Breaking News

ગુજરાત યુરોલોજી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ
*
-: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ :-

  • એન્ડ્રો યુરોલોજીનું આ છઠું સંમેલનનું નોલેજ, એક્સપિરિયન્સ અને રિસર્ચ બાબતે ભારત અને સમગ્ર વિશ્વ માટે ફળદાયી નીવડશે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હોલિસ્ટિક અપ્રોચ સાથે દેશભરના નાગરિકોની ચિંતા કરી અને સફળતા મેળવી
  • દેશના 60 કરોડ લોકોને પાંચ લાખ સુધીની નિશુલ્ક સ્વાસ્થ્યની સેવાઓ આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપવામાં આવી
  • આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં દેશના 37 કરોડથી વધુ લોકોના હેલ્થ આઈડી તૈયાર કરાયાં
    **

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@2047ની સંકલ્પના સાકાર કરવા માટે સ્વસ્થ ભારત પર વિશેષ ભાર મૂક્યો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

**
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

  • ‘વન નેશન, વન ડાયાલિસિસ’ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરનાર એક માત્ર રાજ્ય ગુજરાત છે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં યુરોલોજીના ક્ષેત્રમાં આવેલા એડવાન્સમેન્ટની સમગ્ર વિશ્વએ પ્રશંસા કરી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરાયું હતું. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સના પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે, એન્ડોયુરોલોજીનું આ છઠું સંમેલન આરોગ્ય ક્ષેત્રને લઈને આવનારા સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. આ સંમેલન એક પ્રકારનું અનોખું સંમેલન છે કેમકે આ સંમેલનનું નોલેજ, એક્સપિરિયન્સ અને રિસર્ચ ભારત અને સમગ્ર વિશ્વ માટે ફળદાયી નીવડશે. અગાઉનાં સંમેલનના પણ ખૂબ સારાં પરિણામો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રાપ્ત થયાં છે, જેના આપણે સૌ સાક્ષી રહ્યાં છીએ. ભારતે સમગ્ર વિશ્વમાં યુરોલોજી ક્ષેત્રમાં રિસર્ચ, સર્જરી અને ડાયકોલોજીસ્ટમાં ખૂબ મોટી સિદ્ધિ પણ હાંસલ કરી છે અને ગુજરાત યુરોલોજી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.

શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે હોલિસ્ટિક અપ્રોચ સાથે આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાની લહેર હતી ત્યારે તમામ વ્યક્તિને બચાવવા આ સરકારે તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોવિડને જ્યારે ડિઝાસ્ટર ઘોષિત કર્યો ત્યારે આપણી પાસે ન તો કોઈ વેક્સિન હતી, ન તો કોઈ રિસર્ચ હતું. લાલ બહાદુર શાસ્ત્રી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એવા નેતા તરીકે સામે આવ્યા જેઓએ 140 કરોડ જનતાને સાથે રાખીને કોવિડ સામે લડાઈ લડી અને આખરે સફળતા મેળવી. આ કોવિડની લડાઈમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ડોક્ટર, નર્સ અને ટેકનોલોજીનો ખૂબ સહયોગ મળ્યો હતો.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન માત્ર 121 દિવસમાં 1500 થી વધુ ઓક્સિજન ટેન્ક ઊભી કરી દેવામાં આવી હતી. 900 એક્સપ્રેસ ટ્રેન ચલાવીને ઓક્સિજન સમગ્ર દેશમાં પૂરો પાડવામાં આવ્યો હતો. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌએ સાથે મળીને કોવિડની લડાઈને સફળતાપૂર્વક પાર પાડી હતી, એવું તેમણે ઉમેર્યું હતું.

મોર્ડન મેડિકલ સાયન્સની ટેકનોલોજીએ આરોગ્યની સુવિધામાં ખૂબ વધારો કર્યો છે, એમ જણાવી શ્રી અમિતભાઈએ કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલનાર સ્વચ્છતા અભિયાનને લીધે દેશના નાગરિકોના આરોગ્યમાં સૌથી મોટો સુધારો આવ્યો છે. અત્યાર સુધીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ૧૦ કરોડથી વધારે શૌચાલયો તૈયાર થયા છે. આ સાથે ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા જેવા અભિયાન અને યોગ જેવા કાર્યક્રમો લોકોના સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આયુષ્માન ભારત યોજના અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, દેશના 60 કરોડ લોકોને પાંચ લાખ સુધીની નિશુલ્ક સ્વાસ્થ્યની સેવાઓ આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે. એટલું જ જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી જેનેરીક દવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી ડાયાલિસિસ કાર્યક્રમ દેશના નાગરિકો માટે એક આશીર્વાદરૂપ બન્યો છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં દેશના 37 કરોડથી વધુ લોકોના હેલ્થ આઈડી તૈયાર કરી લેવામાં આવ્યાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ હોલિસ્ટિક અપ્રોચ સાથે દેશભરના નાગરિકોની ચિંતા કરી છે અને આવનારા દિવસોમાં આરોગ્ય સુવિધા વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, એમ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દર 2 વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવી હતી, તે જ રીતે વિશ્વભરના યુરોલોજીસ્ટ્સ પ્રશિક્ષિત કરવા માટે અને પ્રતિષ્ઠિત ફેકલ્ટીને એક મંચ પર લાવવાના હેતુથી યોજાતી આ કોન્ફરન્સ પણ દર 2 વર્ષે યોજાય છે. લાઇવ ઓપરેશન, વર્કશોપ અને યુરોટેકનોલોજીમાં જાણકારીમાં વધારો કરવા અંગે આજે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાઇ રહી છે, તે ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હોલિસ્ટિક હેલ્થ કેરની નવી પ્રણાલિ વિકસાવી છે. કિડની, મૂત્રપિંડ જેવા ગંભીર રોગોની સમસ્યા માટે યુરોલોજીસ્ટ અને યુરોલોજી સેક્ટરની ભૂમિકા દેવદૂત સમાન છે. આજે ભારતીય યુરોલોજી આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જરી, ક્લિનિકલ અને રિસર્ચના યુરોલોજી ક્ષેત્રમાં અદભુત યોગદાન આપી રહી છે તથા ભારતીય યુરોલોજીસ્ટ્સ અમેરિકા તથા યુરોપ જેવા દેશોમાં કરવામાં આવતી સારવાર જેવી જ સારવાર આપણા દેશમાં ઓછા ખર્ચે આપી રહ્યા છે તેનું ગૌરવ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં યુરોલોજીના ક્ષેત્રમાં આવેલા એડવાન્સમેન્ટની સમગ્ર વિશ્વએ પ્રશંસા કરી છે. સમગ્ર ભારતભરના દર્દીઓની ખૂબ જ ઝીણવટભરી અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની ડાયાલિસિસ સારવાર દરેક દર્દીઓને મળી રહે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે, તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું
ગુજરાત સરકારે ડોકટરોની કામગીરી માટે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું છે, એમ જણાવી મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દરેક જિલ્લામાં કેન્સરના દર્દીઓની કીમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે ‘વન નેશન વન ડાયાલિસિસ’ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરનારું એક માત્ર રાજ્ય ગુજરાત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓ મળીને 272 ઈનહાઉસ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શરૂ કરેલી ટેલીમેડીસિન અને ટેલિમોનીટરીંગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયાથી દરેક દર્દી પોતાના જિલ્લામાં ડાયાલિસિસ અને કિડની રોગ અંગે કન્સલ્ટિંગ મેળવી શકે છે. રાજ્યમાં જિલ્લા તાલુકામાં અલગ અલગ ડાયાલિસિસ સેન્ટરોમાં 1270 જેટલા મશીનો આપવામાં આવ્યા છે.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયાસોથી ગુજરાત સરકારે અદ્યતન સાધન સામગ્રીથી સુસજજ 10 માળની કિડની હોસ્પિટલ ઊભી કરી છે. આ હોસ્પિટલ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારી ભારતની સૌ પ્રથમ અને SOTTO અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટ કરનારી સૌથી પહેલી સરકારી હોસ્પિટલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @2047 ની સંકલ્પના સાકાર કરવા માટે સ્વસ્થ ભારત પર વિશેષ ભાર મૂક્યો છે.
આ પ્રસંગે શ્રી ડો. સંજય કુલકર્ણી, અમદાવાદ યુરોલોજી એસોસિએશનના પ્રમુખ શ્રી ડો.કંદર્પ પરીખ, સેક્રેટરી શ્રી ડો. સુરેશ ઠકકર, ડો. કેવલ પટેલ, ડો. રોહિત જોશી તથા ગુજરાત યુરોલોજીના શ્રી ડો.શૈલેષ શાહ, સેક્રેટરી શ્રી ડો. પ્રજ્ઞેશ પટેલ સહિત શહેરના જાણીતા અને નિષ્ણાંત યુરોલોજીસ્ટ્સ અને મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: