Breaking News

ગાંધીનગર, 18 ઓક્ટોબર: 16મી ઑક્ટોબર 2023ના રોજ જાપાનના ટોક્યોમાં ભારતીય દૂતાવાસ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજાયો હતો. આ કાર્યક્રમ ભારત અને જાપાનના સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હતો. સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના 120 હાઈ-પ્રોફાઈલ પ્રતિનિધિઓની સહભાગિતા સાથે, આ કાર્યક્રમે ગુજરાત અને જાપાન વચ્ચેના સહયોગની અપાર સંભાવનાઓ દર્શાવી હતી.

જાપાનમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ બંને દેશો વચ્ચે વાતચીત માટેનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બન્યો, જેણે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપ્યું. વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગિતાએ ગુજરાત અને જાપાન વચ્ચે સહકાર, નવીનતા અને રોકાણની તકોને એક્સપ્લોર કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જાપાનમાં ભારતના રાજદૂત હિઝ એક્સલન્સી શ્રી સિબી જ્યોર્જે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતની વિકાસગાથામાં જાપાનની ભૂમિકાને વર્ણવી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ સત્રમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાએ પણ સંબોધન કર્યું હતું, જે દરમિયાન તેઓએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર વિકાસ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેનાથી રાજ્યએ ભારતના આર્થિક માળખામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી નેહરાએ ગુજરાતમાં રોકાણની વિશાળ તકોને હાઇલાઇટ કરી હતી, જે બિઝનેસ માટે રાજ્યની વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ દર્શાવે છે. પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં રહેલી તકો અને ઝડપથી ઉભરતા બે આર્થિક હબ – ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) અને ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની શાનદાર સફળતાનો શ્રેય ગુજરાત સરકાર, જાપાનમાં ભારતીય દૂતાવાસ અને જેટ્રો (JETRO)ના સહિયારા પ્રયાસોને જાય છે. 2009માં, જાપાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે પ્રથમ પાર્ટનર કન્ટ્રી બન્યું અને ત્યારથી માંડીને આજ સુધી જાપાન વાઈબ્રન્ટ સમિટ માટે ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી છે. જેટ્રો પણ 2009માં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન (ભાગીદાર સંસ્થા) તરીકે જોડાઈ હતી અને ત્યારથી જ તે જાપાનના મેન્યુફેક્ચરર્સને ગુજરાતમાં વ્યવસાયની તકો શોધવા અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ રોડ શૉ બાદ 16 સંભવિત રોકાણકારો સાથે વન-ટુ-વન મીટિંગ કરવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં તેમની કામગીરી વિસ્તારવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. આ મીટિંગોએ શાર્પ, નિકોન, મારુબેની, મિત્સુઈ, ડાઈ ચી લાઈફ હોલ્ડિંગ્સ અને સુઝુકી જેવી જાણીતી સંસ્થાઓના વરિષ્ઠ મેનેજમેન્ટ પ્રતિનિધિઓને ગુજરાત સરકાર સાથે સંભવિત સહયોગ અને રોકાણો વિશે રચનાત્મક ચર્ચાઓ કરવા માટે એક અનન્ય તક પૂરી પાડી હતી.

વધુમાં, આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનમાં ગુજરાત સરકાર સાથે સંભવિત પાર્ટનરશીપ માટે શ્રી વિજય નેહરાએ અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય (METI) અને સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ એન્ડ મટિરિયલ્સ ઇન્ટરનેશનલ (SEMI) સંસ્થા સાથે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાતમાં 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી દ્વિવાર્ષિક વૈશ્વિક બિઝનેસ સમિટ છે. તે રોકાણની તકો, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે વ્યવસાયો અને સરકારો માટે પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વાઈબ્રન્ટ ગુજરાત વિશે વધુ માહિતી માટે અથવા આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વિશે અપડેટ માટે કૃપા કરીને www.vibrantgujarat.com ની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: