અંગદાન મેળવવા વધારે સક્રિય થવા રેડ ક્રોસને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
ગુજરાતમાં આ વર્ષમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રયત્નો : જિલ્લાઓમાં સપ્તાહમાં બે દિવસ પ્રાકૃતિક કૃષિ બજાર ભરાય એવું આયોજન કરાશે
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ : શ્રેષ્ઠ સેવાકાર્યો કરનાર શાખાઓનું સન્માન કરાયું
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખપદેથી બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તમામ રોગોનું મૂળ આપણો આહાર છે. ખાદ્યાન્ન, ફળ, શાકભાજીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જે આપણા અન્નમાં ભળે છે. ખોરાકમાં આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. પરિણામે શરીર અનેક રોગોનું ઘર બને છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સમુક્ત ખેતી-પ્રાકૃતિક ખેતી-નેચરલ ફાર્મિંગ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. લોકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જ ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાનો આગ્રહ રાખશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહિત થશે. ગુજરાતમાં અત્યારે ૪ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ વર્ષમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રયત્નો છે.

દરેક જિલ્લાઓમાં અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક બજાર ભરાય; જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જ ખેત પેદાશો વેચાય એવું આયોજન કરાઈ રહ્યું છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોના બજારથી ખરીદનારાઓને બજાર કરતાં ઓછી કિંમતે શુદ્ધ ખેત પેદાશો મળશે જેથી આરોગ્ય સુધરશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારું બજાર મળશે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થશે. આ માટે જનજાગૃતિ કેળવવા તેમણે રેડ ક્રોસના સ્વયંસેવકોને અનુરોધ કર્યો હતો.

માનવસેવા અને લોક કલ્યાણ માટે સદાય સેવારત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અન્યોના દુઃખને પોતાનું દુઃખ માનીને સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છે. આ માટે ગુજરાત રાજ્ય શાખાને અભિનંદન આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં લોકોને સહાયની આવશ્યકતા ન હોય. એવામાં રેડ ક્રોસ અન્યોના દુઃખ-દર્દને પોતાના અનુભવીને સેવા કરે છે. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સેવાકાર્યો કરનાર રેડક્રોસની જિલ્લા અને તાલુકા શાખાઓના પદાધિકારીઓનું તેમણે સન્માન કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જે લોકો સેવા કરે છે એમનું જ આ સમાજમાં સન્માન થાય છે અને એવા સેવાભાવી લોકો જ સાચા અર્થમાં ‘જીવંત’ છે. દીન-દુ:ખિયાની સેવા જ સાચી પ્રભુપૂજા છે. ઈશ્વરને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં શોધવાથી નહીં મળે, જરૂરિયાતમંદ વ્યક્તિની સેવામાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે. જે વ્યક્તિ અન્યના આત્મા સાથે એકાકાર થઈ શકે છે, અન્યના આંસુ પોતાની આંખોથી વહાવી શકે છે, અન્યની પીડા પોતાના હૃદયમાં અનુભવી શકે છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. રેડ ક્રોસના સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોની સાચી સેવા કરીને પુણ્યકર્મ કરી રહ્યા છે. સારા કર્મોનું ફળ પણ સારું જ મળે છે. રેડ ક્રોસ સોસાયટીના સેવાકાર્યો માટે જે દાનવીરો દાન આપે છે એમનો પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, સેવાકાર્યોમાં ધન વપરાય એ જ ધનની પરમ ગતિ છે. પરોપકાર અને ઉમદા સેવાકાર્યોમાં વપરાતું ધન પુણ્ય જન્મમાં પણ પાછું મળે છે.

આ અવસરે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે, આજે ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા માનવતાવાદી સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે, જે આકસ્મિક સંજોગોમાં તત્કાળ મદદરૂપ થશે. આવનારા ટૂંક સમયમાં ૧૧ પેથોલોજી લેબ, ૧૧ ફિજીયોથેરાપી સેન્ટર, ૧૧ જેનરીક દવાઓના સ્ટોર્સ અને ૫ ડેન્ટલ ક્લિનિક પણ શરુ કરવામાં આવશે. અત્યારે ગુજરાતની ૧૨ યુનિવર્સિટીઓ, ૧૬૯ કોલેજો અને ૨૭૮ સ્કૂલોમાં ૧,૦૮,૦૦૦ જેટલા યુવાનો રેડ ક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા છે. મહિલાઓના હિમોગ્લોબીન ટેસ્ટ વિના મૂલ્યે કરાય એ માટેની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે.