મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાઉથ આફ્રિકાના ફાઈનાન્સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્ગવાના અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી ભારતને મળેલી G-20 પ્રેસીડન્સી અન્વયે ગુજરાતમાં આયોજીત થઈ રહેલી ફાયનાન્સ મિનીસ્ટર્સ અને બેંન્ક ગવર્નર્સની ત્રીજી સમિટમાં સહભાગી થવા તેઓ ગાંધીનગર આવ્યા છે.



મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં તેમણે G-20નાં આયોજનથી પ્રભાવિત થયા હોવાનો મત દર્શાવ્યો હતો. એટલું જ નહિ, વિકાસનાં બહુવિધ ક્ષેત્રે ગુજરાત અને સાઉથ આફ્રિકા સાથે મળીને કામ કરી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.
સાઉથ આફ્રિકાનાં ફાઈનાન્સ મિનિસ્ટરે ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણકારોને અપાતા પ્રોત્સાહનો અને ઈન્સેન્ટીવ્ઝ વિશે જાણવામાં રસ દાખવ્યો હતો.
શ્રીયુત એનોક ગોડોન્ગવાને ગુજરાત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુદ્રઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે તેમજ ગુજરાતી પરિવારો એમને ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં સક્રિય યોગદાન આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.



મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં કહ્યું કે, ગુજરાત અને સાઉથ આફ્રિકાના સંબંધો દીર્ઘકાલીન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળ શરૂ કરેલી તેનું પણ તેમણે સ્મરણ કર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સાઉથ આફ્રિકાના ફાઈનાન્સ મિનિસ્ટરને સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિર પરિસરની દાંડી કુટીરની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથેના પોલિસી ફ્રેમવર્કને કારણે આજે ગુજરાત વિશ્વનાં રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટી અને ધોલેરા SIR જેવા વર્લ્ડક્લાસ પ્રકલ્પો ગુજરાતની વિશેષતા છે તેનો ઉલ્લેખ કરીને સાઉથ અફ્રિકાની ફિનટેક સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમના ઓપરેશન્સ શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાત અને સાઉથ આફ્રિકા પાસે રિન્યુએબલ એનર્જી, જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, એજ્યુકેશન તેમજ ટુરીઝમ અને મેડીકલ વેલ્યુ ટુરીઝમ પર સહયોહગની સંભાવનાઓ અંગે આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો.
ગુજરાતમાં દક્ષિણ આફ્રિકાના તેમજ અન્ય આફ્રિકન રાષ્ટ્રોના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની પણ ભુમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ્સથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા હિમાયત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ૨૦૨૪ જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા સાઉથ આફ્રિકાના ફાયનાન્સ મિનિસ્ટરને આમંત્રણ પાઠવ્યું હતું.
વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૯માં સાઉથ આફ્રિકા વાઈબ્રન્ટ સમિટનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે તેમજ આ વાઈબ્રન્ટ સમિટમાં એક વિશેષ સત્ર આફ્રિકા-ડે નું આયોજન કરવામાં આવે છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સાઉથ આફ્રિકાના ફાઈનાન્સ મિનિસ્ટર એનોક ગોડોન્ગવાએ આ આમંત્રણનો સ્વીકાર કરતાં વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪માં જોડાવાની તત્પરતા દર્શાવી હતી.
આ બેઠકમાં મુખ્યસચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી પંકજ જોષી, ઉદ્યોગના અધિક મુખ્યસચિવશ્રી હૈદર અને અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર જોડાયા હતા.