27-11
સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે તા. ૨૭ નવેમ્બરે ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી ચેતન પંડ્યાના હસ્તે ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સવારે ૯.૩૦ કલાકે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહીને શ્રી ગણેશ વાસુદેવ માવળંકરના તૈલચિત્ર સમક્ષ પુષ્પ અર્પણ કરીને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી ગણેશ વાસુદેવ માવળંકર : એક વિસ્તૃત પરિચય :-
જન્મ : તા. ૨૭મી નવેમ્બર, ૧૮૮૮, વડોદરા
અવસાન : તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૫૬, અમદાવાદ
‘માવળંકરદાદા’ના હેતાળ નામથી લોકહૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા, રાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાં દરેક તબક્કે ભાગ લીધો, સન ૧૯૧૩માં વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી,સન ૧૯૧૪થી સરદાર પટેલ અને સન ૧૯૧૬થી પૂજ્ય મહાત્મા ગાંધી સાથે મુક્તિસંગ્રામથી જાહેર જીવનની શરૂઆત કરી. દાદાસાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહ અને ખેડાની લડતમાં ભાગ લઈ કુલ ૩૩ મહિના કારાવાસ ભોગવ્યો હતો. સન ૧૯૩૭-૪૬ દરમિયાન આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ અને ત્યારબાદ વર્ષ ૧૯૫૨-૫૬ દરમિયાન લોકસભાના અધ્યક્ષ બન્યા. તેઓ ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં સંગીન પ્રણાલિકાઓ પાડનાર આદર્શ અધ્યક્ષ હતા. ગુજરાત સભા -ગુજરાત ક્લબના મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી, અમદાવાદની સામાજિક,રાજકીય તેમજ કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં સિંહફાળો આપનાર શ્રી માવળંકર અવસાનના દિવસ સુધી સતત કાર્યરત રહ્યા હતા.