- સિનિયર સિટીઝન્સ માટે અમલી “શ્રવણ તીર્થ યોજના”ના સૌથી વધુ લાભાર્થીઓ : ૧ લાખ ૩૨ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો
- રાજ્ય સરકારે વડીલ શ્રદ્ધાળુઓને રૂ. ૧૪ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી
ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં ૧,૩૨,૯૨૮ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૭થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. ૭૫૭ લાખની સહાય પ્રદાન કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૧,૩૬,૩૩૫ શ્રદ્ધાળુઓએ લીધો છે અને આ માટે રાજય સરકારે રૂ.1464.90 લાખ એટલે કે રૂ.14 કરોડ 64 લાખ 90 હજારની સહાય શ્રદ્ધાળુઓને આપી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજનાની જેમ અન્ય યોજનાઓ પણ ચાલી રહી છે. જેમાં “કૈલાશ માન સરોવર યોજના” અને “સિંધુ દર્શન યોજના” મહત્વની છે. આ યોજનાઓમાં કૈલાશ માન સરોવર યોજના સૌથી જૂની છે. આ યોજના ૨૦૦૧થી અમલમાં છે, જ્યારે સિંધુ દર્શન યોજનાનો શુભારંભ ૨૦૧૭માં થયો.
વર્ષ ૨૦૦૧થી શરુ થયેલી કૈલાશ માન સરોવર યાત્રાનો લાભ ૨,૫૬૧ શ્રદ્ધાળુઓએ લીધો છે. આ યાત્રા માટે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓને રૂ. ૫૮૧ લાખની સહાય ચૂકવી છે. તેવી જ રીતે વર્ષ 2017થી ચાલતી સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓની સંખ્યા જૂન-2023 સુધી 846 એ પહોંચી છે કે જેમને રાજ્ય સરકારે રૂ. 126.9 લાખની સહાય પૂરી પાડી છે.
ભારતના ભાલ સમાન લેહ-લદાખમાં યોજાતા સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વએ યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. અહીં શ્રદ્ધાળુઓ સિંધુ સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે. આ યોજના હેઠળ વર્ષમાં ૩૦૦ પ્રવાસીઓને સહાય મળે છે. લાભાર્થી દીઠ રૂ. ૧૫ હજારની સહાય કરવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધે, તો ડ્રૉ સિસ્ટમથી ૩૦૦ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.


આમ, ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના
શ્રવણ તીર્થ દર્શન યોજના તા.1 મે, 2017થી અમલી બની છે.
કોણ લાભ લઈ શકે ? – રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ-યાત્રા કરી શકે છે.
યોજનાનો લાભ કોને અને કેટલો મળે ? – યોજનાનો લાભ લેવા માટે એક જૂથમાં ઓછામાં ઓછા 27 યાત્રીઓ હોવા જરૂરી છે. યાત્રાનો સમયગાળો મહત્તમ 3 દિવસ-3 રાત્રિ રાખી શકાય છે. યોજના હેઠળ જૂથ યાત્રીઓને રાજ્ય વાહન-વ્યવહાર (એસટી) નિમગની સુપર નૉન-એસી બસ, મિની નૉન-એસી બસ, સ્લીપર કોચ કે ખાનગી બસની યાત્રાના ખર્ચની 75 ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજનના રૂ. 50 તથા રહેવાના રૂ. 50; એમ કુલ રૂ. 100 અને મહત્તમ રૂ. 300 આપવામાં આવે છે.

કૈલાશ માન સરોવર યોજના
આ યોજનાનો અમલ – વર્ષ 2001થી થયો છે.
યોજનાનો લાભ કોને, કેટલો ? – કેન્દ્ર સરકાર દ્વારા કૈલાશ માન સરોવર યાત્રા માટે પસંદગી કરાયેલ ગુજરાતના યાત્રિઓને યાત્રાથી પરત ફર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. 23000ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે