Breaking News

પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજકોટમાં મીડિયાને સંબોધન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની પળેપળની વિગતો મેળવી રહ્યા છે

રાજકોટ તા. ૨૨ જુલાઈ – રાજયના કૃષિ તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢમાં થઇ રહેલા વ્યાપર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિ અંગે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ કાર્યક્રમોના ઉપક્રમે રાજકોટમાં હતા. પરંતુ જૂનાગઢમાં ભારે વરસાદના સમાચાર મળતા મુખ્યમંત્રીશ્રી પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને તાત્કાલિક રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.


અહીં તેમણે કંટ્રોલરૂમ ખાતેથી જૂનાગઢના કલેક્ટર સાથે વાત કરીને, જૂનાગઢની તમામ સ્થિતિની માહિતી મેળવી હતી તથા અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરીને તેમને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત તેમણે મુખ્ય સચિવ સાથે પણ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટથી સીધા જૂનાગઢ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તા બંધ હોવાથી તેમજ વિઝીબિલિટીના પ્રશ્નો હોવાથી તેઓ જૂનાગઢ જઈ શક્યા નહોતા અને પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ગાંધીનગર પ્રસ્થાન કર્યું છે. તેઓ જૂનાગઢની પળેપળની વિગતો મેળવી રહ્યા છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યાથી સાંજ સુધીમાં આશરે સાડા નવ ઇંચ તેમજ ગિરનાર પર તેના કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના છ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આશરે ૨૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકોના નિવાસ અને ભોજનની વ્યવસ્થા માટે પણ તંત્ર કામે લાગી ગયું છે.


જૂનાગઢની સ્થિતિ માટે એન.ડી.આર.એફ.ની બે કંપની ફાળવેલી છે જ્યારે ત્રીજી કંપની પણ રવાના કરાશે. એસ.ડી.આર.એફ.ની પણ બે ટીમ ફાળવેલી છે.
જૂનાગઢમાં થયેલી અતિવૃષ્ટિ સામે હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરુરી પગલાં લેવામાં આવ્યા છે અને તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવાઈ રહ્યા છે અને જલ્દીથી તેને જૂનાગઢ પહોંચાડાશે.
જ્યારે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત લોકોને ભોજન પહોચાડવા માટે વિવિધ સામાજિક સંથાઓનો સહયોગ લઈને ૨૫ હજારથી વધુ ફૂડ પેકેટ બનાવાઈ રહ્યા છે અને મોકલવાની પણ વ્યવસ્થા ગોઠવી છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા ગોંડલ નગરપાલિકાની ફાયરની પાંચ ટીમો જૂનાગઢ ખાતે મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: