Breaking News

”એક બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું આ બંને ગુણ હોવા તે ગુજરાતીઓનું ગૌરવ..” : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

”અમૃત કાળમાં યોજાયેલો ગુજરાતનો 63 મો સ્થાપના દિન ગુજરાતની પ્રગતિ અને વિકાસ સાથેનો ગૌરવ દિન છે…” : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો પૂર ઝડપે વિકાસ થયો છે, અને તે નેતૃત્વ સમગ્ર દેશને મળ્યું, આજે દેશના નેતૃત્વ અને વિકાસની ચર્ચા દુનિયામાં થાય છે, એ ગુજરાતનું ગૌરવ છે. : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

             -:આચાર્ય દેવવ્રત:-

દુનિયાના 172 દેશોમાં ગુજરાતીઓ વસે છે. રાજ્ય- દેશની પ્રગતિ માટે ગુજરાતીઓએ પુરુષાર્થ કર્યો છે.

પ્રાકૃતિક ખેતી માટે વડાપ્રધાનશ્રીના આશીર્વાદ સાથે પોણા 5 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.

વિકાસનું મોડેલ ગુજરાત હવે પ્રાકૃતિક ખેતીમાં પણ દેશનું નેતૃત્વ કરશે.

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક શ્રી દયાનંદ સરસ્વતી અને સર્વ સમાવેશક વિકાસના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતે દેશને આપ્યા છે.

જામનગર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે ઔદ્યોગિક નગરી તરીકે પણ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે.

જામનગરના લોકોની શિસ્ત, મહેનત અને ખમીરવંતી એતિહાસિક ગૌરવ ગાથાને બિરદાવતા રાજ્યપાલશ્રી

-:આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ:-

આશરો આપનારાઓની ભૂમિ જામનગર ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે..

પોલેન્ડમાં આજે પણ જામસાહેબને યાદ કરવામાં આવે છે.

ભૂચર મોરીનું યુદ્ધ એ શરણે આવેલાના રક્ષણ માટે અને આશરો ધર્મ પાળવા માટેની શૌર્ય ગાથા છે..

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રૂ. 300 લાખ કરોડનું ગુજરાતનું બજેટ ગુજરાતીઓના વિકાસ માટેનું છે. અમૃતકાળનું આ બજેટ ગુજરાતને પ્રગતિના એક ઉચ્ચતમ પંથે લઈ જશે..

રાજ્ય અને રાષ્ટ્રના પર્વને જિલ્લાઓમાં વિકાસ સાથે જોડીને- સમાજ સેવકોને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરીને ગુજરાત સરકારે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે

ગુજરાતના વિકાસમાં જન ભાગીદારી સાથે નવા આયામો સિદ્ધ થયા છે

જામનગરના ગૌરવવંતા ઇતિહાસ અને વીરતાની શૌર્યગાથા પ્રસ્તુત કરતા સાંસ્કૃતિક વિભાગના નમોસ્તુતે નવાનગર નિહાળીને મંત્રમુગ્ધ થતા હાલારવાસીઓ

150 કલાકારોને બિરદાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે જામનગરમાં કુ. સરિતા ગાયકવાડ, શ્રી જગદીશ ત્રિવેદી અને સ્વ. શ્રી મનુબેન ઠક્કરને ગુજરાત ગરિમા એવોર્ડ અર્પણ કરાયો.. : વિશિષ્ટ સેવા બદલ 18 પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું…

જામનગર, તા. 1 મે, ગુજરાતના 63 માં સ્થાપના દિન ‘ગુજરાત ગૌરવ દિન’ ની જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવાનગરની પ્રસ્તુતિના પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ છે. રાજ્યપાલશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરશે.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના 172 દેશોમાં ગુજરાતીઓ વસે છે. ગુજરાતે વિકાસની એક નવી ઓળખ આપી છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક શ્રી દયાનંદ સરસ્વતી અને સર્વ સમાવેશક વિકાસના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતે દેશને આપ્યા છે.

તેઓએ ગુજરાત ગૌરવ દિને ગુજરાતમાં થઇ રહેલા વિકાસ અને પ્રાકૃતિક ખેતી તરફ જન આંદોલનમાં ગુજરાતના ખેડૂતોના ઉત્સાહને બિરદાવી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર ભારતનું પણ સપનું સાકાર થશે. લોકોના આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોની સમૃદ્ધિ થશે. ગુજરાતના સ્થાપના દિને પ્રાકૃતિક ખેતી વધુ અપનાવવા તેઓએ આહવાહન કરી જન ભાગીદારી સાથે આ અંગે સંકલ્પ કરવા માટે પણ આહવાહન કર્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું. તેઓએ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જામનગરની આગવી અધ્યાત્મિકે ઓળખ અને ઔદ્યોગિક નગરી તરીકે પણ આગવી વિશેષતા ધરાવે છે. રાજ્યપાલશ્રીએ ગુજરાત ગરિમા એવોર્ડ અને સન્માનિત શ્રેષ્ઠીઓને બિરદાવીને તમામ ગુજરાતીઓને આજના દિવસે શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 લી મે, 1960 ના રોજથી ગુજરાતે અલગ અસ્તિત્વ સાથે આગવી ઓળખ સ્થાપિત કરી છે. શરૂઆતના વર્ષોમાં યોગ્ય નાણાંકીય વ્યવસ્થાપનના અભાવે ગુજરાતનો પૂરતો વિકાસ થયો ન હતો. પરંતુ, છેલ્લા 20- 25 વર્ષમાં ખાસ કરીને, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો પુરઝડપે વિકાસ થયો છે, અને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃર્ત્વમાં અમૃતકાળમાં સૌથી મોટું રૂ. 300 લાખ કરોડનું બજેટ ગુજરાતને મળ્યું છે, અને તે ગુજરાતીઓ માટે વપરાશે. તે પણ ગૌરવ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આશરો આપનારાઓની ભૂમિ જામનગર ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે. પોલેન્ડમાં આજે પણ જામસાહેબને યાદ કરવામાં આવે છે. ભૂચર મોરીનું યુદ્ધ એ શરણે આવેલાના રક્ષણ માટે અને આશરો ધર્મ પાળવા માટેની શૌર્ય ગાથા છે. તેઓએ જામનગર જિલ્લાના લોકોને તેમજ તમામ ગુજરાતીઓને આજના દિવસની શુભકામના પાઠવી હતી,.

આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને રાષ્ટ્રના પર્વને જિલ્લાઓમાં વિકાસ સાથે જોડીને- સમાજ સેવકોને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરીને ગુજરાત સરકારે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દેશને ઉન્નતિના માર્ગે લઇ જઈ રહયા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનું દુનિયામાં માન વધ્યું છે. દેશના વિકાસની ચર્ચા થાય છે. આ સપૂતો પણ ગુજરાતનું ગૌરવ છે. તેઓએ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્ર સેવાને યાદ કરીને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનારા વીરોને પણ વંદન કર્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ત્રણ મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩થી સન્માનિત કરાયા હતા. જેમાં સેવા સહકારિતા કાર્ય ક્ષેત્રે સ્વ.અનુબેન ઠક્કરને મરણોત્તર એવોર્ડ તેમજ રમત ગમત ક્ષેત્રે કુ.સરિતા ગાયકવાડ અને કલા-લેખક ક્ષેત્રે ડો. જગદીશભાઈ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના પ્રતિષ્ઠિત ૧૮ નાગરિકોને બાંધણીની સાલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને માહિતી કચેરી દ્વારા સંપાદિત કોફી ટેબલ બુક “નમોસ્તુતે નવાનગર” અને “જાજરમાન જામનગર” વિકાસવાટિકા બુકનું વિમોચન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની વિકાસગાથા, ગુજરાતનો ઐતિહાસિક વારસો, ગુજરાતના પ્રખ્યાત મંદિરો તેમજ સાંસ્કૃતિક વારસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીઓના હસ્તે નવી જાહેરાતના ભાગરૂપે જામનગર મહાનગર, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારને રૂ.૨.૫૦ કરોડ એમ કુલ રૂ.૭.૫૦ કરોડના ચેક કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કમિશનરશ્રીને એનાયત કરવામાં આવ્યા હતા.

જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી, સચિવ શ્રી અશ્વિનીકુમાર તથા કમિશનર શ્રી હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા ૬૦ મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ૧૫૦ કલાકારો તથા ૪૦ ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં હતા. આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી “મન” દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં કલેકટરશ્રી બી.એ.શાહે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, ડીજીપીશ્રી વિકાસ સહાય, અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર, પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, કમિશનર શ્રી ડી. એન. મોદી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: