Breaking News

પ્રથમ વિજેતાને 21000 દ્વિતીય વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ અને સર્ટિફિકેટ

અપાશે


અમદાવાદ ઝોનની સ્પર્ધાનું 26 ફેબ્રુઆરી, રવિવારના રોજ અમદાવાદના ખોખરા સ્થિત રમત-ગમત સંકુલ ખાતે આયોજન


અમદાવાદ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના યોગ સાધકો સ્પર્ધામાં ભાગ લેશે

યોગ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ
એવી યોગવિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા લોકોની આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ
મૂક્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી દર વર્ષે વિશ્વના અનેક દેશો હોંશે હોંશે યોગ
દિવસની ઉજવણી કરે છે.
ગુજરાત સરકારે પણ યોગને સર્વવ્યાપી બનાવવા માટે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના 21 જૂન 2019ના
ઠરાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવો, લોકો યોગ પ્રત્યે
જાગૃત થાય, રાજ્યભરમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય, બાળ-યુવા-વડીલ તમામ ઉંમરના લોકો યોગ થકી સ્વસ્થ રહે તેમજ
રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગશિબિરો. યોગ-સંવાદ, યોગ
જાગરણ રેલી તેમજ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ શૃંખલામાં વધુ એક કડી ઉમેરાઈ છે.
સૌપ્રથમવાર રાજ્યકક્ષાએ યોગ સ્પર્ધાનું અનોખું આયોજન હાથ ધરાયું છે. આ સ્પર્ધા થકી વધુમાં વધુ લોકો યોગને પોતાની દૈનિક
જીવન શૈલીનો ભાગ બનાવે તથા યોગક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહિત કરવાનો આ સ્પર્ધાનો હેતુ છે. રાજ્યકક્ષા પહેલા
મહાનગરપાલિકા કક્ષાએ યોગ સ્પર્ધાનું આયોજન છે.
આ યોગ સ્પર્ધામાં 9 થી 85 વર્ષ સુધીના યોગ સાધકો ભાગ લઈ પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ યોગ સ્પર્ધાના
મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય ભાઈઓ તથા બહેનોને પ્રથમ વિજેતાને 21000 દ્વિતીય
વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

અમદાવાદમાં યોજાનારી મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં અમદાવાદ સહિત અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને
બનાસકાંઠા એમ કુલ 4 જિલ્લાના સ્પર્ધકો ભાગ લેશે. જેનું આયોજન તારીખઃ 26 ફેબ્રુઆરી, 2023 રવિવારના રોજ અમદાવાદના
ખોખરા સ્થિત રમત-ગમત સંકુલ ખાતે કરવામાં આવશે. આ સ્પર્ધાના આખરી પરિણામ થકી મહાનગરપાલિકા કક્ષાના વિજેતા
સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે પસંદ કરાશે રાજ્યકક્ષાના યોગસાધકો ?

રાજ્યની કુલ 8 મહાનગરપાલિકામાં યોગ સ્પર્ધા યોજાઈ રહી છે. દરેક મહાનગરપાલિકામાંથી કુલ 6 વિજેતા પસંદ કરવામાં
આવશે જેમાં 3 પુરૂષો અને 3 મહિલા યોગસાધકોની પસંદગી કરાશે. પસંદગી પામેલા કુલ 48 ઉમેદવારોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં
ભાગ લેવા માટે આમંત્રિત કરાશે. રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકો વચ્ચે
રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. આ 48 પૈકી 6 સ્પર્ધકોની અંતિમ પસંદગી રાજ્યકક્ષાના યોગ વિજેતા તરીકે થશે.
આમ યોગ મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાના યોગસ્પર્ધાના આયોજન દ્વારા યોગને સર્વવ્યાપી અને સર્વગ્રાહી
બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post