3-8
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યુનિસેફની સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર શ્રી સંજય વિજેસેકરા, યુનિસેફના કન્ટ્રી હેડ શ્રીમતિ સિંથીયા અને ડેલીગેશને આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાજ્યમાં વોટર, સેનિટેશન અને ન્યુટ્રીશનના ક્ષેત્રમાં યુનિસેફના સહયોગથી વધુ સકારાત્મક પરિણામો લાવવા અંગે ચર્ચા-વિમર્શ કરાયો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય, શિક્ષણ, સમાજ સુરક્ષા, ચાઈલ્ડ કેર વગેરે ક્ષેત્રે રાજ્યને યુનિસેફનો વધુ સહયોગ મળી રહે તે માટે તેમજ અન્ય રાજ્યોમાં યુનિસેફ દ્વારા આ પ્રોજેક્ટમાં જે બેસ્ટ પ્રેક્ટિસીસ હોય તેનું શેરિંગ રાજ્ય સરકાર સાથે શેર કરવા સૂચવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ડ્રેનેજ, વોટર રિસાયકલિંગમાં યુનિસેફ પાસે કોઈ સ્કીમ કે તે અંગેના પ્રોજેક્ટ કાર્યરત હોય તો તે સંદર્ભે ગુજરાતને મદદરૂપ થાય તેવો અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તથા પોષણ સુધા યોજનાના અમલીકરણને લગભગ એક વર્ષ થયું છે. આથી આ યોજનાઓના પરિણામો-અસરો અંગે યુનિસેફ અભ્યાસ કરે એવી ઇચ્છા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના સંવર્ધન માટે મિશન લાઈફનો ખ્યાલ સમગ્ર વિશ્વને આપ્યો છે. આ મિશન લાઈફ માટે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે માટે યુનિસેફ IEC કરે તેવું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઍસ્પિરેશનલ તાલુકાઓમાં યુનિસેફના સપોર્ટથી સારા ઇન્ડિકેટર માટે કાર્ય કરી હકારાત્મક પરિણામ લાવવાના મુદ્દે ચર્ચાઓ કરી હતી.
ગુજરાત હેલ્થ, એજ્યુકેશન, ન્યુટ્રિશન સહિતના દરેક ક્ષેત્રે નંબર વન બની રહે તેના માટે યુનિસેફ કેવી રીતે સહયોગ કરી શકે તે બાબતે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.
યુનિસેફ ડેલિગેશનની આ મુલાકાત વેળાએ મહિલા અને બાળ વિકાસ કમિશનર વ સચિવ શ્રી કે. કે. નિરાલા તથા યુનિસેફ, ગાંધીનગરના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.