ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩નો પ્રારંભ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયો છે.
સાયન્સ કાર્નિવલ દરમ્યાન સાયન્સ સિટી ખાતે વિજ્ઞાનના અવનવા સંશોધનો પર વ્યાખ્યાનમાળા,
સાયન્ટીફિક એક્સિબિશન, હેન્ડસ ઓન વર્કશોપ, થ્રી ડી રંગોળી શૉ, વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન, હોલ ઓફ ફેઇમ,
સાયન્સ મેજીક શૉ, વિજ્ઞાન પુસ્તક મેળો, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ, પ્લેનિટોરિયમ શૉ જેવા વિવિધ પ્રદર્શનોનું
આયોજન કરવામાં આવ્યું છે.
વિજ્ઞાનની આવી ગંગોત્રી ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સાયન્સ સિટી ખાતે
વહાવવામાં આવી રહી છે જેનો લાભ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને મળે તે માટે સ્કૂલ બોર્ડ, અમદાવાદ દ્વારા
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી તા.૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાતનું
આયોજન કરવામાં આવેલ આવ્યું છે.
આ સમયગાળા દરમ્યાન રોજની ૫૦થી ૫૫ એ.એમ.ટી.એસ. બસ દ્વારા રોજના ૩૨૦૦થી વધુ
વિદ્યાર્થીઓને સાયન્સ સિટી ખાતે લઇ જવામાં આવશે અને સાયન્સ સિટી ખાતે ઉજવાઇ રહેલા સાયન્સ કાર્નિવલ-
૨૦૨૩ના વિવિધ એક્સિબિશનનું તલસ્પર્શી નિદર્શન કરાવવામાં આવશે.
મ્યુનિ. શાળાઓમાં ભણતા ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે, ભારતના મહાન
વૈજ્ઞાનિકોની શોધોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને પ્રેરણા મળે, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે,
જિજ્ઞાષાવૃત્તિ વધે તે માટે સાયન્સ સિટીની મુલાકાતનું સમગ્ર આયોજન કરવામાં આવેલ છે.
સ્કૂલ બોર્ડના આ આયોજનથી મ્યુનિ. શાળાઓના ૧૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગુજરાત કાઉન્સીલ ઓફ
સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ઉજવાઇ રહેલા સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩નો લાભ મળશે.