ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલના આંગણે શ્રીહરિની જન્મજયંતિનો નવ-દિનાત્મક ભવ્ય બ્રહ્મ-મહોત્સવ અને રામનવમીની ઉજવણી

પ્રભુ આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોને સુખ આપવા અને સાથે સાથે સદ્ધર્મનાં સ્થાપન માટે પધારે છે. હરિભક્તો માટે ચૈત્ર સુદી નવમીનો દિવસ તો સોનામાં સુગંધ સમાન કહેવાય કેમ જે આ પવિત્ર દિવસને પ્રભુએ બે વાર પોતાની જન્મલીલાના સંભારણા માટે નિમિત્ત બનાવ્યો છે. શ્રીજી મહારાજની અસીમ ક્રુપાથી અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ડલાસના આંગણે તા. 04-09-2024 થી તા. 04-17-2024 સુધી પ્રભુ શ્રીરામ પ્રાગટ્ય દિન અને સર્વાવતારી શ્રીજી મહારાજની 243મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નવ-દિનાત્મક બ્રહ્મ-મહોત્સવ ઉજવાયો હતો. કરુણા કરીને મહારાજ મારે કાજે પ્રગટ થયા! એવા અહોભાવથી હરિભક્તોએ નવ દિવસ તપ, જપ અને ઝુલાના નિયમ દ્વારા ઠાકોરજીને પોતાના ઘર-મંદિર અને હૃદય-મંદિરમાં પધરાવી બ્રહ્મ-મહોત્સવને માણ્યો હતો. નવ દિવસ દરમિયાન સહુ હરિભક્તોએ નિર્જળા, ઋષિ ચાંદ્રાયણ, ફળાહાર કે એક ટાણા જેવા તપથી પોતાની સાધના, 25000 ઉપરાંત મંત્રજાપથી પોતાની આરાધના અને ઘર-મંદિરમાં લાડે-કોડે ઘનશ્યામને નવ દિવસ ઝુલાવીને પોતાની ઉપાસના શ્રી હરિને ચરણે ધરી હતી.


તા. 04/13/2024ના શનિવારે મહોત્સવની શરૂઆત સવારે શ્રીજી મહારાજના મહા અભિષેકથી થઇ હતી. પૂ. ભગવતચરણદાસજી સ્વામી, પૂ. શાન્તિપ્રિયદાસજી સ્વામી, પૂ. વ્યાપકસ્વરૂપદાસજી સ્વામી,પૂ. બ્રહ્મદર્શનદાસજી સ્વામી અને પૂ. ત્રિભુવન ભગતે દૂધ, દહીં, ઘી, મધ, સાંકર, કેસર,ચંદન, ગુલાબની પાંખડીયો વિગેરેથી શ્રી ઘનશ્યામ મહારાજનો વિધિવત મહા અભિષેક કર્યો હતો. સહજાનંદી સ્વર મંડળના યુવાનોએ સુંદર શ્લોકો અને કીર્તનો વડે અભિષેક કરાવ્યો હતો. ત્યારબાદ કીર્તન ભક્તિથી અને સંતો સાથે રાસની રમઝટથી પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો હતો. સાંજની પછીની સભામાં વિધ-વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ હતી.

પૂ. શાન્તિપ્રિયદાસજી સ્વામીએ અદ્ભુત મહાનિરાજન આરતીનો લાભ આપ્યો હતો. તા. 04/17/2024ના બુધવારે બપોરે પ્રભુ શ્રીરામની ધૂન અને આરતી કરી પ્રભુના પ્રાગટ્ય દિનને વધાવ્યો હતો.જયારે રાત્રે 9:00 કલાકે કીર્તન ભક્તિથી કાર્યક્રમની શરૂઆત થઇ. પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીએ સુંદર કથાવાર્તા દ્વારા મહારાજના પ્રાગટ્ય ચરિત્રની કથાનું સુંદર રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ, આરતી કરી શ્રી હરિના પ્રાગટ્ય દિનને વધાવ્યો હતો.


તા. 04/20/2024ના શનિવારે વિધ-વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ. જેમાં બાલિકા મંડળ કીર્તન-ભક્તિ, બાલિકા મંડળ નૃત્ય કાર્યક્રમ, બાળ મંડળ કીર્તન-ભક્તિ, બાળ મંડળ નૃત્ય કાર્યક્રમ, યુવા મંડળ નાટક વિગેરે કાર્યક્રમોથી ઘનશ્યામ મહારાજના જન્મોત્સવની વધામણી માટે ભક્તોએ સુંદર ભક્તિમય વાતાવરણ ઉભું કરી દીધું. ત્યારબાદ, સંતોએ બાળ ભક્તો સાથે કેક ધરાવી મહારાજના જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આશરે 1000 ઉપરાંત હરિભક્તોએ સમગ્ર મહોત્સવનો ગુરુકુળમાં અને ઓનલાઇન લાભ લીધો હતો.