Breaking News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા કરાયું આયોજન

સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ફેરિયાઓના પરિજનોને મળ્યા, સાથે ભોજન પણ માણ્યું


-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી વિવિધ સરકારી યોજનાઓના લાભ મળવાપાત્ર લોકોને ઘર બેઠા જ મળી રહેશે તે પ્રકારનું આયોજન

23-11

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ દ્વારા મનોરંજનની વિવિધ કૃતિઓ રજૂ કરાઈ આ ઉપરાંત ફેરિયાઓના બાળકો દ્વારા સુંદર નૃત્ય પણ રજૂ કરાયું હતું.

આ પ્રસંગે પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ કે જેમના જીવનમાં આ યોજના થકી બદલાવ આવ્યો હોય તેઓએ સ્ટેજ પર પોતાનો સકારાત્મક પ્રતિભાવ આપી સરકારશ્રીનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષ નિમિતે શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન એ પરિવારજનો સાથે ઉજવાય તે આપણી સંસ્કૃતિ રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાનામાં નાનો માણસ આર્થિક રીતે પગભર બને તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ફેરિયાઓ અને લારી ગલ્લા ધારકોને બેંકમાંથી લોન લેવી મુશ્કેલ અને બહારથી વ્યાજે પૈસા લેવા પણ અતિ મુશ્કેલ કામ હોય છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના લાવ્યા અને લાભ અપાવ્યો.
આત્મનિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત અનેક ફેરિયાઓ, લારી ગલ્લા ધારકોને કોઈપણ ગેરંટી વગર લોન આપી એવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ડિજિટલ ભારતની વાત કરી ત્યારે સૌ કોઈને એવું થતું હતું કે તકલીફ પડશે પરંતુ આજે શાકભાજી વાળા, લારી ગલ્લા ધારકો અને તમામ નાના વેપારીઓને ત્યાં ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી વેપાર થઈ રહ્યા છે. આજે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ભારત કરી રહ્યું છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે આવનારા વર્ષોમાં આપણું ભારત વિકસિત ભારત બને માટે તેમણે નવા વર્ષે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરી. આ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભ લોકોને ઘર બેઠા મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવારોને નૂતન વર્ષે મળવાનું અનોખું આયોજન આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કરાયું છે.
તેમણે કહ્યું કે, દેશમાં સૌ પ્રથમ આ પ્રકારનું આયોજન અમદાવાદમાં થઇ રહ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ દેશના તમામ શેરી ફેરિયાઓની ચિંતા કરી અને પી.એમ. સ્વનિધિ યોજના દ્વારા અનેક ફેરિયાઓને લાભ અપાવ્યો.

ફેરિયાઓના પરિવારનો સ્નેહ મિલન સમારંભનું અનોખું આયોજન કરાયું તે બદલ હું સૌ વતી આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પી.એમ. સ્વનિધિ યોજનામાં બેંકોનો પણ સહયોગ હોવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ બેંકોના પ્રતિનિધિઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા.

આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના થકી પોતાના જીવનમાં આર્થિક ઉન્નતિ પામેલ મહિલાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ડો.કિરીટભાઇ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી સહિત કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post