દુર્ગમ રણ અને ક્રીક જેવા વિષમ વિસ્તારમાં કાયમી માળખાકીય સુવિધાઓ વિકસાવી સરકાર દેશની સરહદી સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે – કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ
૦૦૦૦
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ મૂરિંગ પ્લેસના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો
૦૦૦૦
બીસીએફના ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડ અને ૧૧૬૪ ઓપી ટાવરનું ઈ- લોકાર્પણ કરતા કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ
ભુજ, શનિવાર :
આજરોજ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કોટેશ્વર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોટેશ્વર મૂરિંગ પ્લેસના ભૂમિપૂજન અને ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડનો ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, ૧૧૬૪ બીઓપી ખાતે નવનિર્મિત અત્યાધુનિક ઓપી ટાવરનું ઈ-લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે વૃક્ષારોપણ કરીને કોટેશ્વર ખાતે નવનિર્મિત થનારા મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહીને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને બિરદાવીને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
આજના કાર્યક્રમને રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો કાર્યક્રમ ગણાવીને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કોટેશ્વર ખાતેથી બોર્ડર સિક્યોરિટી ફોર્સની માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ત્રણ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. કોટેશ્વર ખાતે રૂ. ૨૫૭ કરોડના ખર્ચે મૂરિંગ પ્લેસના નિર્માણથી બોર્ડર સિક્યોરિટી ફોર્સની દરિયાઈ પાંખને નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે. રૂ.૩ કરોડના ખર્ચે અત્યાધુનિક ઓપી ટાવરના નિર્માણથી હરામી નાળા સહિતના આંતરરાષ્ટ્રીય બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોમાંથી જવાનો ચોક્સાઈથી નિરીક્ષણ કરી શકાશે. વધુમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિષમ પરિસ્થિતિમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને સીમાની સુરક્ષા કરવાની કામગીરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે રૂ.૧૦૦ કરોડથી વધારે ખર્ચથી ચીડીયા મોડ- બીઆર બેટ લિંક રોડ તૈયાર થઈ ગયો હોવાથી વધારે સુગમતાથી જવાનો પેટ્રોલીંગ, સામાનની હેરફેર અને સીમા સુરક્ષાને લગતી મહત્વની કામગીરી કરી શકશે. દુર્ગમ રણ અને ક્રીક જેવા વિષમ વિસ્તારમાં કાયમી માળખાકીય સુવિધાઓ વિકસાવી સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
મંચ પરથી કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોનો જુસ્સો વધારતા કહ્યું કે, વિષમ પરિસ્થિતિમાં જવાનો દેશની રક્ષા કરે છે તેની દરકાર સરકાર કરી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દેશની સીમા પર સુરક્ષાની કામગીરી વધારે સક્ષમતાથી કરી શકે તે માટે જરૂરી પ્રાવધાન કરીને બજેટની ફાળવણી કરવા શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સની કામગીરીને બિરદાવીને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યું કે, બીએસએફ આજે જળ, જમીન અને આકાશ એમ ત્રણેય જગ્યાએ હાજર રહીને દેશને સુરક્ષિત રાખવાની મહત્વની જવાબદારી નિભાવી રહ્યું છે. દુર્ગમ રણ હોય, ખીણ હોય, પહાડો હોય કે પછી ક્રીક હોય કોઈપણ જગ્યાએ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ વિષમ ભૌગોલિક પરિસ્થિતિને જોઈ નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની આંખ ફક્ત દુશ્મન ઉપર જ હોય છે.
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનો દરેક નાગરિક વીર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને નમન કરી રહ્યો છે. દેશના નાગરિકોને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો કેવી વિષમ પરિસ્થિતિમાં સરહદી સુરક્ષાની કામગીરી કરે છે તેની જાણકારી મળે એ હેતુથી નડાબેટ ખાતે પ્રદર્શની બનાવવામાં આવી છે. દેશની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તેનું ધ્યાન સરકાર રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોટેશ્વર મૂરિંગ પ્લેસના નિર્માણથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના આંતરરાષ્ટ્રીય બોર્ડર સર્વેક્ષણ હેતુ ઉપયોગમાં લેવામાં આવતી વેસલ-જહાજોનો યોગ્ય રીતે રખરખાવ કરી શકશે. આ ઉપરાંત, કોટેશ્વર મૂરિંગ પ્લેસ ખાતે જેટીનું નિર્માણ, રહેણાંક આવાસો, ઓપરેશન એરિયા, કેન્ટીન, બોટ રિપેરિંગ વર્કશોપ, હેલિપેડ, બાઉન્ડ્રી વોલ સહિતની મરીન માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેની મદદથી બોર્ડર સિક્યોરિટી જવાનો કુશળતાથી સીમાનું રક્ષણ કરી શકશે. ૧૧૬૪ ઓપી ટાવર ખાતે અત્યાધુનિક સર્વેલન્સ કેમેરા, ૮-૧૦ જવાનોની રહેવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. કચ્છની ધરતી ઉપર કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીને આવકાર આપીને સ્વાગત પ્રવચન કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડીજી નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, આ નવી સુવિધાઓ સાથે જવાનો ખૂબ ચોકસાઈપૂર્વક સરહદની સુરક્ષા કરી શકશે. જવાનોની ચિંતા કરીને વિવિધ માળખાકીય સુવિધાઓની ભેટ આપવા બદલ શ્રી અગ્રવાલે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વિશેષ નિર્દેશક શ્રી પી.વી. રામશાસ્ત્રી, કેન્દ્રિય ગૃહસચિવશ્રી અજયકુમાર ભલ્લા, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા, પ્રાંત અધિકારીશ્રી ડૉ. મેહુલ બરાસરા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, બીએસએફ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.