Breaking News

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

18 ચંદ્રક સહિત 96 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ એગ્રિ બિઝનેસની પદવી એનાયત કરાઈ

સહકારી ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે : કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રીશ્રી બી.એલ. વર્મા

ગ્રામીણ અને પંચાયત સ્તરે સહકારી ક્ષેત્રની પેક્સ-પ્રાયમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીની રચનાનું કાર્ય પ્રગતિમાં : પ્રથમ તબક્કામાં 63 હજાર પેક્સને સહકારી ડેટાબેઝના આધારે નાબાર્ડ સાથે લિંક કરાઈ
દેશમાં એગ્રિ માર્કેટિંગ સાથે યુવાનોને જોડવામાં ઉદયભાણસિંહજી ક્ષેત્રીય પ્રબંધન સંસ્થાન જેવી સંસ્થાઓનું પ્રદાન મહત્ત્વનું : કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રીશ્રી
**
ગુજરાતનું કો-ઑપરેટિવ મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી: શ્રી દિલીપભાઈ સંઘાણી

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકારી પ્રબંધન સંસ્થાનના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રીશ્રી બી.એલ. વર્માએ જણાવ્યું કે ગુજરાત એ સહકાર આંદોલનનો પર્યાય છે. આ તકે સંસ્થામાંથી એગ્રિકલ્ચરલ માર્કેટિંગની ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને સફળ કરિયરની શુભેચ્છાઓ પાઠવી, તેઓ દેશના કૃષિ અને સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવાના નવા માપદંડો સ્થાપિત કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે દેશના વિશાળ સહકારી ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સહકાર એક સામાજિક વ્યવસ્થા છે, જેનો હેતુ સમાજની દરેક વ્યક્તિને આર્થિક વિકાસ સાથે જોડવાનો છે. આ સહકારક્ષેત્રમાં રહેલી વિકાસ સંભાવનાઓને પારખીને આજથી બે વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સહકારથી સમૃદ્ધિ’ની પરિકલ્પના કરી, સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમજ વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે.

સહકારી ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે. આજે દેશના આશરે 29 કરોડ જેટલા સભ્યો પ્રત્યક્ષ રીતે 8 લાખ જેટલી સહકારી સમિતિઓ સાથે જોડાયેલા છે. દેશના સહકારક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવા માટે ગ્રામીણ અને પંચાયત સ્તરે પેક્સની રચના કરવામાં આવી રહી છે તેમજ પારદર્શકતા લાવવા માટે આવી પેક્સનો રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલ આવી 63,000 જેટલી પેક્સ/લેમ્પ્સને રાષ્ટ્રીય સ્તરે આ ડેટાબેઝની મદદથી નાબાર્ડ સાથે લિંક કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં પંચાયત અને ગ્રામીણસ્તરે પેક્સની રચના, ડેરી, મત્સ્ય સહકારી સમિતિ સહિત બે લાખ જેટલી નવી સમિતિઓની રચના કરવાનું આયોજન છે.


તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો ખાદ્યાન્ન ઉત્પાદક દેશ છે, ત્યારે દેશના ખેડૂતોએ પકવેલું અનાજ પડ્યું ન રહે અને વેડફાઈ નહીં, તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા અન્ન ભંડારણ યોજના અમલી કરવામાં આવી છે. દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા પેક્સ દ્વારા નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના પણ કરવામાં આવશે. આ માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ(NCDC) દ્વારા સહકારક્ષેત્રે નવા 1100 જેટલાં એફપીઓ બનાવવાનું આયોજન પણ છે. જેના થકી લગભગ 13 કરોડ જેટલા ખેડૂતોને જોડવામાં આવશે.
આ જ પ્રકારે દેશના પ્રત્યેક નાગરિકને વાજબી ભાવે દવાઓ મળી રહે એ માટે શરૂ કરવામાં આવેલા જનઔષધિ કેન્દ્રો પણ પેક્સ અંતર્ગત શરૂ કરવામાં આવી રહ્યા છે તેમજ ભવિષ્યમાં આ સંખ્યા વધારવામાં આવનાર છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાની બહુરાજ્ય સહકારી બીજ, નિકાસ તેમજ ઑર્ગેનિક સમિતિઓની પણ રચના કરવામાં આવી રહી છે.
તેમણે દેશમાં કુશળ અને વ્યાવસાયિક શ્રમશક્તિની જરૂરિયાત દર્શાવતાં યુવાનોને એગ્રિ માર્કેટિંગ માટે નવી દિશા આપવા બદલ ઉદયભાણસિંહજી ક્ષેત્રીય પ્રબંધન સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે ઉપસ્થિત નેશનલ કો-ઑપરેટિવ યુનિયનના અધ્યક્ષ તેમજ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે દેશની આઝાદીનાં 75મા વર્ષના પ્રારંભે અમૃત મહોત્સવની ઉજવણીના અનુસંધાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીયસ્તરે અલગ સહકારીતા મંત્રાલય શરૂ કરવાની જાહેરાત કરી હતી. ‘સહકારથી સમૃદ્ધિ’ના તેમના સ્વપ્નને દેશના સૌ પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સુપેરે સાર્થક કરી બતાવ્યો છે. આ વિભાગની રચના બાદ કો-ઓપરેટીવ ક્ષેત્રની પ્રગતિ વધુ તેજ બની છે. ગુજરાતનું કો-ઓપરેટીવ મોડલ આખા દેશ માટે પ્રેરણાદાયી છે. આ માટે તેમણે મહાત્મા ગાંધીની સર્વોદય અને સરદાર પટેલની સહકારી ચળવળને આધારભૂત ગણાવી હતી.
તેમણે મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનને યાદ કરતાં કહ્યું હતું કે એ આંદોલનથી સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ત્યારે આજે WTOની મદદથી 3000થી પણ વધુ વિદેશી કંપનીઓ ભારતમાં વેપાર કરવા આવી રહી છે. જેના કારણે સ્વદેશી વસ્તુઓની માગ વધવાની સાથે લોકોને રોજગારી પણ મળી રહેશે. તેમણે ઉમેર્યું કે આજે ભારત સમગ્ર વિશ્વમાં સહકારક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. આજે વિશ્વની 300 મહત્ત્વની સહકારી સંસ્થાઓમાંથી ચાર ભારતની છે.
એનસીસીટીના સચિવ શ્રી મોહનકુમાર મિશ્રાએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે આજે તેઓ વર્ષોની સખત મહેનતની પરાકાષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે. દેશના સહકારીક્ષેત્રમાં રહેલી વિપુલ તકો તરફ અંગૂલી નિર્દેશ કરતાં તેમણે કહ્યું કે ભારત સરકારે બે વર્ષ પહેલાં નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરી એક સ્વપ્નદૃષ્ટા પહેલ ‘સહકાર સે સમૃદ્ધિ’ની શરૂઆત કરી છે. આ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભારત વિઝન-2047 છે. આગામી બે દાયકા માટે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસનો રોડમેપ રજૂ કર્યો છે. જેમાં દરેક નાગરિક સમાન હોય સાથે જ વિકાસની તકો અને રાષ્ટ્રના વિકાસમાં પણ સરખો ફાળો હોય તેના પર ભાર મૂકાયો છે. આ દિશામાં દેશને આગળ વધારવા માટે સહકાર ક્ષેત્રનું મહત્ત્વનું યોગદાન બની રહેશે.
ઉદયભાણસિંહજી ક્ષેત્રીય પ્રબંધન સંસ્થામાંથી વર્ષ 2016 થી 2023 દરમિયાન પીજીડીએમ-એગ્રી બિઝનેસનો અભ્યાસ કરનારા કુલ 203 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે આ સાથે કુલ 96 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટાર શ્રી અજય પ્રકાશ, સંસ્થાના ડાયરેક્ટર શ્રી એ.કે. અસ્થાના, વિવિધ ફેકલ્ટીઝ તથા પદવી મેળવનારા વિદ્યાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post