ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દિપાવલીના પાવન પર્વે ગુજરાત વિદ્યાપીઠ
પહોંચી, સ્વચ્છતા અભિયાન અને મંગલદીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સર્વ કલ્યાણ
ની ભાવના વ્યક્ત કરી હતી અને સૌને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી
હતી.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાનાં આગ્રહી હતા. તેઓ
હંમેશાં કહેતા કે સ્વચ્છતામાં પ્રભુતા નો વાસ હોય છે. આથી જ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત
અને તેઓ જે સંસ્થાના આજીવન કુલપતિ રહ્યા તે ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન
સાથે સૌને દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ ગુજરાત વિદ્યાપીઠ ખાતે દિપાવલીના
પાવન પર્વે વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી સર્વ કલ્યાણની મંગલ શુભકામનાઓ
પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામોદય ક્ષેત્રે થઈ રહેલા કાર્યો અંગે વિદ્યાપીઠના કુલ
નાયક ડો. રાજેન્દ્ર ખીમાણી સાથે રાજ્યપાલશ્રી એ વિચાર વિમર્શ કર્યો હતો. ખાસ કરીને
પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે થઈ રહેલા કાર્યોની માહિતી મેળવી હતી. ગુજરાત
વિદ્યાપીઠ સંચાલિત વિવિધ કેન્દ્રોમાં થઈ રહેલા ગૌપાલન, દેશી બીજના સંરક્ષણ, જળ સંચય
અને શિક્ષણ કાર્યોની પણ તેમણે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે કાર્યકારી કુલ સચિવ શ્રી નિખિલ ભટ્ટ અને ટ્રસ્ટીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત
રહ્યા હતા રાજ્યપાલશ્રીએ સૌને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.