મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા સ્મરણોત્સવની ઉજવણીનો ટંકારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શાનદાર શુભારંભ
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થ અંદાજે ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થશે

ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદી બારેમાસ રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે
સર્વના કલ્યાણ માટે વૈદિક સંસ્કૃતિ અને આર્ય સમાજ જન જાગરણ માટે દર વર્ષે રૂ.૧ કરોડના દાનની જાહેરાત કરતા રાજ્યપાલ

મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મોત્સવ પ્રસંગે દેશ વિદેશમાંથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વૈદિક પરંપરા-વૈદિક સંસ્કૃતિ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો
મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ- સ્મરણોત્સવની ભવ્ય ઉજવણી મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીનો પ્રારંભ વૈદિક સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.

રાજ્યપાલશ્રીએ દેશ વિદેશના આર્ય સમાજના અનુયાયીઓને આર્ય સમાજના પરિવારજન તરીકે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, હું આજે જે કંઈ પણ છું તેમાં આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના કાર્યનું, તેમણે ચીંધેલા માર્ગનું મોટું પ્રદાન છે. ટંકારામાં મહર્ષિના જન્મથી અત્યાર સુધીના ૨૦૦ વર્ષના સમયગાળામાં ટંકારામાં આટલો મોટો કાર્યક્રમ પ્રથમ વખત થઈ રહ્યો છે. આર્ય સમાજ અને મહર્ષિના વિચારોએ દેશભક્તિ, નશામુક્તિ, શિક્ષણ સેવાનું મહાન કાર્ય કરીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.
ગુજરાતના ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા મહર્ષિએ દેશની પ્રગતિમાં અવરોધરૂપ અનેક વિચારધારાનો વિરોધ કરવાનું કાર્ય કર્યું હતું. નારી શિક્ષણ પ્રોત્સાહિત કરવા, સતી પ્રથા દૂર કરવા, અંધવિશ્વાસ દૂર કરવા માટે તેમણે દુનિયા સાથે લડીને દેશની દશા અને દિશા બદલી હતી. તેમની વિચારધારા આજે વધુ ગતિથી આગળ ધપાવવાની જરુર છે. આ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજમાં કોઈ પણ પદ કે હોદ્દો ધારણ કર્યા વગર વૈદિક પરંપરાને આગળ લઈ જવા કાર્ય કરનારને તમામ પ્રકારની સમર્પિત મદદ કરવાની ઘોષણા કરી હતી.
તેઓશ્રીએ દર વર્ષે રૂ.૧ કરોડની ધનરાશી વેદ વિચારોને વિશ્વમાં ફેલાવવાના મહાન કાર્ય માટે આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યપાલશ્રી એ કહ્યું કે, સ્વામીના માર્ગે આર્ય સમાજ સંસ્થાઓ, ડી.એ.વી. શિક્ષણ ક્ષેત્રે આજે પણ ખૂબ મોટું કાર્ય કરી રહી છે. સ્વામીએ સત્યનો માર્ગ બતાવ્યો છે. તેમાં સમસ્ત માનવનું કલ્યાણ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યપાલ તરીકેના શપથ લીધા બાદ તેઓ પ્રથમ વખત ટંકારા આવ્યા અને ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ જન્મસ્થાનની દશા દયનીય હતી. જન્મસ્થાન એક તીર્થ તરીકે ઉભરી આવે અને ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં સ્મારક બને તેવું તેઓ ઇચ્છતા હતા. જ્ઞાન જ્યોતિ તીર્થ બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપી હતી તે વાત તેમણે કરી હતી. તેમણે કહ્યું કે,પ્રધાનમંત્રીશ્રી પણ સ્વામી દયાનંદજી પ્રત્યે ભક્તિભાવ ધરાવે છે.
નવી ચેતના અને નવી ઊર્જાનું મોટુ કેન્દ્ર અને લોકોને નવી દિશા આપે તેવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ સ્મારક પાછળ આવેલી ડેમી નદીમાં દયાનંદજી બાળપણમાં મિત્રો સાથે રમ્યા હતા. તે ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદીમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓશ્રીએ મહોત્સવના આયોજકોને સુંદર આયોજન માટે તેમજ પદ્મશ્રી પૂનમ સુરીને જ્ઞાન તીર્થ સ્મારકના કાર્યના આરંભ માટે બિરદાવ્યા હતા. આ માટે ૧૫ એકર જમીન પણ ટંકારા હાઇ-વે પર નક્કી કરવામાં આવી છે. આ કલ્યાણકારી કાર્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમાં સરકાર દ્વારા પણ સહયોગ મળશે.
રાજ્યપાલશ્રીએ સ્વામી આનંદને યાદ કર્યા હતાં અને વિશ્વ કલ્યાણની સંસ્થાની વિચારધારાનો પ્રસાર કરવા માટે આહલેખ જગાવી હતી. તેમણે દેશના આધ્યાત્મિક ગુરુઓની મુલાકાત વર્ણવીને તેમના આર્યસમાજ અને મહર્ષિ પ્રત્યેના અનુરાગ અને આદરની વાત કરી હતી. ઉપરાંત તેમણે નવી પેઢીને આર્ય સમાજમાં આગળ આવીને જવાબદારી સ્વીકારવા તેમજ મોટા કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.યુવા પેઢી વૈદિક સંસ્કૃતિ – આર્ય પરંપરાના પ્રચાર પ્રસાર માટે આગળ આવે અને સોશિયલ મીડિયા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી જન જન સુધી મહર્ષિના કલ્યાણકારી વિચારો પહોચાડે તેવું આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રી ડો. પૂનમ સુરીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ડી.એ.વી. મેનેજમેન્ટ કમિટી દ્વારા દેશમાં ૯૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાઓ દ્વારા શાળા શિક્ષણ, નર્સિંગ, એન્જિનિયરિંગ, આયુર્વેદ, લો, ફિઝિયોથેરાપી, વગેરે અનેક કોલેજો ચલાવવામાં આવી રહી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી અને વેદના સંદેશાઓને મધ્યમાં રાખીને ચાલતી આ સંસ્થાઓ માં ૧ લાખથી વધુ શિક્ષકો અને સ્ટાફ દ્વારા લગભગ ૩૪ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આર્યસમાજ એ આ સંસ્થાઓ દ્વારા થતી શિક્ષણ સેવાની માતા છે. ડી.એ.વી.ના છાત્રો અદ્યતન ટેકનોલોજી શીખીને સ્ટાર્ટઅપ ખોલી રહ્યાં છે. તેઓશ્રીએ આર્ય સમાજના સંદેશાઓને વિશ્વભરમાં ફેલાવવા માટે અને આર્યગુણોથી સુશોભિત થવા મહર્ષિની ભૂમિમાંથી કૃતનિશ્ચયી થવા અનુરોધ કર્યો હતો.
આર્યસમાજના અગ્રણીઓએ રાજ્યપાલશ્રીનું તેમજ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીનું ખેસ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સામૂહિક ભજન પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ પણ અર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યપાલશ્રીના હસ્તે આર્ય સમાજ દ્વારા પ્રકાશિત દયાનંદ સરસ્વતીના જીવન અને સંદેશ તેમજ પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વૈદિક મંત્રગાન તેમજ ઋષિવંદના દ્વારા કાર્યક્રમનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજના ઉદ્ઘાટન સત્રમાં રાજપાલશ્રીની ઉપસ્થિતિમાં મંચ પર આર્ય સમાજની શૈક્ષણિક સંસ્થાઓ, ગુરુકુળના વિદ્યાર્થી ભાઈ બહેનોએ-ઋષિ કુમારોએ વૈદિક પરંપરાને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ સાથે પ્રસ્તુત કરી હતી. વૈદિક સંસ્કૃતિને પ્રજ્જવલિત કરતી આ પ્રસ્તુતિથી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ચીંધેલા માર્ગે એક વિરાટ અને ભવ્ય સંસ્કૃતિની શાશ્વત ઉર્જાની ઝાંખી થઈ હતી.
આર્ય સમાજના અગ્રણીશ્રીઓએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરીને મહર્ષિના સ્વપ્ન, સંદેશાઓ અને આર્યસમાજના હાલના ઉદ્દેશો અને પ્રકલ્પો પર વક્તવ્ય રજૂ કર્યા હતાં અને ઉપસ્થિત આર્યસમાજીઓને મહર્ષિના સંદેશાઓને આગળ વધારવા અને સ્વપ્નોને પુર્ણ કરવા માટે કટિબદ્ધ થવા આવાહન કર્યું હતું. આ પ્રસંગે મહર્ષિ દયાનંદ સરસ્વતીના પરિવારના વંશજ શ્રી પાર્થ રાવલનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. ગુરુકુળની બાલિકાઓએ સંયુકત કુટુંબ પરંપરાના સંવર્ધન માટે અને જાતિવાદ છોડી રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રેરીત થવા સુંદર નાટિકા પ્રસ્તુત કરી હતી. અહીં તૈયાર થનાર જ્ઞાન જ્યોતિ તિર્થ વિશે માહિતી આપતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. મહર્ષિની જન્મભૂમિમાં તેમના જીવન, કાર્ય અને સંદેશાઓને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રભાવક રીતે રજૂ કરવામાં આવશે. અહીં વિદ્યાર્થીનીઓ માટે ડી.એ.વી સ્કૂલ પણ તૈયાર કરવાનું આયોજન છે.
નોંધનીય છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા સ્મરણોત્સવની ઉજવણી રૂપે તેમના જન્મસ્થાન ટંકારામાં મહોત્સવ સ્થળે મહર્ષિના કાર્યો અને સંદેશાઓ આધારિત એક્ઝીબિશન, સાહિત્ય વિક્રય કેન્દ્ર, ફિલ્મ પ્રદર્શન, યજ્ઞ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આર્ય સમાજના અગ્રણીશ્રીઓ શ્રી સુરેશચંદ્ર આર્ય, શ્રી વિનય આર્ય, શ્રી પ્રકાશ આર્ય, શ્રી સુરેન્દ્રકુમાર આર્ય, ધરમપાલ આર્ય, ડો . સુમેધાજી અને આર્ય સમાજ સાથે સંકળાયેલ પ્રાંતીય મહાસભાના સદસ્યો, તેમજ જિલ્લા કલેકટર શ્રી કિરણ.બી. ઝવેરી, દેશ વિદેશથી પધારેલ મહર્ષિના શિષ્યો તેમજ સન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.