સ્વામી શ્રદ્ધાનંદજીએ ભારતમાં બાળકીઓના શિક્ષણ, ગુરુકુળ પ્રણાલીની પુનઃ સ્થાપના તેમજ આઝાદીની લડતમાં ખૂબ મોટું યોગદાન આપ્યું: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી
રાજભવન, 23-12-2023
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાને ઝેર મુક્ત જાહેર કરી ચૂક્યા છીએ; જો ખેડૂતોનો સાથ મળશે તો આવતા બે વર્ષમાં સમગ્ર ગુજરાતને પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઝેર મુક્ત બનાવવા માંગુ છું. રાજ્યપાલશ્રી, સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસ તેમજ કિસાન દિવસના ભાગરૂપે આજે ગાંધીનગરના ઝાંક ગામમાં આર્યન પેટ્રોકેમિકલ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ખેડૂતોની આવક વધે તેમજ લોકોને નિરોગી જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર પર ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે તેઓ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં લગભગ 9 લાખથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટી જાય છે તેવી ચિંતા વ્યક્ત કરતાં ખેડૂતોને આશ્વાસન આપતા રાજ્યપાલશ્રીએ પોતાના જ ખેતરનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં એક એકરમાં ૩૫ ક્વિન્ટલ ડાંગરનો પાક થયો છે જ્યારે ખર્ચ માત્ર રૂ.૨૦૦૦ જેટલો જ થયો છે. જેની સામે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોને એક એકર દીઠ ૨૮ થી ૩૦ ક્વિન્ટલ ડાંગરનો પાક થયો છે જ્યારે ખર્ચ લગભગ રૂ.૧૫ હજાર થયો છે. રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂર પણ ૫૦ ટકા જ પડે છે.


ગ્લોબલ વોર્મિંગે વિશ્વમાં જે દસ્તક દીધી છે તેની પાછળ રાસાયણિક અને જૈવિક ખેતી જવાબદાર હોવાનું કહી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, વૈજ્ઞાનિકોના મત મુજબ ગ્લોબલ વોર્મિંગ પાછળ સૌથી વધુ કાર્બન ડાયોક્સાઈડ ૬૦ ટકા જવાબદાર વાયુ છે. તેનાથી પણ ૨૨ ગણો નુકશાનકારક વાયુ મિથેન છે, જે જૈવિક ખેતી પ્રોસેસ દરમિયાન ઉત્પન્ન થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે, કાર્બન ડાયોક્સાઈડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક વાયુ નાઇટ્રસ ઓક્સાઈડ છે, જે જંતુનાશક યુરિયા અને DAPના ઉપયોગથી થતી ખેતી દરમિયાન વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળીને ધરતી માતાને ઝેર મુક્ત કરવા ઉપરાંત ગ્લોબલ વોર્મિંગનો અસરોથી પણ બચવા સંકલ્પ કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાના તેમજ અન્ય લોકોને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા ખોરાક જ લેવાના શપથ લેવા આહવાન કર્યું હતું. ત્યારે ઉપસ્થિત ખેડૂતોએ હવેથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો.
સ્વામી શ્રદ્ધાનંદના જીવન વિશે જણાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે માંસ મદિરાનું સેવન કરનાર બેરિસ્ટર મુંશીરામ સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશથી સ્વામી શ્રદ્ધાનંદ બની ગયા હતા. તેમણે બાળકીઓને શિક્ષણ આપવા માટે સમાજના વિરોધ વચ્ચે જલંધરમાં ચાર પુત્રીઓ સાથે પ્રથમ પુત્રી પાઠશાળા શરૂ કરી હતી. જે આજે કન્યા મહાવિદ્યાલય, જલંધરના નામે ઓળખાય છે અને તેમાં દર વર્ષે ૫૦૦૦ બાળકીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુલામી કાળમાં ગુરૂકુળ પરંપરા લગભગ ખતમ થઈ ગઈ હતી. સ્વામી શ્રદ્ધાનંદજીએ ૧૯૦૨ માં ગુરૂકુળ કાંગડીની સ્થાપના કરીને ભારતમાં ગુરૂકુળ પરંપરાની પુનઃ સ્થાપના કરી. આ ગુરુકુળોએ ભારતને અનેક ક્રાંતિકારીઓ, પત્રકારો, સમાજશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આપ્યા છે.
સ્વામી શ્રદ્ધાનંદજીએ પોતાના અંતિમ જીવનમાં દેશની આઝાદી માટે આપેલા યોગદાનની યાદ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ તેમણે અમૃતસરમાં ક્રોંગ્રેસનું અધિવેશન બોલાવીને પોતાની વીરતાનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત યુવાનોને જીવનમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવા અપીલ કરી હતી.