૩૦થી વધુ સંસ્કૃત સાહિત્યકારોને પુરસ્કાર એનાયત કરતા મંત્રી શ્રી મૂળુભાઈ બેરા
સંસ્કૃત ભાષામાં લિખિત વિવિધ પુસ્તકોનું વિમોચન કરતા મંત્રીશ્રી મૂળુભાઈ બેરા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાનું
રક્ષણ કરવા કટિબદ્ધ: મંત્રી શ્રી મૂળુભાઈ બેરા
સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે: મંત્રી શ્રી મૂળુભાઈ બેરા
ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત ભારતીના સહયોગથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા
સંસ્કૃતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રવાસન અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ શ્રી ભાવપ્રકાશ ગાંધી અને શ્રી પંકજ રાવલ દ્વારા લિખિત
અભિનવસુભાષિતાવલિ, શ્રી આશિષ ઠાકર અને શ્રી ગિરીશ ઠાકર દ્વારા લિખિત શિવોહમ
શિવોહમ અને શ્રી ભાવપ્રકાશ ગાંધી અને શ્રી કિશોર શેલડિયા દ્વારા લિખિત વદન્તુસુભાષિતમ
જેવા સંસ્કૃત પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાના
અવસરે આવા અદભુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખૂબ જ આનંદ અનુભવાય રહ્યો છે. સંસ્કૃત
ભાષા એ આપણી પૌરાણિક ભાષા છે. સંસ્કૃત ભાષાએ ભારત દેશને રામાયણ મહાભારત જેવા
ગ્રંથો આપ્યા છે. આજે આપણે સૌ પરમાત્માની સ્તુતિ પણ સંસ્કૃત ભાષામાં જ કરીએ છીએ.
જેથી સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ
રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવા કટિબદ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાનો
વ્યાપ વધે અને વધુ લોકો સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે તે હેતુથી રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક
સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે.
તેઓ વધુમાં જણાવ્યું હતું કે, અષાઢ માસના પ્રથમ દિવસે તત્કાલીન મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાકવિ કાલિદાસની જન્મ જયંતીની ઉજવણીની
શરૂઆત કરી હતી. અને આજે સંસ્કૃત ભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તે પ્રથાને
યથાવત રાખવામાં આવી છે તેનો ખૂબ જ ગર્વ અનુભવાય છે, તેમ તેઓએ ઉમેર્યું હતું.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા એ આપણા વારસાની જનની છે અને તે
ભાષાનું રક્ષણ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને સંસ્કૃત ભારતી સંસ્થા ઉમદા
કામગીરી કરી રહી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
અંતે તેઓએ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર ૩૦ મહાનુભાવોને પુરસ્કારથી
સન્માનિત કર્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા, સંસ્કૃત ભારતી
અખિલ ભારતીય મહામંત્રી શ્રી સત્યનારાયણ ભટ્ટ, ગુજરાત યુનવર્સિટીના કુલપતિ શ્રી ડો.
હિમાંશુ પંડ્યા , ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ચેતન ત્રિવેદી,
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. લલિત પટેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના
અધ્યક્ષ શ્રી જયશંકર રાવલ, તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આચાર્યો, શિક્ષકો અને
વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.