Breaking News

આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાનાં મૂળમાં આપણી માતૃભાષા રહેલી છે : શિક્ષણ મંત્રી શ્રી ડૉ.

કુબેરભાઈ ડિંડોર


ગુજરાતી ભાષાને જીવંત રાખવી એ આપણા સૌની જવાબદારી છે : રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ

પાનશેરિયા


શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર તથા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં
પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે રાજ્યકક્ષાનો ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાયો


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરાયું ભવ્ય આયોજન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે તા. 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની
ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી અમદાવાદમાં પંડિત દીનદયાળ ઑડિટોરિયમ ખાતે કરાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત
અમદાવાદમાં હાથીની અંબાડી પર ગ્રંથયાત્રા યોજવામાં આવી હતી. થલતેજ પ્રાથમિક શાળાથી હાથીની અંબાડી,
બગી તથા ઢોલ નગારા સાથે ભવ્ય ગ્રંથયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો
પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. જેનું સમાપન પંડિત દીનદયાળ હોલ ખાતે થયું હતું.


આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને ગુજરાતીઓ માટે
ગૌરવવંતો દિવસ છે. તેમણે કહ્યું હતું કે, આપણી માતૃભાષાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે જવાબદારી આપણા
બધાની છે. આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાના મૂળમાં આપણી માતૃભાષા રહેલી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવતા
કહ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ કહેતાં હતા કે, આપણે સૌએ આપણી માતૃભાષાને
વળગી રહેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, કવિઓ પણ કહેતા કે, સંસ્કારોનું ચિંતન માતૃભાષામાં જ થાય છે.
અંતમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને કહ્યું કે, ‘મારી ભાષા, મારું ગૌરવ’ આ સૂત્રને પ્રત્યેક ગુજરાતીના હૃદય સુધી
પહોંચાડીએ અને સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરીએ.

આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આજના અમૂલ્ય દિવસે આપ
સૌ માતૃભાષાને પ્રોત્સાહિત કરવા અહીં ઉપસ્થિત રહ્યા છો તે બદલ સૌને વંદન. તેમણે કહ્યું કે, ગુજરાતી ભાષાને
જીવંત રાખવી એ આપણા સૌની જવાબદારી છે. તેમણે ઉમેરતાં કહ્યું હતું કે, રાજ્યમાં તમામ આદેશો અને વહીવટી
પ્રક્રિયા પણ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં થાય તેથી છેવાડાના લોકો સચોટ માહિતીથી વાકેફ થાય તેવો આપણા
મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે.


આ કાર્યક્રમમાં સાહિત્ય રસિકો અને સંગીતપ્રેમી શિક્ષકોના સમન્વયથી સંગીતકારોની બે ટીમ બનાવી ભજન,
લોકગીત, હાલરડાં લોકો સમક્ષ રજૂ કર્યા હતાં. આ ઉપરાંત પ્રસિદ્ધ સાહિત્યકાર તુષાર શુક્લ તથા ડો. નિમિત્ત
ઓઝાએ ‘મારી ભાષા, મારું ગૌરવ’ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં બાળકો
દ્વારા વિવિધ સાહિત્યકારોની વેશભૂષા રજૂ કરાઈ હતી.
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે અમદાવાદ મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડની તમામ
શાળાઓમાં ગ્રંથયાત્રા નીકળી હતી તેમજ 100 જેટલી શાળાઓમાં સ્લોગનો દોરવામાં આવ્યા હતાં.

રાજયકક્ષાના આ વિશ્વ માતૃભાષા દિવસની રંગારંગ ઉજવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી
આ કાર્યક્રમ રાજ્યભરની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, શિક્ષણ
વિભાગના અધિકારીશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ તથા કોર્પોરેશનના અધિકારીઓ –
પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post