Breaking News

ગુજરાતની ઓળખ સમા ‘ગરબા’ની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે આવેલી આ ગૌરવની ક્ષણની ઉજવણીના ભાગરૂપે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના સંયુક્ત ઉપક્રમે તા.7 ડિસેમ્બરે સ્પે.ગરબા યોજાયા હતા. આ પ્રસંગે ગરબા પ્રેમી ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમી સ્પે.ગરબાના આયોજનને સફળ બનાવ્યું હતું.


ર્માં જગતજનની જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના નવ દિવસોમાં ગરબાની પરંપરા દ્વારા માતાજીની ભક્તિ-આરાધના કરવામાં આવે છે. આદ્યશક્તિની ભક્તિના પ્રતિક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સમયમાં પણ જીવંત અને યથાવત્ રહી છે. આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષે નવરાત્રિ પર્વે ગરબાના આયોજન સાથે ગુજરાતની આ પરંપરાને વધુને વધુ ગાઢ બનાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ગરબાની વિરાસતને આ મહત્ત્વ મળ્યું છે. એટલું જ નહીં ગુજરાતના ગરબાને વિશ્વ સમક્ષ લઇ જવાના વડાપ્રધાન દ્વારા થતા પ્રયાસોથી ભારતીય અને ગુજરાતી સમુદાય ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.


UNESCO દ્વારા ગુજરાતની ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરાતાં તેની ઉજવણીનું આયોજન એટલાન્ટાની ગોકુલધામ હવેલી ખાતે કરાયું હતું. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યિલ ગરબા યોજાયા હતા. આ પ્રસંગે કોન્સલ જનરલ
એલ.રમેશ બાબુ, ડેપ્યુટી કોન્સલ જનરલ મદનકુમાર ગિલ્ડીયાલ, ગોકુલધામના ચેરમેન અશોક પટેલ,એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસો.ના પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલ અને કોન્સલ ઓફિસર રાજીબ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.


સ્પે.ગરબાની શરૂઆત થતાં એટલાન્ટામાં વસવાટ કરતા ગરબા પ્રેમી ખેલૈયાઓ સતત બે કલાક સુધી ગરબે ઘૂમી ગરબાનો આનંદ લૂંટ્યો હતો. ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતાં તેની ખુશીની અભિવ્યક્તિ ગરબા ખેલૈયાઓ અવનવી સ્ટાઇલના ગરબા રમીને કરી હતી. ગરબામાં અબાલવૃદ્ધ સૌ કોઇ ખેલૈયાઓ જોડાયા હતા. સ્પે.ગરબામાં ભાગ લેવા આવેલા સૌ કોઇ ખેલૈયાઓ માટે ગોકુલધામ તરફથી રાત્રિ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: