ગાંધીનગર: શુક્રવાર:
ગુજરાત રાજયમાં અન્ય પ્રાંત – પ્રદેશના લોકો પણ સારવાર મેળવવા માટે આવે છે, ત્યારે નાગરિકોને વસુઘૈવ કુટુંબકમૂના ભાવ સાથે સારવાર મળી રહે તેનું દાયિત્વ હવે, આજથી નિમણુંક મેળવનાર તમામ ર્ડાકટરોને પણ નિભાવવાનું છે,તેવું આજે યોજાયેલ રાજયભરના તબીબોને નિમણૂંક પત્ર એનાયત સમારંભમાં ગાંધીનગર ખાતે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
પ્રશાસન અને પ્રજા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોનો સેતુ બનનારા સેવાકર્મી તબીબો તરીકે આજે રાજયભરમાં જી.પી.એસ.સી દ્વારાનવનિયુક્ત થયેલા ૪૯૨ તબીબોને અભિનંદન પાઠવી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજથી આપ સૌનો ગુજરાત આરોગ્ય પરિવારમાં સમાવેશ થયો છે. લોકસેવા કરવાની આપને ઉમદા તક મળી છે. ભારત દેશમાં આરોગ્ય અને શિક્ષણને કયારેય પ્રોફેશન તરીકે જોવામાં નથી આવ્યું, પણ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે સાંકળવામાં આવી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આરોગ્યની ર્દષ્ટિથી ગુજરાતની પ્રજાની સેવા કરવાનું કામ આપ સૌને પુરી નિષ્ઠાથી અદા કરવાનું છે.
આ કાર્ય થકી ગ્રામ્ય વિસ્તારમાં આપને જવાનું થશે, ત્યારે તેની ભૌગલિક અને સામાજિક વૈવિધ્ય સાથે આરોગ્ય સેવા કરવાની રહેશે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપને સેવાના ઉમદા કાર્ય સાથે સાથે ગુજરાતને ઓળખવાની તક મળશે. ગરીબ પરિવાર સાથે વિનમ્ર વ્યવહાર કરવા અને સારંવાર અંગેની સાચી સમજ આપવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે આ સેવાને રાઉન્ડ કર્લાક અદા કરવા જીવનમાં તૈયાર રહેવા પણ નવનિયુક્ત તબીબોને જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે, આપની ફરજ દરમ્યાન આપ દવા આપશો, દર્દીની અને પરિવારની દુઆ આપને મળશે. દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે, સરકારી નહિં, અસરકારી બનીયે, તેવું કહી તેમણે કર્મયોગી ભાવ દરેક કર્મચારીમાં પ્રેરિત કરવાની તેમની વિભાવનાને પરિણામે જ આજે ગુજરાત હેલ્થ સાથે વેલનેસ પર પણ મજબૂતી પુર્વક કામ કરી રહ્યું છે. રાજયમાં આરોગ્યક્ષેત્રે માળખાકીય સેવાઓ, સવલતો, મેડિકલ શિક્ષણ, નર્સિંગ શિક્ષણ ઉપરાંત લેટેસ્ટ તકનીકવાળી સારવારમાં વધારો થઇ રહ્યો છે. રાજય સરકારે પ્રત્યેક નાગરિક માટે ઉપલબ્ધ કરાવેલી આરોગ્ય સેવાઓને સરળ અને સધન રીતે પહોંચાડવા માટે આપ સૌ મિત્રોની જવાબદારી અતિ મહત્વની બની રહેવાની છે. આજે રાજયમાં ૪૯૨ તબીબોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
જેમાં અમદાવાદ-૦૬, અમરેલી-૧૭, અરવલ્લી-૯,આણંદ-૬,બનાસકાંઠા-૩૬,ભરૂચ-૧૭,ભાવનગર-૩,બોટાદ-૩, છોટાઉદેપુર-૪૩,દાહોદ-૫૫,ડાંગ-૬,દેવભૂમિ દ્વારકા-૧૩,ગાંધીનગર-૪,ગીરસોમનાથ-૩,જામનગર-૧૧,જુનાગઠ-૬,ખેડા-૬,કચ્છ-૩૬,મહિસાગર-૧૬,મહેસાણા-૧૧,મોરબી-૮,નર્મદા-૨૩,નવસારી-૭,પંચમહાલ-૩૪,પાટણ-૧૪,પોરબંદર-૪,રાજકોટ-૨૩,સાબરકાંઠા-૧૫,સુરત-૧૦,સુરેન્દ્રનગર-૨૪,તાપી-૧૧,વડોદરા-૩,વલસાડ-3 એમ ૩૩ જીલ્લા માંથી કુલ ૪૯૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કમિશનર શ્રી શાહમીના હુસેન, મિશન ડાયરેકટર શ્રી રામ્યા મોહન, સી.પી.ઓ. શ્રી નવનાથ ઘવાણે, આરોગ્ય નાયબ સચિવ શ્રી સ્નેહલ ભાટકર, તબીબી શિક્ષણ અધિક નિયામક સર્વશ્રી ર્ડા. રાધવેન્દ્ર દક્ષિત, ર્ડા. નયન જાની, ર્ડા. નિલમ પટેલ સહિત આરોગ્ય પરિવારના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.