જી ૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ યોગ સેશનમાં જી – ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. સૂર્યોદય સાથે યોગ સેશનની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રતિનિધિઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય બન્યા હતા.