ટીવી ચેનલ ‘ભારત 24’ અને સ્વરોત્સવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો પોલીસ સન્માન
કાર્યક્રમ
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
આજે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે, એનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે
પોલીસ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે
પોલીસે 1000થી વધુ વ્યાજખોરોને જેલમાં ધકેલીને સામાન્ય પ્રજાને વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢ્યા
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘શૂરવીર –
એક શામ ગુજરાત પોલીસ કે નામ’ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત પોલીસના કર્મીઓને તેમની કર્તવ્યપરાયણતા
અને વિશિષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે વર્ષોવર્ષથી અનેક પડકારોનો
સામનો કર્યો છે. આજે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે, એનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે.
ગુજરાત પોલીસ રાજ્યની પ્રજાની સલામતી માટે હરહંમેશ કાર્યરત રહી છે. ટ્રાફિક નિયમન, જાહેર સુરક્ષા,
પેટ્રોલિંગ, ગુન્હાખોરી અટકાવવા સહિત VIP બંદોબસ્ત સહિતના અનેક કામોમાં પોલીસ વિભાગ રાત દિવસ કામ
કરતું હોય છે. ગુજરાત પોલીસને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો તેમનું મનોબળ વધારે છે, એમ તેમણે ઉમેર્યું
હતું.


મંત્રીશ્રીએ ગુજરાત પોલીસની કામગીરી વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે દેશના
યુવાનોને ડ્રગ્સની બદીથી બહાર કાઢવા માટે સ્પેશિયલ ઝૂંબેશ અંતર્ગત ભારત-પાકિસ્તાન સરહદ પર ગોળીઓનો
સામનો કરીને ડ્રગ્સ પકડ્યું છે. ગુજરાત પોલીસે પોતાના સાહસ અને શૌર્યથી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે નાગરિકોને વ્યાજખોરો દ્વારા થતા શોષણમાંથી બહાર લાવવા માટે
પોલીસ વિભાગ દ્વારા વિશેષ કાર્યવાહી કરીને 1000થી વધુ વ્યાજખોરોને જેલમાં ધકેલીને સામાન્ય પ્રજાને
વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢ્યા છે. સામાન્ય પ્રજાના રક્ષણ માટે સતત વ્યસ્ત પોલીસ કર્મચારીઓ ઘણી
વખત પોતાના પારિવારીક અને સામાજિક કાર્યોમાં સહભાગી થઈ શકતા નથી કે તહેવારો ઊજવી શકતા નથી,
આથી આ પ્રકારના કાર્યક્રમો દ્વારા એમની સેવાને મૂલવવી જોઈએ. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે. ગુજરાત પોલીસનાં સારાં
કાર્યોને બિરદાવવાનો અભિગમ અપનાવવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
આ મનોરંજન પ્રસંગમાં ભૂમિ ત્રિવેદી, આરજે આકાશ, નારાયણ ઠાકર, કિંજલ દવે, અંકિત ત્રિવેદી, ઓજસ
રાવલ સહિતના કલાકારોએ પોતાના પરફોર્મન્સ દ્વારા શ્રોતાઓને ડોલાવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, ‘ભારત 24’ના વડા જગદીશ ચંદ્ર, ધારાસભ્ય શ્રી કૌશિક
જૈન, ‘ભારત 24’ અને સ્વરોત્સવ ફાઉન્ડેશનના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.