ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય અંતર્ગત આવેલ નહેરુ યુવા કેન્દ્ર અમદાવાદ અને શ્રી આર. એચ. પટેલ
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા યુવા ઉત્સવ-૨૦૨૩નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં
અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ દ્વારા યુવાનોમાં રહેલ
કળા-કૌશલ્ય બહાર આવશે અને તેઓના આત્મવિશ્વાસમાં વધારો થશે તેવા આશયથી શ્રી આર. એચ. પટેલ આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજ અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ તેમણે શુભેચ્છાઓ પાઠવું છું.
સાથે જ વિવિધ સ્પર્ધાઓ ભાષણ, ચિત્રકળા, મોબાઈલ ફોટોગ્રાફી, કવિતા લેખન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ
લઈને વિદ્યાર્થીઓએ કાર્યક્રમની શોભા વધારી છે જેનો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મેયરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિવિધ સ્પર્ધાઓમાં અંદાજે ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તે બદલ
તેમને અને તેમના માતા-પિતાઓને શુભેચ્છાઓ પાઠવું છું.
યુવાનોએ પોતાનું કૌશલ્ય પ્રગટ કરવા આવી અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લેવો જ જોઈએ અને તેઓના
ઉત્સાહમાં વધારો કરવા ભારત સરકાર અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વિવિધ યોજનાઓ થકી
ગુજરાત અને ભારતના યુવાનોને દેશ-વિદેશમાં પોતાના કૌશલ્ય થકી ઓળખ પ્રસ્થાપિત કરવા અનેક પ્રયત્નો કર્યા છે અને
આજે પણ કરી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત જ્યારે G-20નું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે યુવાનોએ પણ તેમાં ભાગીદાર થઈ
તેમના કૌશલ્ય થકી દેશને વધુ પ્રગતિશીલ બનાવવો જોઈએ.
અંતે તેઓએ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમ દરમ્યાન સરકારશ્રીની
વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર હેતુ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
આ યુવા ઉત્સવ કાર્યક્રમમાં શ્રી આર. એચ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉ. સૌરભભાઈ
પટેલ, પ્રિન્સિપાલ શ્રી આઈ. બી. ઐયર, નહેરુ યુવા સંગઠન ગુજરાતના નિયામક શ્રીમતી મનીષાબેન શાહ, અમદાવાદ
જિલ્લા યુવા અધિકારી શ્રી મહેશ રાઠવા અને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.