પહેલા માંગો તો જ મળે એ છબી અમે દૂર કરી વિકાસ માટે નાગરિકોને સામે ચાલીને જન સુવિધાના કામો આપવા એ અમારી સરકારનું કમિટમેન્ટ: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ
**
શ્રી અમિતભાઇ શાહ
¤ ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવું એ વડાપ્રધાનશ્રીનો મંત્ર
¤ વિકાસ કામોને ગ્રામીણ સંસ્કૃતિ સાથે જોડીને વિવિધ યોજનાઓના નિર્માણ થકી સુવિધાઓ પહોંચાડવા દેશભરમાં ગ્રામીણ ઉત્થાનનું અભિયાન અમે ઉપાડ્યું છે
¤ સંપન્ન વ્યક્તિમાં આપવાની ભાવના વિકસે અને ગરીબ છે તેની લઘુતાગ્રંથી દૂર થાય એ મંત્ર સાથે સૌ દેશવાસીઓ સંકલ્પબદ્ધ બને
20-5-2023
આજે ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના અંદાજે રૂ।. ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા મંત્રીશ્રી શાહે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે, જે ખાતમૂહુર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે. જેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. તેમ તેમણે ઉમેર્યું હતું.કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અને ગાંધીનગરના સાંસદશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, દેશવાસીઓને વિકાસ કામો માટે પહેલા માંગવું પડતું હતું એ છબી અમે દૂર કરીને સામે ચાલીને નાગરિકોને જન સુવિધાના કામો આપવા એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કમિટમેન્ટ છે. એ આજે પરિપૂર્ણ થઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, ગુજરાતે આજે વિકાસની હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે છેવાડાના નાગરિક સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવી હતી, આજે ૧૦ વર્ષ પછી પણ આ વ્યવસ્થાના પરિણામે ગુજરાતમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કરોડો રૂપિયાના વિકાસકાર્યો લોકાર્પણ-ખાતમુહુર્ત માટે તૈયાર હોય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે ઉમેર્યું હતું કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારનું પણ ગુજરાતના વિકાસમાં યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા ચાર વર્ષમાં ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં આશરે રૂ. ૧૬,૫૬૦ કરોડ કરતા પણ વધુના વિકાસકાર્યો પૂર્ણ થયા છે. એમાં પણ જો નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે જેવા રાજ્ય કક્ષાના વિકાસકાર્યોને બાદ કરતા પણ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુના વિકાસકામો પૂર્ણ થયા છે અને હજુ પણ કરોડોના કામો પાઈપલાઈનમાં છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે માત્ર ગાંધીનગર મતવિસ્તારમાં જ જો આટલા વિકાસકાર્યો પૂર્ણ થતા હોય તો સમગ્ર ગુજરાતના ૨૬ સંસદીય મતવિસ્તારોમાં વિકાસના કેટલા કામો હાથ ધરવામાં આવતા હશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વર્ષ ૨૦૦૨માં જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારની વાતો વાગોળતા જણાવ્યું હતું કે, તે સમયે સરખેજ મતવિસ્તારના ૨૦ ગામોની રજૂઆતોને ધ્યાને લઇ આ ગામોને વીજળી પૂરી પાડવા માટે ગ્રાન્ટ ફાળવતા મારી ગ્રાન્ટ પૂરી થઇ ગઈ હતી અને આવા તો અનેક ગામો વીજળીથી વંચિત હતા. આ ઘટનાના માત્ર છ મહિનાના સમયગાળામાં જ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના દરેક ગામડાઓને ૨૪ કલાક અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં લાવ્યા હતા. રાજ્યના દરેક નાગરિક સુધી વગર માંગ્યે વીજળીનો અધિકાર શ્રી નરેન્દ્રભાઈએ પૂરો પાડ્યો હતો. જેના કારણે ગામડાનો આર્થિક વિકાસ શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રે આજે પણ ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી બાદ આજે વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્રભાઈ દેશના ગામડાઓને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ભારતના આઝાદીના અમૃત મહોત્સવની પણ જયારે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે પણ તેમણે ગામડાઓના વિકાસને કેન્દ્રમાં રાખીને દરેક ગામમાં એક-એક તળાવને ઊંડું કરવા અને તેને વ્યવસ્થિત કરીને અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યું હતું. આજે દરેક જિલ્લામાં જનભાગીદારીથી આવા ૭૫ જેટલા અમૃત સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્યમાં જળસંચય અને જળ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે, તેના પરિણામે પાણીના જમીની સ્ત્રોત ઊંચા આવ્યા છે અને જમીનમાં ક્લોરાઈડનું પ્રમાણ ઘટતા નાગરીકો વધુ સ્વસ્થ બન્યા છે.
તેમણે બોરીજ ખાતે રમકડા બેન્કના શુભારંભનો ઉલ્લેખ કરી સંપન્ન વ્યક્તિમાં આપવાની ભાવના વિકસે અને ગરીબ છે તેની લઘુતા ગ્રંથી દૂર થાય એ મંત્ર સાથે સંકલ્પબદ્ધ બનવા અહવાન કરતા કહ્યું હતું કે, ગરીબ બાળકના જીવનમાં કટુતા દૂર થાય અને સંપન્ન થવાનો આનંદ મળે તે માટે આપણે સૌએ કડીરૂપ ભૂમિકા નિભાવી છે. આગામી સમયમાં આ અભિયાન ગાંધીનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભામાં હાથ ધરવામાં આવશે, તેમાં તેઓ પોતે પણ સહભાગી થશે તેવી તત્પરતા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જયારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ગાંધીનગર (ઉ) ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર (દ)ના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે. સી.પટેલ, સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી રુચિર ભટ્ટ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પૂર્વ ધારસભ્ય શ્રી શંભુજી ઠાકોર સહિત કોર્પોરેટરશ્રીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.