મહિલાઓને સન્માન માત્ર કોઈ એક દિવસ પૂરતું મર્યાદિત ન રહે અને દૈનિક જીવનમાં
પણ મહિલાઓ સન્માનભેર જીવી શકે, અમદાવાદ શહેરનાં જાહેર સ્થળો પર સુરક્ષિત અને
સલામત હોવાનો અહેસાસ કરી શકે તે માટે અમદાવાદ પોલીસે એક નવતર અભિગમ
અપનાવ્યો છે. ૮ માર્ચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ નિમિત્તે તથા માર્ચ મહિનો મહિલા માસ
તરીકે ઉજવણી કરવામા આવે છે. આના અનુસંધાને મહિલાઓ સાથે બનતા ગુનાઓ
અટકાવવા તથા મહિલાઓને જરૂરી સુરક્ષા આપવા તથા મહિલાઓ સાથે કેવા બનાવો બને છે?

તથા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કેવી મુશ્કેલીઓ પડે છે? જાહેર સ્થળો પર મહિલાઓ કેટલું સુરક્ષિત
અનુભવે છે? તે પ્રત્યક્ષ રીતે જાણવા માટે અમદાવાદ શહેર ઝોન ૧ DCP ડૉ. લવીના સિન્હાના
માર્ગદર્શનમાં મહિલા પોલીસ અધિકારી તથા શી ટીમના મહિલા કર્મચારીઓએ AMTS તથા
BRTS તેમજ અમદાવાદ મેટ્રો સેવામાં સિવિલ ડ્રેસમાં એક સામાન્ય મુસાફરની જેમ મુસાફરી
કરી હતી. મહિલાઓની છેડતી, દુર્વ્યવહાર અને ચોરી જેવી ઘટનાઓ અટકાવવા માટે આ
સમગ્ર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્લાનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા DCP ઝોન ૧, શ્રી લવીના સિન્હાએ જણાવ્યું હતું કે,
મહિલાઓ માત્ર પરિવાર નહીં સમાજનો પણ આધારસ્તંભ છે, તેમને સલામત હોવાનો અહેસાસ
કરાવવો એ પોલીસની પ્રાથમિકતા છે. અભ્યાસ, નોકરી, વ્યવસાય સાથે જોડાયેલી હજારો
મહિલાઓ દરરોજ પરિવહન માટે AMTS તથા BRTS તથા Metro સેવાનો ઉપયોગ કરે છે.
ભૂતકાળમાં થયેલા છેડતીના બનાવોની વિગતોને ધ્યાનમાં રાખતા નિરીક્ષણ માટે કુલ ૩
ટીમની રચના કરવામાં આવી હતી.

ટીમ નંબર-૧માં
ડૉ. લવિના સિન્હા DCP ઝોન-૧, મહિલા P.S.I. ભાદરકા તથા ઝોન-૧ કચેરી તથા નવરંગપુરા
શી ટીમના કર્મચારીઓએ AMTSમાં મુસાફરી કરી હતી.
ટીમ નંબર-૨માં
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના મહિલા P.S.I વણઝારા તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના શી
ટીમના કર્મચારીઓએ Metroમાં મુસાફરી કરી હતી.
ટીમ નંબર-૩માં
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના મહિલા A.S.I ભાવીશાબેન તથા શી ટીમના કર્મચારીઓએ BRTSમાં
સામાન્ય નાગરિકોની જેમ મુસાફરી કરી હતી.
આ ત્રણેય ટીમોએ મહિલાઓને મુસાફરીમાં ક્યા પ્રકારની મુશ્કેલી પડે છે તે જાણવા
પ્રયત્ન કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં મહિલા સુરક્ષા માટે ક્યા પ્રકારના પગલાંની જરૂર
છે તે જાણવા અવલોકન કર્યું હતું. આમ, અમદાવાદ ઝોન ૧ના પોલીસકર્મીઓની આ પહેલને
શહેરીજનોએ પણ આવકારી હતી તેમજ તમામ પોલીસ મથકો દ્વારા આવી અનુકરણીય પહેલ
કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.