રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના સાલિયા ધામ, કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :
આજે ગુજરાતના ૭.૭૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આવનાર બે વર્ષમાં ગુજરાતની ભૂમિને ઝેરમુક્ત બનાવીશું.
પ્રતિ મહિને ૩.૩૦ લાખ લોકોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં ૨૮,૦૫૫ એકર વિસ્તારમાં કુલ ૪૧,૬૭૯ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે.
દેશી ગાય આધારિત નિભાવ યોજના અંતર્ગત દાહોદમાં ૧૫,૨૨૧ ખેડૂતોને નાણાકીય સહાયનો લાભ અપાયો
પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે પ્રત્યેક તાલુકા અને જિલ્લા કક્ષાએ વેચાણ-માર્કેટની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે દાહોદ જિલ્લાના સાલિયા ધામ, કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં શ્રીમદ્ બ્રહ્મનિરૂપણ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
દાહોદ ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે.
રાજ્યપાલશ્રીએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે, જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવામાં નહીં આવે, તો આગામી ૪૦ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવે છે.
તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી થાય છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૭.૭૫ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રતિ મહિને ૩.૩૦ લાખ લોકોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવામાં આવે છે. ગુજરાતની ભૂમિને આવનાર બે વર્ષમાં ઝેરમુક્ત બનાવીશું. રાજ્યપાલશ્રીએ કહ્યુ કે,પ્રાકૃતિક પેદાશોને વેચવા પ્રત્યેક તાલુકા અને જિલ્લા લેવલે વેચાણ માર્કેટની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
આ અવસરે પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂતો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમણે પોતાના અનુભવો વ્યકત કર્યા હતા.
દાહોદ જિલ્લામાં કુલ ૨ લાખ, ૧૫ હજાર હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે મકાઈ, સોયાબીન, ચણા, ઘઉં જેવા પાકોની ખેતી કરવામાં આવે છે.સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આવક અને ઉત્પાદન બમણું કરવા અંગે એક અભિયાન ચાલી રહ્યુ છે, ત્યારે જિલ્લા ખેતીવાડી અને આત્મા કચેરી, દાહોદ દ્વારા પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વિવિધ શિબિરોનું સતત આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં ૨૮,૦૫૫ એકર વિસ્તારમાં કુલ ૪૧,૬૭૯ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સરકારની દેશી ગાય નિભાવ યોજના અંતર્ગત દાહોદમાં ૧૫,૨૨૧ ખેડૂતોને નાણાકીય સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
કબીર આશ્રમ,સાલિયા ખાતે અત્યારે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ આશ્રમ ખાતે ગૌશાળા તથા આરોગ્ય ધામ થકી નિ:શુલ્ક શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે તથા પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ગાય આધારિત ખાતર બનાવવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દેવગઢ બારીયા એ.પી.એમ.સી ચેરમેનશ્રી ભરતભાઈ ભરવાડ, પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના સંયોજક શ્રી પ્રફુલ્લભાઈ સેજલિયા,આત્મા નિયામકશ્રી પી.એસ.રબારી, કબીર આશ્રમના મહંતશ્રી ઋષિકેશદાસજી, મહંતશ્રી રોહિતદાસજી તથા પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત સૌ લોકોએ પ્રાકૃતિક ખેતી અંગે ટૂંકી ફિલ્મ નિહાળી હતી. કબીર આશ્રમના મહંતશ્રી ઋષિકેશદાસજીએ સ્વાગત તથા કાર્યક્રમના અંતે મહંતશ્રી કમલકિશોર દાસજીએ આભારવિધિ કરી હતી.