
બૃહદ લોસ એન્જેલસ વિસ્તારના ‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ (શચ) ના ગુણવંતભાઈ પટેલના જણાવ્યા મુજબ ગૃપના કેટલાક સભ્યો શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ ‘સેન ડીઆગો સફારી પાર્ક’ની મુલાકાતે જઈ આવ્યા. સૌ પોતાના વાહનો દ્વારા સવારે ૯ઃ૦૦ કલાકે લાંબી સફર કાપી કાઉન્ટીના એસ્કાન્ડીડો (સેન ડિઆગો ) નગર વિસ્તારમાં આવેલ ‘ સેન ડિઆગો સફારી પાર્ક ’ ખાતે પહોંચ્યા હતા. વાતાવરણ ભેજવાળુ, ઠંડુ અને વાદળછાયુ હોવા છતાં ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકોનો ધસારો હતો. સમગ્ર ફેબ્રુઆરી માસ વરિષ્ઠ નાગરિકો માટે નિશુલ્ક પ્રવેશ હોઈ જ્યાં ત્યાં વૃદ્ધજનો જ નજરે પડતા હતા.

નાના ડુંગરાઓ અને ટેકરીઓ વાળા ૧૮૦૦ એકરમાં ફેલાયેલા વિશાળ પાર્કમાં ૩૦૦૦ પ્રાણીઓ ઉપરાંત વિવિધ વનસ્પતિ તથા અનેક પ્રકારનાં વૃક્ષો પર્યટકોના મનને આનંદથી ભરી દેતાં હતાં. આ અતિ વિશાળ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦૦ થી ૬૦૦ જેટલા કામદારો કાર્યરત હોય છે. નાની મોટી અનેક પેસેન્જર સફારીઓ પર્યટકોને સમગ્ર પાર્કમાં સતત ફેરવતી જ રહે છે. પાર્કની માવજત માટે વનસ્પતિવિદો પણ અહીં સતત કાર્યરત હોય છે.અહીં જ વિશ્વની સૌથી મોટી વેટર્નરી હોસ્પિટલ પણ આવેલી છે જે પ્રાણીઓના આરોગ્યની પણ સતત કાળજી રાખે છે.

સફારી રાઈડ મારફતે જ ગ્રુપના સભ્યોએ અલ્પાહાર કરતાં કરતાં સમગ્ર સફારી પાર્કના તમામ પ્રાણીઓનું અવલોકન કર્યુ હતું. છ કલાકના સમય વિતાવ્યા બાદ અંતમાં કુદરતી સાનિધ્યમાં સૌએ સહિયારું લંચ માણ્યું હતું. અને અમુક સભ્યોએ ગરબા પણ રમીને આનંદ કર્યો હતો . અંતમાં પરત ફરતાં રસ્તામાં સૌએ ચ્હા કોફીને ન્યાય આપ્યો હતો.સમગ્ર રીતે સફારી પાર્કની મુલાકાત રોમાંચક બની રહી હતી.
( તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )