Breaking News

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત


કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ :-

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજનીતિના શુદ્ધિકરણ સાથે રમત ગમત ક્ષેત્રનું સુદૃઢીકરણ કરી રહ્યા છે
  • અમદાવાદમાં રૂ. 4600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં આગામી 36મી ઓલિમ્પિલ રમાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી વર્તમાન સરકાર ‘ડ્રીમથી ડિલિવરી’ સુધીની જવાબદારી લેવાવાળી સરકાર છે.

જોડાશે ગાંધીનગર, જીતશે ગાંધીનગર’ થીમ હેઠળ કરાયું આયોજન


સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર લોકસભાની સાતેય વિધાનસભા વિસ્તારોમાં સાંસદ ખેલ ફૂદ સ્પર્ધાની શરૂઆત થશે. ‘ખેલો ગાંધીનગર’ અંતર્ગત ગાંધીનગર લોકસભાના દોઢ લાખથી વધુ યુવાનો આ સ્પર્ધામાં ભાગ લેશે, એવું તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધાના માધ્યમથી અનેક યુવાનો પોતાના વિકાસ સાથે આ વિસ્તાર અને દેશનું નામ પણ રોશન કરી શકશે.

સાંસદ જન મહોત્સવ અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભાના 42,000 જેટલા યુવાનો ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને મનોરંજન માટે પ્રવાસનું પણ આયોજન કરાશે. લાભાર્થી પર્વના માધ્યમથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ કરાશે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ સંસદ સભ્યોને પોતાના મતક્ષેત્રમાં ખેલ કૂદ સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમત ગમત ક્ષેત્રના વિકાસ માટે તથા યુવાનો માટે અનેક કાર્ય કર્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજનીતિનું શુદ્ધિકરણ કરી રહ્યા છે અને રમત ગમત ક્ષેત્રનું સુદૃઢીકરણ કરી રહ્યા છે.

રમત ગમત ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા કાર્ય વિશે વાત કરતાં શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રમતગમત ક્ષેત્રનું રૂ.2.50 કરોડનું બજેટ હતું અને હમણાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રમતગમત ક્ષેત્રનું બજેટ રૂ.293 કરોડે પહોંચ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર ખેલાડીઓ માટે શક્તિદુત યોજના લાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ગૃહમંત્રીશ્રીએ કહ્યું હતું કે, જિલ્લા સ્તરીય ખેલ વિદ્યાલય યોજના લાવી 22 જિલ્લામાં ખેલ પરિષદ બનાવવાનું કાર્ય સરકારે કર્યું છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદમાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો વિશે શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, રૂ.4600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં 2036નો ઓલિમ્પિક યોજાશે. આ ઉપરાંત રૂ.600 કરોડના ખર્ચે નારણપુરામાં દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થશે.

આજે ગુજરાતનું નામ પણ રમતગમત ક્ષેત્રે ઝળકી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા બદલાવને કારણે આજે દેશના ખેલાડીઓ આગામી ઓલોમ્પિકમાં ભાગ લેશે.


આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોને વિકાસની રાજનીતિની અનુભૂતિ કરાવી છે. તેમણે હંમેશાં છેવાડાના લોકોની ચિંતા કરી છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશને સશકત અને નીડર નેતૃત્વનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 370 કલમ રદ કરીને શ્રી અમિતભાઈ શાહે તેમની આગવી કુનેહનો પરિચય આપ્યો છે, તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની કુશળતા વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, તેમણે દેશહિતમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. તાજેતરમાં અંગ્રેજોના સમયના કાયદા બદલી વિકસિત ભારતની દિશામાં યોગદાન આપ્યું છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સતત તેમના લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યોની માહિતી લેતા હોય છે. આ ઉપરાંત તેમની ગુજરાત મુલાકાત વખતે કરોડોના વિકાસકામોની ભેટ આપતા હોય છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી વર્તમાન સરકાર ‘ડ્રીમથી ડિલિવરી’ સુધીની જવાબદારી લેવાવાળી સરકાર છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને પોતાની ખેલ પ્રતિભા ઝળકાવવાનું પ્લેટફોર્મ મળશે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને જનભાગીદારી થકી સાકાર કરીશું, તેવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા અધ્યક્ષશ્રી તથા મહાનગરના અધ્યક્ષશ્રી, ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post