Breaking News

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત જિલ્લા
કક્ષાના સખી મેળાનું આયોજન અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત
રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબહેન વકીલે વર્ચ્યુઅલ માધ્યમથી
સખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત સખી મેળામાં વહાલી દીકરી
યોજનાના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓને 18
વર્ષ પૂરા થયે રૂપિયા 1,10,000ની સહાય મળવાપાત્ર થશે. વહાલી દીકરી યોજનાના
હુકમપત્રોની મંજૂરી કમ વિતરણ કાર્યક્રમમાં લાભાર્થી દીકરીઓને ચાંદીના સિક્કાનું પણ વિતરણ
કરવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓએ બે દીકરીઓ, સનોફરબાનુ અને જન્નતબાનુ જેમણે
ધોરણ 10 પછી શાળા છોડી દીધી હતી, તેમને ફરીથી શાળાએ જવાની પ્રેરણા આપી હતી. જેના
પ્રયત્નરૂપે બંને દીકરીઓ હાલમાં ગ્રેજ્યુએશન લેવલનું શિક્ષણ લઈ રહી છે. આ દીકરીઓ અન્ય
લોકો માટે પ્રેરણારૂપ સાબિત થાય તથા રાજ્યનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય તેવા
પ્રયત્નો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ફરીથી શિક્ષણ લઈ રહેલી બંને દીકરીઓને આયોજિત સખી મેળામાં સન્માનિત કરવામાં આવી.
આ સખી મેળામાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં મંત્રી શ્રીમતી મનીષાબહેન વકીલે 15
કિશોરીઓ સાથે સંવાદ સાધીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ
મંત્રાલયે બાવળા ખાતે ખાસ એનિમિયાની તપાસ કેમ્પનું પણ આયોજન કરેલ છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદ કલેક્ટર કચેરીને
ગુલાબી કલરની રોશનીથી શણગારીને દીકરીઓની સમાજમાં રહેલી હાજરીને વધાવી લેવામાં
આવી. ખાસ ‘પિંક થીમ’ આધારિત રોશનીથી સમગ્ર કલેક્ટર ઓફિસને આજે સુશોભિત કરવામાં
આવી.
આ સાથે, આયોજિત સખી મેળામાં અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ મ્યુનિસિપલ
કૉર્પોરેશનના મુખ્ય સેવિકાઓ, સીડીપીઓ તથા આંગણવાડી કાર્યકર્તાઓને સારી કામગીરી માટે
મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા.
સખી મેળાના આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વિવિધ યોજનાઓના
લાભાર્થીઓ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post