ઘરેલુ હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે તથા તેમને ન્યાય સુનિશ્ચિત થાય તેવો આ સેમિનારનો પ્રયત્ન
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા વર્ષમાં ચાર વખત આ પ્રકારના જાગૃતિ ફેલાવતા સેમિનારનું કરવામાં
આવે છે આયોજન
અમદાવાદના સૈજપુર વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ
વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “ઘરેલુ હિંસાથી
મહિલાઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫” અન્વયે મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં સખી મંડળની બહેનો અને યુ.સી.ડી. વિભાગનો સ્ટાફની બહેનોએ ભાગ લીધો હતો.
આ સેમિનારમાં હાજર મહિલાઓને “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” ના નિયમો અને હેતુથી વાકેફ કરવામાં
આવ્યાં. તેમને હિંસાનો ભોગ બનવાના કારણોથી પરિચિત કરાવવામાં આવ્યા. પરિણીત કે ઘરેલુ સ્ત્રીઓ જ મોટેભાગે
ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. આ હિંસા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે ત્યારે, આ તમામ પ્રકારના
પરિબળોની જાણકારી હાજર મહિલાઓને આપવામાં આવી હતી. જેમ કે, શિક્ષણનો અભાવ, મહિલાના પરિવારમાં
ગરીબીનું વાતાવરણ, સ્ત્રીમાત્રની લાગણી કે તેઓ પોતાનું ઘર તોડી ના શકે કે હિંસા વિરુદ્ધ અવાજ ના ઉઠાવી શકે. આ
સિવાય, સમાજ કે માં-બાપ દ્વારા આપવામાં આવતું સામાજિક કે કૌટુંબિક દબાણ, અપૂરતું શિક્ષણ કે અન્ય કારણોસર
કાયદાકીય જાગૃતિનો અભાવ હોવો એ ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે જવાબદાર પરિબળો છે. શારીરિક જ
નહી, ઘરેલુ મહિલાઓ માનસિક ત્રાસ, જાતીય હિંસા અને આર્થિક હિંસાનો પણ સામનો કરતી હોય છે ત્યારે તેનાથી કેવી
રીતે બચવું અને સજાગ રહેવું તેની માહિતી સેમિનારમાં પૂરી પાડવામાં આવી.
મહિલાઓ આ કાયદા અંતર્ગત કોર્ટમાં ડી.આઇ.આર. (Domestic Incident Report) કરીને ન્યાય માંગી શકે છે.
બધા પ્રકારની હિંસાથી મહિલાઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકે અને આ અધિનિયમ અંતર્ગત તેઓ કેવી રીતે
કાયદાકીય કે અન્ય સહાય મેળવી શકે તેની માહિતી હાજર મહિલા લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી. અમદાવાદ
જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના પ્રયાસરૂપે મહિલાઓને ન્યાય સુનિશ્ચિત થાય અને મહિલાઓ જાગૃત થાય તે
જ આ સેમિનારનો મૂળ હેતુ હતો.
આ મહિલાલક્ષી કાયદાકીય સેમિનારમાં હાજર મહિલાઓએ દહેજ પ્રતિબંધક અધિકારી સાથે સંવાદ કરીને તેમની
પાસેથી જાણકારી લેવાના પ્રયત્નો કર્યા હતાં. “પારિવારિક હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત નિમાયેલા રક્ષણ અધિકારી,
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સેવા આપનાર કાયદા અંતર્ગત જાહેર કરાયેલી સંસ્થા, વર્ગ-૧ મેજિસ્ટ્રેટ અથવા
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાઓ સીધી ફરિયાદ કરી શકે છે, અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ
અધિકારીની કચેરીમાં જઈને સીધી ફરિયાદ નોંધાવી શકે છે તેમ આ સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું. આ કાયદો દરેક
મહિલાને શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે અને પારિવારિક હિંસાથી રક્ષણ મેળવવાની તક આપે છે. ઉલ્લેખનીય છે
કે, અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી વર્ષમાં ચાર વાર આ પ્રકારના સેમિનારનું આયોજન
કરે છે.
ઉપરોકત સેમિનારમાં સૈજપુર કુબેરનગર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી શ્રેયકુમાર સોની, દહેજ પ્રતિબંધક
અધિકારી શ્રી વૃત્તિકાબેન વેગડા, ફિલ્ડ ઓફીસર જીતેશભાઇ સોલંકી, યુ.સી.ડી. વિભાગના શ્રીમતી ટ્વિન્કલબેન પટેલ,
સખી મંડળની બહેનો તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતા.