પાયલટ પ્રોજેક્ટ હેઠળ ત્રણ મહિનાના સક્રિય અભિયાન થકી ખેડા જિલ્લાના ત્રણ તાલુકાઓના 150 બાળકોના ગંભીર કુપોષણની સ્થિતિમાં સુધાર
*
પાયલટ પ્રોજેક્ટની સફળતાના પગલે કુપોષણ મુક્ત ખેડા ઝુંબેશનું જિલ્લાના વધુ 10 તાલુકાઓના 500 બાળકો સુધી વિસ્તરણ
ગાંધીનગર, 01 જાન્યુઆરી, 2024: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘કુપોષણ મુક્ત ગુજરાત મહા-અભિયાન’ (KMGA) કાર્યક્રમને આગળ વધારી રહ્યું છે, જેનો ઉદ્દેશ સમગ્ર રાજ્યમાં સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન (SAM) એટલે કે ગંભીર કુપોષણ ધરાવતા બાળકોની સારવાર કરવાનો છે.

કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન હેઠળ, કુપોષણ સામે બદલાવ અને પરિવર્તનનો એક અનોખો કેસ સ્ટડી ખેડા જિલ્લાનો છે, જ્યાં બાળકો ગંભીર કુપોષણના શિકાર હતા. વર્ષ 2019-20ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, જિલ્લાના 0-5 વર્ષની વયના 30.9% બાળકો તેમની ઊંચાઇની સાપેક્ષે ઓછું વજન ધરાવતા હતા અને 12.1% બાળકો ગંભીર કુપોષણથી પીડાતા હતા. આ મુશ્કેલીને લડત આપવા માટે, ખેડા જિલ્લા વહીવટીતંત્રએ ગુજરાત સરકારના સહયોગથી ‘કુપોષણ મુક્ત ખેડા અભિયાન’ શરૂ કર્યું. આ એક પાયલટ પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ ગળતેશ્વર, મહુધા અને ઠાસરા તાલુકામાં કુપોષણ સામે લડવાનો છે. આ પ્રોજેક્ટમાં આ ત્રણેય તાલુકાઓમાં ગંભીર રીતે કુપોષિત 150 બાળકો અને ગંભીર જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ મહિના સુધી નીચે મુજબની સક્રિય પહેલો અમલમાં મૂકવામાં આવી હતી:
- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમ દ્વારા પ્રાથમિક સ્ક્રીનિંગ:
ઓગસ્ટથી સપ્ટેમ્બર 2023 દરમિયાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની 35 ટીમો દ્વારા સમગ્ર ખેડા જિલ્લાની આંગણવાડીઓના 0 થી 6 વર્ષની ઉંમરના તમામ રજિસ્ટર્ડ બાળકોનું પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
- CMTC એડમિશન્સ:
નિર્ધારિત માપદંડો અનુસાર આઇડેન્ટિફાય થયેલા બાળકોને બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (ચાઇલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર- CMTC) દ્વારા 14 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું વજન વધ્યું છે તે સુન્શ્ચિત કરવા માટે દર પખવાડિયે તેમની તપાસ કરવામાં આવી હતી.
- ત્રીજીવારનું ભોજન આપવાની પહેલ:
બાળકોમાં પ્રોટીન ઊર્જાના કુપોષણને દૂર કરવાના આ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે, ત્રણ તાલુકાઓમાં સ્થાનિક દાતાઓના સહયોગથી આંગણવાડીઓમાં ત્રીજીવારનું ભોજન આપવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. બાળકોને દરરોજ વૈવિધ્યસભર ભોજન આપવામાં આવે છે, જેમાં હૈદરાબાદ મિક્સ, બાજરા ની રાબ, ટેક હોમ રાશનમાંથી બનાવેલા લાડુ, દૂધ, ફળો, સુખડી, શીરો, મગસનો સમાવેશ થાય છે. આમ, બાળકોને પ્રોટીનયુક્ત અને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે.
- આશા (ASHA) અને આંગણવાડી કાર્યકરો દ્વારા દૈનિક હોમ વિઝિટ:
આશા અને આંગણવાડી કાર્યકરોએ ગંભીર રીતે કુપોષિત (SAM) બાળકો અને ગંભીર જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓના ઘરોની દૈનિક મુલાકાત લીધી હતી અને તૈયાર કરેલી ચેકલિસ્ટના આધારે તેમના પોષણ અને આરોગ્યની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. અમુક ચોક્કસ વસ્તુઓ સાથે ઘરમાં બનાવવામાં આવેલ તાજા ખોરાકનો કેટલો વપરાશ થાય છે, તેના પર દેખરેખ રાખવા માટે પહેલેથી બનાવવામાં આવેલ ચેકલિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં, આ મુલાકાતો દરમિયાન ગંભીર રીતે કુપોષિત બાળકોને મલ્ટિ વિટામિન્સ અને આયર્ન સિરપ પણ આપવામાં આવ્યા હતા.
- RBSK ટીમ દ્વારા ફોલો-અપ સ્ક્રીનિંગ:
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ની ટીમોએ દર પખવાડિયે ત્રણેય તાલુકાઓના તમામ 150 બાળકોનું ફોલો-અપ સ્ક્રીનિંગ હાથ ધર્યું હતું અને તેમની કુપોષણની સ્થિતિનું રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કર્યું હતું.
- ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ અને સાપ્તાહિક સમીક્ષા:
ખેડાના પ્રતિબદ્ધ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જમીની કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા દર 10 દિવસે સમગ્ર કામગીરીની નિયમિત સમીક્ષા કરવામાં આવી હતી.
- સ્વ-સહાય જૂથની રચના અને સરકારી યોજનાના લાભ:
નેશનલ લાઇવલીહૂડ મિશન (NLM) શાખાએ સ્વ-સહાય જૂથોની (SHGs) રચના કરીને આર્થિક અને આજીવિકા માટેના સહયોગને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વધુમાં, આરોગ્ય વિભાગે આઇડેન્ટુિફાય કરેલા પરિવારોને PMJAY કાર્ડ (પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ) બનાવવામાં, નિક્ષય પોષણ યોજનાના લાભો મેળવવામાં અને PMVVY (પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના)ના લાભો લાયક વ્યક્તિઓ માટે સુરક્ષિત રાખવામાં મદદ કરી છે. આ ઉપરાંત, ત્રણ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓએ અંત્યોદય અન્ન યોજનાના અમલીકરણને વેગ આપ્યો, રાશન કાર્ડ જારી કર્યા અને ત્રીજીવારના ભોજનની સ્પોન્સરશિપ માટે સ્થાનિક દાતાઓ સાથે સહયોગ કર્યો.
150 બાળકોના પ્રારંભિક જૂથમાંથી 8 બાળકો 2 મહિનામાં અન્ય જિલ્લાઓમાં સ્થળાંતરિત થયા. બાકીના 142 બાળકોનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2 મહિનાના અંતે, 142 બાળકો પૈકી:
- 127 બાળકોનું વજન ખૂબ સારી વધ્યું અને ગંભીર રીતે કુપોષિત બાળકો (SAM) આ ગંભીર પરિસ્થિતિમાંથી સામાન્ય શ્રેણીમાં આવી ગયા.
- બાકીના 15 બાળકોનું પણ વજન વધ્યું હતું અને તેઓ ગંભીરથી મધ્યમ કુપોષણ શ્રેણીમાં આવી ગયા હતા.
આવા સમર્પિત પ્રયાસો બાળકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના અતૂટ સમર્થનને કારણે શક્ય બન્યા છે. પાયલટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે ‘કુપોષણ મુક્ત ખેડા’ ઝુંબેશનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જેનો અમલ જિલ્લાના 10 તાલુકાઓમાં 500 ગંભીર રીતે કુપોષિત (SAM) બાળકો સુધી કરવામાં આવ્યો છે. ઉપરાંત, અમૂલ લિ. દરેક બાળક માટે પોષણ કીટ સપ્લાય કરીને અને ગામડાઓમાં સ્થાનિક દૂધ મંડળીઓમાંથી દૂધની જોગવાઈની સુવિધા આપીને પ્રોજેક્ટમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે. તેની અસર પસંદ કરાયેલા 150 થી વધુ આંગણવાડી કેન્દ્રોને થઈ રહી છે. ટીમવર્ક દ્વારા સામાજિક પહેલ માટેની કામગીરીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.