કેન્દ્રીય પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરી દ્વારા નવી દિલ્હી ખાતે દેશનાં તમામ રાજ્યોના
વાહનવ્યવહાર મંત્રીશ્રી તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
સચિવશ્રી, ગુ.રા.મા.વા.વ્ય. નિગમ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય પરિવહન
મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૩ના રોજ વિજ્ઞાનભવન, નવી દિલ્હી ખાતે તમામ રાજ્ય તેમજ
કેન્દ્ર શાસિત પ્રદેશના વાહન વ્યવહાર મંત્રીશ્રી તથા વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા
બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે (૧) વ્હીકલ ગતિ મર્યાદા (૨) ઓટોમેટિક ફિટનેસ સેન્ટર (૩) રાજ્યમાં ઇલેક્ટ્રિક
બસોની વપરાશ (૪) લર્નિંગ લાઇસન્સની પદ્ધતિ, એમ મુખ્ય ચાર બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તમામ વિષયોની સમીક્ષા દરમ્યાન ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવી
રહેલ કામગીરીની માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા પ્રશંસા કરવામાં આવી તથા ગુજરાત મોડેલનો અભ્યાસ કરી તેને
અન્ય રાજ્યોમાં અમલીકરણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ આ મીટીંગમાં હાજર રહી રાજ્ય
સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની માહિતીથી સર્વેને અવગત કરવામાં આવ્યા હતા.