્યું કે, સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આ સમિટને બે દાયકામાં ઉત્તરોત્તર મળેલી સફળતાથી તેના સ્પીડ અને સ્કેલ બંને વધતા ગયા છે અને વસુધૈવ કુટુંબકમ્-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિચારને વિશ્વભરના દેશોએ આ સમિટમાં સહભાગિતાથી સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાયેલી આ સમિટ નવા યુગના ઊભરતા સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ઉદ્દીપક બની છે.

વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાતે આ સમિટમાં થયેલાં કુલ એમઓયુના 50 ટકા જેટલા એમઓયુ ગ્રીન હાઈડ્રોજન અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં કરીને ચરિતાર્થ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, આ 10મી સમિટમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનો નવતર અભિગમ અપનાવીને 32 જિલ્લાઓના MSME ઉદ્યોગોને વોકલ ફોર લોકલના મંત્ર સાથે વિકસવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન MSMEને દરેક વાઈબ્રન્ટ સમિટની સફળતાથી નવું બળ મળ્યું છે.

: કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા :

કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાને વિકાસનાં નવા અધ્યાયરૂપ ગણાવી ગુજરાત તેની વિકાસની તમામ સીમાઓને ઓળંગીને શ્રેષ્ઠ રાજ્ય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીશ્રી રૂપાલાએ સમિટમાં જમ્મુ -કાશ્મીરનાં પ્રતિનિધિત્વને મોટી સફળતા ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સોનેરી ભવિષ્યનો દરવાજો ખોલવાનો શ્રેષ્ઠતમ પુરુષાર્થ છે. ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહભાગી થયેલા ઉદ્યોગકારો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓએ ગુજરાતની શાંતિ-સલામતી અને રાજ્ય સરકારના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ ગુજરાત રાજ્ય રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં દીર્ઘદૃષ્ટિ, પ્રેરક નેતૃત્વ અને માર્ગદર્શનના કારણે ગુજરાતની આ શાખ બંધાઇ છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રી શ્રી રૂપાલાએ આ તકે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારે ફિશરીઝ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવના હોવાનું જણાવી આ ક્ષેત્રે ઉદ્યોગકારોને રોકાણ માટે આગળ આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.
: જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા :
જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોકાણકારો અને ઉદ્યોગજગત માટે એક મજબુત પ્લૅટફૉર્મ બન્યું છે. ભારત અને દુનિયાભરના ઉદ્યોગ જગતના આગેવાનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આતુરતાપૂર્વક રાહ જુએ છે. દેશના અલગ-અલગ ભાગોમાં રોકાણની નવી સંભાવનાઓના સર્જન અને ઉદ્યોગોના વિકાસનો માર્ગ વાઇબ્રન્ટ ગુજરાત સમિટે પ્રશસ્ત કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને ગૃહમંત્રીશ્રી અમિત શાહના શ્રેણીબદ્ધ પ્રયત્નોથી જમ્મુ અને કાશ્મીરમાં આવેલા હકારાત્મક પરિવર્તન, વિકાસની વાત કરતા જણાવ્યું કે રાજ્યની નવી ઉદ્યોગનીતિના પરિણામે રાજ્યમાં ટૂંક સમયમાં રૂ. ૯૦,૦૦૦ કરોડનું રોકાણ આવ્યું છે અને આજે સમિટમાં જમ્મુ અને કાશ્મીરના ઉદ્યોગ વિભાગ અને રોકાણકારો વચ્ચે રૂ. ૩૦૦૦ કરોડથી વધુ રકમના એમઓયુ થયા છે.

ભૂતકાળમાં ભારત ‘સોનાની ચીડિયા’ તરીકે ઓળખાતું હતુ જેનું કારણ ભૌતિક સમૃદ્ધિ નહીં પરંતુ તેની સમૃદ્ધ શૈક્ષણિક સંસ્થાઓ, ત્યાં થતા સંશોધનો અને ઉત્પાદનોના આવિષ્કારને ગણાવીને તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રીએ શિક્ષણની આ શક્તિને પિછાણીને નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે જે આવનારા સમયમાં ભારતને આર્થિક રીતે સંપન્ન અને શક્તિશાળી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
: વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર શ્રીયુત ઓગસ્તે તાનો કોમે :
વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર શ્રીયુત ઓગસ્તે તાનો કોમેએ તેમના વક્તવ્યમાં વાઇબ્રન્ટ સમિટની સફળતાને ગુજરાત ઇઝ ધ મીટીંગ પોઇન્ટ ઓફ ધ વર્લ્ડ શબ્દો દ્વારા પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય છે એટલું જ નહીં,ગુજરાત લીડર છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે અગ્રેસર છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ભારત વિશ્વની સૌથી મોટી વિકસતી અર્થવ્યવસ્થા છે. ગુજરાત પાસે તકો છે,ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ ઝડપથી વિકસી રહ્યું છે. ગુજરાત આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપીને નેતૃત્વ કરશે. ગુજરાત ઉદ્યોગોની સ્થાપના માટે સૌને આવકારે છે. તેમણે ગીફ્ટ સીટી અને વાઇબ્રટ સમિટને ગુજરાત દ્વારા વિશ્વને આપવામાં આવેલી શ્રેષ્ઠ ભેટ સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,ભારત વિશ્વ બેંકનું સૌથી મોટું ક્લાયન્ટ છે અને ગુજરાત અમારી સાથે જોડાયેલું એક મહત્વનું રાજ્ય છે.
નોર્વેના ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ પ્લાન્ટ, ગ્રીન હાઇડ્રોજન સંસ્થાના અધ્યક્ષ એરિક સોલહેમે જણાવ્યું હતું કે, મેં ઘણી જી-20 સમિટમાં હાજરી આપી છે પરંતુ ભારત જેટલો વાઈબ્રન્ટ બીજો કોઈ દેશ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, મને ખાતરી છે કે ટૂંક જ સમયમાં ભારત એક વિકસિત દેશ બનશે જેમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, વિકસિત ભારત સુધી પહોંચવા માટે ભારતનું મુખ્ય ફોકસ ડિજિટલ રિવોલ્યુશન અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રો પર હોવું આવશ્યક છે. ગુજરાત મહાત્મા ગાંધી,સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓની ભૂમિ તો છે જ પણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી નાગરિકોને કેન્દ્ર સ્થાને રાખીને સર્વસમાવેશી વિકાસ કરવામાં માને છે જે ખૂબ મોટી વાત છે.
ટોરેન્ટ ગ્રુપના ચેરપર્સન શ્રી સુધીર મહેતાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે રીતે વિકાસ પામી છે,તેના ભાગ બનવું અને તેના સાક્ષી બનવું એ ખૂબ જ ગર્વની વાત છે તેમ જણાવી સમિટને ગ્લોબલ બિઝનેસ કેલેન્ડરમાં એક મોટી ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે,આજે ગુજરાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારતના ગ્રોથ એન્જિન તરીકે તેનું સ્થાન મજબૂત કર્યું છે, એટલું જ નહીં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. ગુજરાતે ઓક્ટ્રોયની નાબૂદી અને કો-ઓપરેટિવ સેક્ટરનું પુનરૂત્થાન જેવી ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ પહેલો અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘણી પ્રગતિશીલ પોલિસીઓ ઘડી છે અને રોકાણો આકર્ષિત કરવા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે ટોરેન્ટ ગ્રુપ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. ટોરેન્ટ ગ્રુપે ગુજરાત સરકાર સાથે ₹ 48,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

આ અવસરે નાયરા એનર્જીના ચેરમેન અને હેડ ઓફ રિફાઇનરી શ્રી પ્રસાદ પાનીકરે જણાવ્યુ હતું કે,વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા એ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીની દૂરંદેશીના દર્શન કરાવે છે. મોટી અસર ઉપજાવવા માટે પહેલુ પગલું મોટુ ભરવું પડે. ગુજરાત હંમેશા વિકાસ, ટકાઉપણું અને નીતિની સ્પષ્ટતામાં અન્ય રાજ્યો કરતા આગળ રહે છે અને નેતૃત્વનું મૂલ્ય પણ કરે છે. આ સમિટમાં મોટાભાગના એમઓયુ ઉભરતી ટેક્નોલોજી, ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ જેવા ક્ષેત્રોમાં છે જે આ ઇવેન્ટની સફળતામાં વધારો કરે છે. તેમણે નાયરા કંપની દ્વારા ગુજરાત રાજ્યમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અમે જે રોકાણની યોજના બનાવીએ છીએ તેમાંથી 80% થી વધુ રોકાણ ગુજરાત રાજ્યમાં છે.

વેલસ્પન ગ્રુપના ચેરમેન શ્રી બી.કે. ગોએન્કાએ સમિટના સફળ આયોજન બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવી વેલસ્પન ગ્રુપ શરૂઆતથી જ વાયબ્રન્ટ ગુજરાતનો ભાગ રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષો પહેલા આ સમિટનું જે બીજ વાવ્યું હતું, તે આજે વટવૃક્ષ બન્યું છે, તેના પરિણામો આજે આપણે સહુ જોઇ રહ્યા છીએ. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ મોટા સપના જોવાની અને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવાની તક પુરી પાડે છે. શ્રી ગોએન્કાએ આ તકે ગ્રીન એનર્જી અને પ્લાસ્ટિક ક્ષેત્રે રૂ. 40,000 કરોડથી વધુના મૂલ્યના એમઓયુ પર હસ્તાક્ષર કર્યાની માહિતી આપી હતી.

સમિટના સમાપન પ્રસંગે ઝાયડસ લાઇફ સાયન્સીસના ચેરમેન શ્રી પંકજ પટેલે જણાવ્યુ હતુ કે,20 વર્ષ પહેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક સ્વપ્ન હતું, જે આજે રાજ્ય અને દેશની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થઇ છે. બે દાયકામાં આ સમિટ વિકાસ અને રોજગાર સર્જન માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની ગઇ છે જ્યાં વૈશ્વિક સંસ્થાઓ, વ્યૂહરચના ઘડનારાઓ, ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની છે. તેમણે જણાવ્યુ હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટે ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે, ગુજરાતને એક પસંદગીના રોકાણ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે માધ્યમ પૂરું પાડ્યું છે અને પ્રતિષ્ઠા ઊભી કરી છે. ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કરતા શ્રી પંકજ પટેલે ઝાયડસ ગ્રુપે બાયોટેક ઉત્પાદનો, હોસ્પિટલ અને હેલ્થકેર તેમજ તબીબી ઉપકરણો ક્ષેત્રે ₹5000 કરોડના એમઓયુ કર્યા હોવાનું પણ જણાવ્યુ હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના સમાપન સમારંભના પ્રારંભમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદરે ૧૦મી વાઇબ્રન્ટ સમિટની નોંધપાત્ર બાબતો પર પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમૃત કાળની આ પ્રથમ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. જેમાં યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત ૪૦થી વધારે મંત્રીશ્રીઓ, ૧૪૦થી વધુ દેશોના ૬૧,૦૦૦થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. આ સમિટમાં કુલ ૧,૩૧,૯૪૩ રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૩૫૯૦ વિદેશી પ્રતિનિધિઓ હતા. શ્રી હૈદરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટ તથા દેશના સૌથી મોટા ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાતની સ્મૃતિમાં રૂ. ૨૦નો સિક્કો, ટપાલ ટિકિટ તથા ઈ-કૉફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સમિટ અંતર્ગત ૧૫૦થી વધારે સેમિનાર અને કાર્યક્રમો યોજાયા હતા. જી-૨૦ની તમામ થીમને આવરી લેવામાં આવી હોવાનું જણાવી શ્રી હૈદરે ઉમેર્યું હતું કે આ સમિટમાં ગ્રીન એમઓયુ પર ફોકસ કરવામાં આવ્યું હતું અને રિન્યુએબલ એનર્જી, ઈવી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર વગેરે પર વિશેષ સેમિનાર યોજવામાં આવ્યા હતા.

અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના સમાપન અવસરે વાઈબ્રન્‍ટ ગુજરાત ૨૦૨૪ની ઉપલબ્ધીઓ દર્શાવતી શોર્ટૅ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે વાઈબ્રન્‍ટ ગુજરાતની ૨૦ વર્ષની સફળતાગાથા વર્ણવતા પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ.

સમાપન સમારોહમાં કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ગુજરાત મંત્રી મંડળના સભ્યશ્રીઓ, નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલ, ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સમિટમાં ભાગ લઈ રહેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ, પાર્ટનર ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના મહાનુભાવો અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

……………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: