વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી રૂ.8034
કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાથી વ્યથિત
બનેલા વડાપ્રધાનશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા રોડ શો અને
સ્વાગત સહિતના કાર્યક્રમો રદ કરી પ્રજા કલ્યાણના વિકાસ કામોનું સાદગીપૂર્ણ રીતે ખાતમૂર્હત
કર્યુ હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે શોકમાં ડૂબેલુ છે. દેશવાસીઓ
પણ ખૂબ દુઃખી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના પરિવારજનો, સ્વજનો, નાના ભૂલકાં
ગુમાવ્યા છે એ પિડીત પરિવારજનો સાથે આપણી સૌની સંવેદનાઓ છે. મા અંબાની ધરતી
પરથી લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, રાહત અને બચાવ કામમાં કોઈ કસર રાખવામાં
નહિ આવે. ભૂપેન્દ્રભાઇ અને એમની સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ રાહત બચાવમાં
જોડાયેલા છે. પ્રધાનમંત્રીશ્રીએ ભાવુકતા સાથે કહ્યું કે, પોતે દુવિધામાં હતા કે, થરાદ જવું કે
નહીં પરંતુ લોક કલ્યાણના કામો હોઈ અને સેવાધર્મના સંસ્કારોથી બંધાયેલા હોઈ મન મજબૂત
કરીને આવ્યો છું.
થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણી કેટલું મહત્વનું છે એમ જણાવતા
વડાપ્રધાનશ્રીએ જળ પ્રકલ્પના આ 8000 કરોડના વિકાસકામોથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લા
અને 1000 કરતા વધારે ગામોમાં 2 લાખ હેકટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો
લાભ મળવાનો છે. ગુજરાતની ખમીરવંતી પ્રજા મુસીબતોનો સામનો કરી પરસેવો પાડી
પરિણામ મેળવવાનો પ્રયત્ન કરે છે, બનાસકાંઠા જિલ્લો એનું જીવંત સાક્ષી છે એમ ઉમેરી ખેતી,
પશુપાલન, ડેરી, બાગાયત, સિંચાઇ સહિતની વિવિધ યોજનાથી બનાસકાંઠાનો વિકાસ થઈ
રહ્યો હોવાનું જણાવી ખેડૂતોને સમૃદ્ધ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું ઉમેર્યુ
હતું. “કિસાન સન્માન નિધિ” “વનધન યોજના” ખેડૂતોને બેન્ક લોન સહિતની યોજનાઓથી
ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એમ જણાવી
ખાતરના ભાવોની અસમાનતાથી મૂંઝવણમાં રહેતા ખેડૂતોની મૂંઝવણના અંત માટે તેમજ
ખેડૂતોનો પાક પીળો ન પડી જાય એ માટે હવેથી ફર્ટિલાઈઝર ભારત ના નામે આપવામાં
આવશે અને ખાતરની જે બોરી 2000 રૂપિયાથી વધુ કિંમતની છે એ 260 રૂપિયામાં ખેડૂતોને
આપવામાં આવશે એમ કહ્યું હતું. બનાસકાંઠા પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે દૂધની સાથે
સાથે પશુઓના ગોબરમાંથી પણ ખેડૂતો પશુપાલકો કમાઈ કરી શકે એ માટે “ગોબર ધન”
યોજના અમલી બનાવવામાં આવશે એમ જણાવી સાત્વિક ખાતર અને પ્રાકૃતિક ખેતી પર ભાર
મુકવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શનથી સરહદના ગામોને કેવી રીતે જીવંત કરી
શકાય એનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.” વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ” યોજનાથી આવા
ગામોને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લવાસીઓને ભુજના” શહીદ
સ્મૃતિ વન”ની એકવાર મુલાકાત કરી ભૂકંપમાં માર્યા ગયેલા શહીદો પરિવારજનોને સાંત્વના
પાઠવવા સંવેદના સાથે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાત પ્રત્યે વિશેષ સંવેદના હોવાનું જણાવવાની સાથે
બનાસકાંઠાને વંદન કરવાનું મન થાય છે એમ જણાવી ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈમાં
બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે જેનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા વિકાસની નવી ગાથા લખી રહ્યું છે એમ જણાવતાં જિલ્લાના ઊંચાઈવાળા
ભૌગોલિક વિસ્તાર એવા વાવ, સૂઇગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં માં નર્મદા મૈયાના નીર
પહોંચાડવામાં આવશે, મુક્તેશ્વર ડેમ અને કરમાવત જેવા તળાવો ભરવામાં આવશે જેથી આ
વિસ્તારોની પાણીની સમસ્યા કાયમી દૂર થશે એવું ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું.
પહેલાં ગુજરાતમાં સાઇકલ પણ બનતી ન હતી હવે વિમાન બને છે, ગુજરાતના
વિકાસને રોકાવા ન દેતા એમ જણાવતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ, સૌનો
વિકાસ અને સૌના પ્રયાસ થકી ભારતના વિકાસ માટે ગુજરાતને વિકસીત કરવા આહવાન કર્યું
હતું.
પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરદાર
વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે કોંગ્રેસે અખબારોમાં જાહેરાત આપે છે પણ સરદાર
સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ
જોડવાનું કામ કરજો એમ જણાવતાં ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન કયારેય સહન
નહિ કરે એમ જણાવી સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને
વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે
જણાવ્યું કે, આજે વડાપ્રધાનશ્રીએ ૮૦૦૦ કરોડથી વધુ રકમની પાણીની યોજનાઓ ભેટ
આપીને ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની દિશામાં સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે
૧૯૯૦ના દાયકામાં ભૂગર્ભ જળ ઉંડા હતા જે આજે ૬ થી ૮ ફૂટ જેટલાં પાણીના તળ ઉંચા
આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં બે દાયકા પહેલાં ૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી હતી આજે
૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનના લીધે આજે રાજ્યમાં ૭૨
લાખ હેક્ટરમાં વિસ્તારમાં સિંચાઇ થાય છે. સૂકા ભઠ્ઠ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છેવાડાના
વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ સરકારે કર્યુ છે. તેમણે કહ્યું કે, આજે
જે પાણી યોજનાઓની ભેટ વડાપ્રધાનશ્રીએ આપી છે તેનાં થકી ગુજરાત આત્મનિર્ભર બનશે
અને આત્મનિર્ભર ગુજરાત થકી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે.
આ પ્રસંગે મધ્યપ્રદેશના ગૃહ મંત્રીશ્રી નરોત્તમ મિશ્રા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
ગજેન્દ્રસિંહ પરમાર, મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી ભરતસિંહ
ડાભી અને શ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી દિલીપભાઇ
ઠાકોર, પૂર્વ મંત્રીશ્રીઓ સર્વશ્રી હરીભાઈ ચૌધરી, શ્રી રજનીકાંતભાઇ પટેલ, શ્રી શંકરભાઈ
ચૌધરી, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી હરજીવનભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ કચોરીયા, અગ્રણીઓશ્રી
નંદાજી ઠાકોર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માનવ
મહેરામણ ઉમટ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦