અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયશન ખાતે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા વિવિધ સરકારી
કચેરીઓના કર્મચારીઓ માટે GeM (Government e Marketplace ) પોર્ટલ અને સરકારની સ્ટાર્ટઅપ
નીતિઓ અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરતો તથા સ્ટાર્ટઅપ પ્રત્યે સંવેદનશીલતા જગાવતો તાલીમ
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં GeM (Government e Marketplace ) પોર્ટલની ઉપયોગિતા, પોર્ટલ પર
કાર્ય કરવા માટે જરૂરી બાબતો, પોર્ટલ વડે વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી જેવી અનેકવિધ
બાબતો અંગે તલસ્પર્શી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ અંગેની વિવિધ યોજનાઓ, સહાયો,
નીતિ- નિયમો, વિવિધ સરકારી ઉપક્રમો, તાલીમકેન્દ્રો વગેરે અંગે વિગતે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત, દિલ્હી ખાતેથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાના અધિકારીએ લાઈવ સેશન દ્વારા પણ તાલીમાર્થીઓને
કેન્દ્ર સરકારનાં સ્ટાર્ટઅપ અંગેના વિવિધ કાર્યક્રમો, યોજનાઓ અને ઉપકરણો અંગે વિગતે માહિતગાર કરવામાં
આવ્યાં હતાં.
આ તાલીમ પ્રસંગે સ્ટાર્ટ અપ સેલ, ગુજરાતનાં જોઇન્ટ કમિશનર શ્રી ડી.આર.પરમાર, જોઇન્ટ કમિશનર,
ઇન્ડસ્ટ્રીઝ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી આર. ડી. બારહટ, GeM પોર્ટલના શ્રી સાગર સોની,
iACEના શ્રી મનીષ કુમાર, GUJSECના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મલય શુક્લા અને વિવિધ સરકારી કચેરીઓના
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમના બીજા સત્રમાં વિવિધ રોકાણકારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં, જેમાં ગુજરાત વેંચર્સ ફંડ
લિમિટેડનાં શ્રી ઋચા મહેશ્વરી, ઇન્ડિયા બિઝનાં કો ફાઉન્ડર શ્રી હરિપ્રિયા ભગત ઉપરાંત સ્ટાર્ટ અપમાં રોકાણ કરવા
માટે ઉત્સાહી એવા વિવિધ રોકાણકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.