Breaking News

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી
સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા તેમજ બંને રાજ્યો વચ્ચેના ઐતિહાસિક
અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
છે.
આજે તા.૧૯મી માર્ચના રોજ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા, શ્રી અનુરાગ ઠાકુર, ડૉ.
એલ.મુરુગ્ગન તેમજ ગુજરાતના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની

પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોગો, થીમ સોંગ અને રજીસ્ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું
અનાવરણ કરવામાં આવ્યું હતું.


કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમને “સોમસુંદરેશ્વર મહાદેવનો સોમનાથ
મહાદેવ સાથેનો સંગમ” ગણાવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ૧૦ દિવસ દરમિયાન બંને રાજ્યો
વચ્ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્કૃતિનું જે આદાન-પ્રદાન થશે, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “એક ભારત શ્રેષ્ઠ
ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ
અને સૌથી મોટું પુનઃમિલન હશે, જે આ બંને રાજ્યોના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના બનશે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ સૌને સાંસ્કૃતિક આદાન-પ્રદાન
કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કર્યો છે, ખાસ કરીને એવા રાજ્યો વચ્ચે જે ભૌગોલિક રીતે અલગ હોય
પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા હોય. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે
કલા, ખાણી-પીણી, સાહિત્ય અને રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની આપ-લે માટે પ્રદર્શનો, મીટીંગો, ચર્ચાઓ
અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના તાત્કાલિત મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાનશ્રીએ એક દાયકા પહેલા વર્ષ ૨૦૦૫માં શરુ કરેલી પહેલ આજે સાચા અર્થમાં પરિપૂર્ણ થવા જઈ
રહી છે. ગુજરાત અને તમિલનાડુ રાજ્યના યુવાનો માટે આ કાર્યક્રમમાં સહભાગી થઇ બંને રાજ્યના ઈતિહાસ,
સંસ્કૃતિ અને અમૂલ્ય વારસા સાથે પરિચિત થવાની એક સોનેરી તક છે.
ગુજરાત તરફથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા મંત્રીશ્રીઓએ આ તકે સૌને “સૌરાષ્ટ્ર તમિલ સંગમ”માં
જોડવા માટે અને ગુજરાતમાં પધારવા માટે આવકાર્યા હતા. તમિલનાડુમાં વસતા લગભગ ૧૨ લાખ જેટલા
સૌરાષ્ટ્રીયન લોકોને આવકારવા માટે તા.૧૯, ૨૫ અને ૨૬ માર્ચના રોજ ચેન્નાઈ, મદુરાઈ, દીંડીગુલ, પરમકુડુ,
સાલેમ, કુમ્બાકોનમ, થન્જાવુંર અને ત્રીચીમાં રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન ગુજરાતના મંત્રીઓ સૌરાષ્ટ્રીયન
તમિલ લોકોને ગુજરાત આવવા આમંત્રણ પાઠવવા જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે. આ ઉપરાંત દ્વારકા,
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર, રાજકોટ અને પોરબંદર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post