Breaking News

Default Placeholder

અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકોના સંયુક્ત
ઉપક્રમે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાટર્સ
ખાતે ‘MAY WE HELP YOU’ થીમ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
લોક દરબારનો વિષય વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત રાખવામાં આવ્યો હતો.


આ લોક દરબારમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ શહેરના ઝોન વાઇસ
બનાવેલા વિવિધ ક્લસ્ટરોની પણ મુલાકાત લીધી હતી.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આજે અમદાવાદ પોલીસ
દ્વારા અમદાવાદ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે અમદાવાદ શહેરના નાગરિકો માટે લોક દરબારનું
આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબાર એટલા માટે વિશેષ છે કે, અહી ફરિયાદીની
ફરિયાદ સાંભળીને ત્વરિત નિર્ણય લઈને તેમને ન્યાય અપાવવાની કામગીરી અમદાવાદ શહેર
પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યભરના સામાન્ય નાગરિક કે ગરીબ વ્યક્તિ પોતાના ઘરનું
ગુજરાત ચલાવવા માટે કે પછી નાની મોટી તકલીફનો સામનો કરવા અન્ય કોઈ વ્યક્તિ ઉપર
વિશ્વાસ મૂકીને નાની- મોટી રકમ વ્યાજ પર લે છે. આ રકમ ઉપર એ વ્યક્તિ સહન ન કરી શકે

એટલું મોટું વ્યાજ લગાડવામાં આવે છે. એટલું જ નહિ વ્યાજ લેનાર વ્યક્તિ પાસેથી કોરા
સ્ટેમ્પ પેપર ઉપર સાઈન પણ લઈ લેવામાં આવે છે. આ પ્રકારે રાજ્યના સામાન્ય નાગરિક
અને ગરીબો વ્યાજખોરોના દૂષણમાં ફસાઈ જાય છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, ગરીબ કે સામાન્ય વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી
વ્યાજ લઈને ત્યારે એ માત્ર વ્યક્તિગત વ્યાજખોરોના દૂષણમાં નથી ફસાતો પણ તેના સમગ્ર
પરિવારની સામાજિક પરિસ્થિતિ પણ બગડી જતી હોય છે.


શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, સામાન્ય નાગરિક અને ગરીબોને વ્યાજખોરોના દૂષણ
સામે સલામતી આપવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રયાસ આખા રાજ્યભરમાં પણ ચાલી રહ્યો છે. આજના આ લોક દરબારમાં અમદાવાદ
પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજમાં ફસાયેલા લોકોની ફરિયાદ
લઇને ત્વરિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ તમામ બેંકોને સાથે રાખીને રાજ્ય
સરકારની સ્વ નિધિ યોજના, મુદ્રા યોજના, શ્રમ યોજના જેવી તમામ યોજનાઓ દ્વારા લોન
અપાવવાની કામગીરી પણ રાજ્ય સરકારે હાથ ધરી છે.


આ લોક દરબારમાં અનેક ક્લસ્ટરો બનાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ
તેમજ અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને જવાનો દ્વારા ખરેખર
સરાહનીય કામગીરી કરવા બદલ શહેરીજનોએ, વડીલ તેમજ અનેક માતા-પિતાઓએ
આશીર્વાદ આપ્યા છે, એવું ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સરાહનીય કામગીરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવના
નેતૃત્વમાં થઈ રહી છે તે બદલ અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારી અને
જવાનોનો શ્રી હર્ષભાઈ સંઘવીએ આભાર પણ વ્યક્ત કર્યો હતો


ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત
કરતા કહ્યું કે, ગુજરાતમાં આજે લાખો સ્ટ્રીટ વેન્ડર્સ જેમ કે લારીવાળા, નાની મોટી દુકાન
ચલાવતા વેપારીઓ, નાના વ્યવસાયિકોએ પણ લોન મળી રહી છે અને આ બધું વડાપ્રધાન શ્રી
નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં શક્ય બન્યું છે.
આ અવસરે અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, અમદાવાદના તમામ
ઝોનના ડીસીપી, પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જવાનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: